વર્ષ – ૧૧ ધર્માત્મ્ય (૨૦૦૧-૦૨)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

       આગિયારમે વર્ષે હું ઈશ્વરમાં માનતો થઈ ગયો હતો. રોજ ગીતામંદિરમાં જઈ વિશાળ કૃષ્ણની પ્રતિમાને નમન કરી પગે લાગતો. પ્રદક્ષિણા ફરતો. પૂજારી દાદા પાસેથી ચરણામૃત અને પ્રસાદી લેતો. ભજનો ને હનુમાન ચાલીસા મને કંઠસ્થ થઈ ચૂક્યાં હતાં. પ્રાર્થના પછી હું બધાં પાસે ભજન ગવડાવતો અને શનિવારે હનુમાન ચાલીસા બોલાવતો. નવરાત્રીમાં ધૂપ-દીવા અને આરતી-ગરબાથી મા શક્તિની આરાધના કરતો. મારાં જીવનમાં ભગવાન નામનો વિષય પ્રવેશી ચૂક્યો હતો જે મુશ્કેલીનાં સમયમાં મારું પ્રેરકબળ બની રહેતો. હું આફતની ઘડીમાં ઈશ્વરને યાદ કરી સમજી લેતો કે હવે એ બધુ ઠીક કરી આપશે. બધુ ઠીક પણ થઈ જતું. કેવી ન્યારી લીલા!

મારાં ધાર્મિક અને આધ્યાત્મિક બનવા પાછળનું મુખ્ય કારણ મારી શાળા હતી. સ્કૂલનું વાતાવરણ બહારથી ધાર્મિકતાનાં પડ ચડાવેલું સંસ્કારી હતું. ભણવામાં પણ હવે સંસ્કૃત વિષય ફરજિયાત બની ગયો હતો. મારું સંસ્કૃત એ સમયે બહું જ સારું કહી શકાય એવું હતું. સ્કૂલમાં ગીતાજીનાં પાઠ થતાં એટલે આજે પણ ઘણાખરા શ્લોક સ્વમુખે અંકિત છે. ધોરણ દસમાં સંસ્કૃતમાં ૧૦૦માંથી ૯૩ ગુણ મેળવ્યાં બાદ કોમર્સનું ક્ષેત્ર પસંદ કરતાંની સાથે જ સંસ્કૃત સાથેનો સંબંધ તૂટ્યો. એટલે જ કદાચ વધતી ઉંમર અને ધ્યેયથી વિષયાભિમુખ થવાના લીધે એ પછીથી હું ઈશ્વરથી થોડો વિમુખ થયો એવું લાગ્યાં કરે છે. ઈશ્વરનાં અસ્તિત્વ વિશેની શંકા એ સમાજવ્યવસ્થાની તમામ આચારસંહિતાઓનું ઉલ્લંઘન કરવા બરાબર છે. શંકા જન્મે છે ત્યારે શ્રદ્ધા નાશ પામે છે. કદાચ કેટલીક શંકા પણ કારણભૂત હતી કે આજે પણ હું મંદિરમાં ભાગ્યે જ જાવ છું. હવે આફતની ઘડીમાં બધું ઈશ્વર પર છોડું છું ત્યારે બધાંમાંથી ઘણું ઈશ્વર ઠીક નથી કરી આપતો. કેવી લીલા?

કેટલાંકને જાણીને નવાઈ લાગશે કે, એ સમયે અમારાં એક ગુરુજી હતાં. જે અંધ ભગવાવસ્ત્રધારીને પ્રથમ વાર જોઈ બધાં વિદ્યાર્થીઓ હસ્યાં હતાં, એ પણ અમારી જોડે હસ્યાં હતાં. તે ગુરુ એટલે બીજા કોઈ નહીં પરંતુ જગદ્દગુરુ રામભદ્રાચાર્ય. બીજા ગીતાદેવી. એ હર વર્ષ પોતાના આશ્રમ હરિદ્વારથી અહીં ગીતાજયંતી પર અમારી શાળામાં આવતા, જે ગીતા વિષયક પ્રવચનો આપતાં અને અમે તેમની સમક્ષ તૈયાર કરેલી અલગ-અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરતાં. મારાં જીવનનું પહેલું વક્તવ્ય મેં રામભદ્રાચાર્યજી સામે આપેલું. જે સાંભળી તેઓ ખુશ થઈ ગયેલાં અને મને આશીર્વાદ સાથે બસો પચાસ રૂપિયાનું ઈનામ આપેલું. એ વક્તવ્યનું લખાણ મારાં શિક્ષકે લખી આપેલું જે એટલું અઘરું હતું કે, મને મોઢે કરતાં એક મહિનાનો સમય થયો હતો.

        આ વર્ષ મારાં માટે યાદગાર બની રહ્યું હતું કેમ કે, જીવનમાં પહેલી વખત મારો જન્મદિવસ ઉજવવાનું મમ્મી-પપ્પાએ નક્કી કરેલું. જે ધારણા કરતાં પ્રમાણમાં શાનદાર ઊજવાયો હતો. મોટી બધી ચોકલેટ કેકનો ઓર્ડર અપાયો હતો, ઘરને રંગબેરંગી ફુગ્ગા અને રીબીનથી સજાવવામાં આવ્યું હતું ને કેટલાંક અંગતોને જમવા માટેનાં આમંત્રણો અપાયેલાં હતાં. મને ભેટસોગાદ અને શુભકામનાઓ લખેલાં બર્થડે કાર્ડ મળેલાં. હું ખૂબ ખુશ થઈ શાળાનાં મિત્રોને આ વાત કરવા ઉત્સુક હતો કે, મને રાત્રે ઊંઘ આવી ન હતી.

       અગિયાર-બાર વર્ષની ઉંમરે મારી દિનચર્યા કંઈક આવી હતી – હું સવારે વહેલો ઊઠી સ્કૂલે જતો. ઘર આવી જમતો. લેશન કરતો. થોડીવાર સૂઈ જતો અથવા રમતો. પછી એકડાળનાં પંખી ટી.વી. સિરિયલ જોતો. સાંજે ક્રિકેટ રમતો. જમતો અને પછી ટી.વી. જોઈ વહેલો સૂઈ જતો. હું મારાં બધાં જ કાર્યો જાતે કરતો. કોઈની મદદ લેવી મને ન ગમતી ને વળી કોઈનું કામ પણ ન ફાવતું. મારાં તોફાન બંધ થઈ ગયા હતાં. હું ક્યારેક અખબાર વાંચી લેતો તો ક્યારેક સમાચાર જોઈ લેતો. સાર-અસારનો વિચાર-વિવેક મારાંમાં પ્રવેશી રહ્યો હતો. એક બાબત એ બની કે, ધર્મ અને ઈશ્વરનો અફીણી નશો થોડાં જ મહિના ટક્યો. પછી આગળ શું થયું એ આવતાં વર્ષે જણાવીશ પણ હા, ઈશ્વર પ્રત્યેની મારી અખૂટ શ્રદ્ધા કાયમ જળવાઈ છે, જળવાઈ રહેશે. ઈશ્વરે મને જન્મ આપી મારાંમાં ઈશ્વરને જીવાડ્યો છે. મારે કૃષ્ણ જેવાં ઈશ્વર જોઈએ, સાક્ષાત સ્વરૂપે અને એ જ ઈશ્વરને પ્રાર્થના કરું કે, હે વિધાતા… હું અર્જુન ન બનું.