વર્ષ – ૧૨ બાર’સ’ (૨૦૦૨-૦૩)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

      બાર વર્ષે આપણે બાળક રહેતાં નથી. બાર વર્ષે શારીરિક અને માનસિક વિકાસનો બીજો તબક્કો શરૂ થાય છે. બારમુ વર્ષ આપણું કિશોર બનવાની તૈયારીનું વર્ષ છે. બાર વર્ષે આપણામાં શરમ આવે છે અને સંયમ રહેતો નથી. બાર વર્ષે આપણે બોલકાં અને ઉઠવા-બેસવા-પહેરવામાં કાળજી લેતાં થઈ જઈએ છીએ. બાર વર્ષે આપણામાં એકાકી ગુણ પ્રવેશે છે ને બાર વર્ષે જે બાર અસરો સૌથી વધુ નિકટતાથી વર્તાય છે તે આ મુજબ છે – સ્પર્શ, સ્વર, શબ્દ, સૂર, સુગંધ, સ્નેહ, સેવા, સંયમતા, શૈતાની, સેક્સ, સજાતીયતા અને સ્વાર્થ.

       પાંચમા ધોરણનાં પરિણામની અંદર મારી ઊંચાઈ ૪.૮ ઈંચ અને વજન ૩૦ કિલો દર્શાવેલાં છે. આ વર્ષે મને કોમ્પ્યુટર આવડી ગયેલું. તેનાં પાર્ટસનાં નામ અને ઉપયોગ આવડતા હતાં, ટૂલ્સથી પરિચિત હતો. હું કોમ્પ્યુટર આપમેળે ચાલુ, બંધ કરી શકતો. મને પેઈન્ટર અને વિન્ડોસ ફાવી ગયું હતું, વર્ડ આવતાં ધોરણમાં શીખવાનું હતું. એ સિવાય સંગીત અને ચિત્રકામ અને પી.ટી. જેવાં વિષયો મને અઘરા પડતાં ન હતાં. ઉદ્યોગનાં ક્લાસમાં મને સાંકડી ટાંકો અને ભારતગૂંથણ આવડી ગયેલું. આજે પણ સિલાઈ ફાવે છે. હું સ્કાઉન્ટ ગાઈડમાં રહેલો પરંતુ તેમાં ચડ્ડી પહેરવી પડે એટલે પછી નીકળી ગયેલો. મારાં જીવનમાં જે-જે નવી વસ્તુ પ્રવેશે તેનો ઉપયોગ કરતાં મને સરળતાથી ફાવી જતું, હું તરત જ એ નવો વિષય કે વસ્તુ સ્વીકારીને શીખી લેતો. આથી મારી ગણતરી હોશિયાર વિદ્યાર્થીઓમાં થતી હતી.

       હા, મને સાઈકલ ચલાવતાં આવડતી ન હતી. આથી મને ક્યારેક પોતાના માટે જ નાનપ અનુભવાતી. જેને હું અવગણી મારાં બીજા હકારાત્મક પાસાંને ધ્યાને લેતો. અરે.. હા. મને પાંચમા ધોરણમાં ક્લાસનો મોનીટર નિયુક્ત કરવામાં આવેલો. ટીચર ક્લાસની બહાર જાય એટલે મને ધ્યાન રાખવા ઊભો કરીને જાય. કોઈ વાત કરે તો મારે બોર્ડમાં નામ લખવાનાં પછી ટીચર આવીને બોર્ડમાં લખેલાં નામવાળા વિદ્યાર્થીને માર મારે. હું બોર્ડમાં કોઈનાં નામ લખતો નહીં અને બધાંને ધીમેધીમે વાતો કરવા આપતો. આ કારણે ટૂંકસમયમાં મને મોનીટરમાંથી હટાવી દેવાયો હતો. અમારાં વર્ગની સંખ્યા હવે પચ્ચીસ હતી. જેમાં બધાં છોકરાં-છોકરીઓ એકબીજાનાં મિત્રો હતાં, એકને બાદ કરતાં. એનું નામ અફઝલ હતું. એ મને અને ઘણાંને ન ગમતો. દર બે-ચાર દિવસે અફઝલને હું રિશેષ દરમિયાન ફોસલાવીને મેદાનમાં લઈ જતો ને અકારણ મારતો. એકવાર એને મેં એટલો માર્યો હતો કે બીજા દિવસે એ શાક સુધારવાનું ચપ્પું લઈ સ્કૂલે આવ્યો. મને ડરાવવા તેને રિશેષ દરમિયાન દફ્તરમાંથી ચપ્પું બહાર કાઢ્યું. તો પણ મેં એને ઊંચકીને મેદાનમાં લઈ જઈ ઢસળી-ઢસળીને માર્યો. અમારી ઊંચાઈ અને વજન સપ્રમાણ હતાં છતાં હું એને પહોચી વળતો. મારાં મન અને મગજમાં એક ખુન્નસ પેદા થતી એ બધી અફઝલ પર નીકળી જતી. મને યાદ છે, એક વખત ક્રિકેટમેચમાં ભારત પાકિસ્તાનથી હારી ગયું હતું. ત્યારે મારાં એક સહપાઠીએ પણ અફઝલને માર્યો હતો. સ્કૂલમાં અમારો વર્ગ સૌથી વધુ તોફાની અને સૌથી વધુ હોશિયાર ગણાતો. મારાં પાંચમા ધોરણનાં શિક્ષકા સાથે આજે પણ મારે સંપર્ક છે.

       આ વર્ષે બનેલી કેટલીક ઘટનાઓએ મને ઘણાં અર્થમાં બાળક મટવા માટેનાં સંજોગો ઊભા કર્યા. મને આગામી સમયનો ચિતાર આપતી ઘટનાઓએ જવાબદાર અને નીડર બનાવ્યો. કદાચ આ વર્ષને હું મારી જિંદગીનું સૌથી મહત્વપૂર્ણ વર્ષમાનું એક ગણાવું છું. આ વર્ષે પહેલી વહેલી વખત મેં ગુટખા ચાખેલી, આ વર્ષે શાળાજીવનમાં મેં પહેલી વહેલી વખત બઁક મારેલો. આ વર્ષોમાં ભૂકંપ અને દુકાળ પડી ચૂકેલા જેમાંથી ઉપર ઉઠવાના પ્રયત્નો ચાલુ હતાં. આ વર્ષે ઘણું બની રહ્યું હતું, બનવા જઈ રહ્યું હતું ને બનવાનું હતું.

       એકવીસમી સદી પ્રવેશી ચૂકી હતી. ભારતીય ક્રિકેટ ટિમ સૌરભ ગાંગુલીની અધ્યક્ષતા શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહી હતી. બીજી તરફ ટેલિવૂડમાં બાલાજી ટેલિફિલ્મ્સ ટીઆરપીનાં બધાં રેકોર્ડ તોડી નવાં કીર્તિમાનો સ્થાપી રહ્યું હતું. હવે શુક્રવાર એકથી વધુ ફિલ્મો પડદા પર લાગી રહ્યાં હતાં ને ભટ્ટકેમ્પની આવનારી એડલ્ટ ફિલ્મો બધાંનો ચર્ચાનો વિષય હતી. રાજકોટમાં મોલ્સનું બાંધકામ શરૂ થઈ ગયું હતું. જે બાંધકામ પણ લોકો જોવા જતાનાં કિસ્સા છે. અને મોબાઈલ ફોન. મેં પહેલો મોબાઈલ ફોન કહોના પ્યાર હૈ પિક્ચરમાં જોયેલો. અમારાં એક ટીચર જેનું નામ યાદ નથી એ આવનારાં સમય અને ટેકનૉલોજીની નવી-નવી વાતો કરતાં. એમાં મોબાઈલ અને ટચસ્ક્રીન એટલે કે, અડી ઈ ભેગું હાલે એવા ગપ્પાં લાગતાં. વિજ્ઞાન અને અંધ્ધશ્રદ્ધાની વાતો થતી. ફિલ્મી ગીતો ગવાતા અને વાતવાતમાં ડાયલોગ બોલાતા. સોમવારે બધાં રવિવારે શું કર્યું ન કર્યું અને રજાઓમાં ફરવા જવાની વાતો કરતાં. મેં કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન પહેરતો એવું બૂટકટ પેન્ટ સિવડાવ્યું હતું. ફેશન અને લાઇફસ્ટાઈલમાં એકવીસવી સદીની હવા હતી. હવે કશું પણ ચલાવી લેવાનું ન હતું કારણ, અમારી પાસે એકથી એક ચડિયાતી ચોઈસ હતી. અમે ખરાં અર્થમાં મોર્ડન બની રહ્યાં હતાં. હવે ઘણી વસ્તુઓ અમને આકર્ષી શકતી નહીં. કંઈક અલગ કંઈક વિચિત્ર અને બધાંથી અલગ ચીજવસ્તુ ફેશન કહેવાતી.

       આ વર્ષે મારાં પપ્પાને મેજર હાર્ટએટેક આવેલો. જેમણે અમને બધાંને અંદરથી તોડી અને ભાંગી નાખેલા. સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ અને બધાંનો સાથસહકાર મળી રહેતા જલ્દીથી બધુ ઠીક થઈ ગયું. તેમ છતાં એ ગાળો થોડો કપરો કહી શકાય. એ દુ:ખદ બનાવ વિષયક એક ઘટના જણાવું જેણે પપ્પાનું અસ્તિત્વ અને મહત્વ સમજાવ્યું.

       પપ્પા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતાં ત્યારે સ્કૂલની માસિક પરીક્ષાઓ ચાલતી હતી એટલે શાળાએ મારે હાજરી આપવી ફરજિયાત હતી. એ સમયે હું જીવનમાં પહેલી વાર પપ્પા વિના એકલો સ્કૂલે ગયેલો અને એકલો સ્કૂલેથી ઘર આવેલો. નહીં તો રોજ પપ્પા સ્કૂલે સાઈકલ પર સમયસર તેડી-મૂકી જતાં. પણ એ દિવસે હું એકલો જતો હતો ત્યારે રસ્તામાં એક કૂતરું મને જોઈને ભસ્યું ને હું ભાગ્યો. કૂતરું મારી પાછળ દોડ્યું પણ આગળ જઈ એ મને દોડવામાં જીતી ન શક્યું. મને યાદ આવ્યું એક સમયે પપ્પા સ્કૂલે તેડવા-મૂકવા આવતાં એ મને ન ગમતું, મારાં મિત્રો કહેતા, તું મોટો થઈ ગયો છે તો પણ તને તેડવા-મૂકવા આવું પડે. બધાં હસતાં. અને જે દિવસે કૂતરું પાછળ પડ્યું તે દિવસે પપ્પા હોતાં તો કાયમની જેમ કૂતરાંને ભગાવી મૂકતાં. પહેલાં મને તેમનું સાથે હોવું ન ગમતું  તે દિવસે તેમનું ન હોવું ન ગમ્યું. મને કૂતરાથી બીક લગતી.