વર્ષ – ૧૦ દસકો (૨૦૦૦-૦૧)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       ૨૬ જાન્યુઆરી, સવારનાં ૮.૩૦ આસપાસનો સમય હતો. હું ડ્રોઈંગરૂમમાં કુદરતી દ્રશ્ય દોરી રહ્યો હતો. બાજુમાં જ મારો ભાઈ કશું લખી રહ્યો હતો. પાછળની બાજુ મમ્મી-પપ્પા કામ કરી રહ્યાં હતાં ને અચાનક બધું હલવા-ડોલવા લાગ્યું. ધ્રુજારી અને કંપન પેદા થતાં તરત જ મારાં ભાઈ હડબડાઈને મોટા અવાજે કહ્યું, ‘મમ્મી ભૂકંપ આવ્યો.’ અમે બધાં દોડીને ઝડપથી ઘરની બહાર પગથિયાં ઉતરી કંમ્પાઉન્ડમાં ચાલ્યાં ગયા. મેં સામેની તરફ એક મકાનની દીવાલ ફાંટતી જોઈ. લોકોને આમતેમ ભાગતા અને અમારાં ઘરને હલાતા-ડોલતા જોયું હતું. થોડી જ સેકંન્ડોમાં બધું જ શાંત થઈ ગયું. લાઇટ જતી રહી હતી. ટેલિફોન લાઇન્સ ઠપ્પ થઈ ગઈ હતી. અમે ઉપર ઘરમાં આવી ગયા ત્યાં વળી ૯.૩૦ વાગ્યા આસપાસ આફ્ટરશોક અનુભવાયો. બધાં ફરી ઘરની બહાર ખુલ્લી જગ્યા પર આવી ગયા અને પછી આંચકોની સાથોસાથ આગાહીઓ અને અફવાનો સિલસિલો શરૂ થયો.

      તાબળતોબ રાહત કેમ્પ નખાયા. ફટાફટ અખબારોમાં વધારો બહાર પડ્યો. એમ્બ્યુલન્સ અને લાલબંબાઓ દર પાંચ મિનિટે ઘર પાસેથી નીકળે. સગા-વહાલાંઓને સલામતીનાં ફોનકોલ્સ થયા. અમારાં ઘર-પરિવાર અને કુટુંમ્બમાં બધાં સહીસલામત હતાં. શાળા-કોલેજોમાં અનિશ્ચિત મુદત સુધીની રજા પડી ગઈ. ક્યાંક ચોરી-લૂંટફાટ પણ થઈ. જેમનાં મકાન પડી ગયા એ લોકોને સરકારી શાળામાં આશરો આપવામાં આવ્યો. બહું મોટી તારાજી સર્જાઈ ગઈ એ ત્યારે સમજાયું જ્યારે આ ઘટનાનાં દ્રશ્યો ટી.વી. પર નિહાળ્યા. અસરગ્રસ્તોને સેવા અને સહાયની જલ્દી અને મોટી જરૂર હતી. અમે પણ ફૂડ પેકેટ્સ અને ચાદર મોકલાવેલા. રોજ સાંજે ભૂકંપની આગાહી થતી એટલે રાત્રે ઠંડીમાં બહાર સૂવું પડતું. મને પાક્કુ યાદ છે, એક દિવસ આખી રાત ઘર બહાર રહ્યાં બાદ હવે ભૂકંપ નહીં આવે તેવું સમજી અમે સવારે પાંચ વાગ્યે ઘરમાં આવી સૂઈ ગયા. ત્યાં છ વાગ્યે હળવો આંચકો આવેલો. અને ફરી હતાં એ ને એ. આ ઘણાં મહિનાઓ સુધી ચાલ્યું હતું. અમારાં મનમાં એક એવો ડરી બેસી ગયો હતો કે, પવનની કોઈ વસ્તુ ખખડે કે કંઈક પડે-હલે તો પણ અમે ભૂકંપ આવ્યો એવું સમજી ડરી જતાં. ક્યારેક ભેદી ધડાકા પણ થતાં.

       ભૂકંપ અંગે લોકો એવી એવી વાતો કરતાં કે ન પૂછો વાત. ભૂકંપ શિયાળામાં જ આવે, પાપ વધી ગ્યાં એટલે પાપનું વજન ધરતી ન સહી શકે એટલે ભૂકંપ આવે. ત્યાં કોઈ કહે, નાં નાં પેટાળમાં પાણી ક્યાં? ત્યાં જગ્યા થાય એટલે પ્લેટ ખસે. પ્લેટ ખસે એટલે ભૂકંપ આવે. કોઈ કહે પાકિસ્તાને અંડરગ્રાઉંડ મિસાઈલ છોડી છે. ભૂકંપ કોઈ માટે અફવાનું તો કોઈ માટે અંદ્ધશ્રદ્ધા તો કોઈ માટે રહસ્ય અને વિજ્ઞાનનું જગત હતું.

      એકાદ મહિનાની રજાઓ પછી અમારી સ્કૂલ શરૂ થઈ ગઈ. અમને બધાંને શાળાનાં મેદાનમાં ભણાવતા. ક્લાસરૂમની બહાર ખુલ્લાંમાં ઝાડ-પાનનાં છાંયડે રેતીમાં બેસી ભણવાની મજા આવતી. હું ત્રીજા ધોરણમાં હતો. ત્રીજા ધોરણનાં અમારાં વર્ગશિક્ષક ખૂબ જ અનુભવી, પીઢ અને લાગણીશીલ હતાં. એમની પાસે વાર્તા અને દ્રષ્ટાંતોનો ખજાનો રહેતો. એ એમની વાતોથી અમને હસાવી કે રડાવી શકતા. પ્રાથમિક શિક્ષક પૂરતા એ મને પસંદિતા ટીચરમાં પ્રથમક્રમે રહ્યાં.

      હું દસ વર્ષનો થઈ ચૂક્યો હતો. આ દરમિયાન ઘણું બની ગયું હતું, બનતું હતું. મારાં મોટાં બહેન પરણી ગયા હતાં, સાસરે ખુશ હતાં. મોટાં ભાઈ બારમા ધોરણમાં ડિષ્ટિક્શન સાથે પાસ થયા હતાં. હું ભણવામાં હોશિયાર અને અવ્વલ થઈ ચૂક્યો હતો. હવે વર્ગખંડમાં મારાં દોસ્તો હતાં. એમાંનો એક દોસ્ત એટલે રાજન. જેને હજુ બે મહિના પહેલાં જ મને ફેસબૂક પર શોધી ફ્રેન્ડરિકવેસ્ટ મોકલી. એ સિવાય શક્તિ હતો. શક્તિ આજ ડૉક્ટર છે. સ્મિત હતો. સ્મિત આજે કારખાનેદાર છે. કિન્નરી હતી. કિન્નરી આજે એમબીએ પાસ છે. મારી પાડોશી છે. એ સિવાય મારાં ગ્રુપનાં બીજા મિત્રો આગળ જતાં દસમું ધોરણ પાસ ન કરી શક્યાં હતાં. આજે કોઈ કારખાનામાં જાય છે, કોઈ પાનની દુકાને બેસે છે અને કોઈ છૂટક રોજકામ. બધાં ભણવામાં હોશિયાર હતાં પણ આગળ જઈ નિયતિ અને કિસ્મતનાં કુચક્ર પાસે તેમનું ચાલ્યું નહીં. ત્રીજા ધોરણમાં પાસ થયા પછી આમાના ઘણાં દોસ્તો છૂટ્યા. અમારાં વર્ગની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો આવ્યો. ભૂકંપનાં કારણોસર અસર પામેલા શાળા સંકૂલને રિનોવેશનની જરૂર હતી. આથી ધોરણ ૪થી ૭નાં વર્ગોને અમારી શાળાની સામેની બાજુનાં એક સંકૂલમાં શરૂ કરવામાં આવ્યું. જ્યાં અંધારિયા વર્ગખંડ અને વિશાળ મારબલવાળું મેદાન હતું. મારું ધોરણ ચાર શરૂ થયું. પછી શું ઉતાર-ચઢાવ આવ્યાં એ આવતાં વર્ષનાં સ્મરણોમાં જાણશું.