વર્ષ – ૧૩ સ્વપ્નીલસફર (૨૦૦૩-૦૪)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

        મુંબઈ. બાર-તેર વર્ષની ઉંમરે જ્યારે મુંબઈની ધરતી પર પગ મૂક્યો ત્યારે સપનાંમાં પણ ખબર ન હતી કે, હું લેખક બનીશ. લેખક બનીશ તો પહેલી લઘુનવલકથા લખીશ અને એ લઘુનવલકથાની પૃષ્ઠભૂમિ મુંબઈ હશે! હું તેર-ચૌદ વર્ષની વયે મુંબઈ સાથે મહોબ્બત કરી બેઠેલો. મુંબઈ પાસે એ હતું અને છે જે જગતનાં કોઈ શહેર પાસે નથી. શું એ નહીં કહું.

       મુંબઈ સૌ કોઈને આકર્ષી અને ગમી શકે છે. મુંબઈ એ અનુભવોનું શહેર છે. મુંબઈ માટે બધાં સરખાં છે પણ મુંબઈમાં કોઈ સરખું રહી નથી શકતું. મુંબઈ પાસે દરિયો છે, ટેકરીઓ છે, નાની-નાની ખીણ છે. રૂપિયો છે, ગરીબી છે, જાહોજહાલી અને ખાનાબદોસી છે. પણ હા બે વસ્તુ નથી મુંબઈ પાસે. સમય અને આરામ.

       રાજકોટથી વહેલી સાંજે અમારી ટ્રેન મુંબઈ જવા ઊપડી અને સવારે સાત વાગ્યા આસપાસ અમે મુંબઈ હતાં. સાંતાક્રૂઝથી ભાયન્ડર. રેલવે સ્ટેશન પર પગ મૂકતાંની સાથે જ હું આશ્ચર્યમાં મુકાઈ ગયો. એક જ શહેરનાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે ટ્રેનની જરૂર પડે! હજુ તો જો કે આ શરૂઆત હતી. હું પ્રથમવાર ગુજરાત બહાર નીકળો હતો એટલે હવે ઘર પરત ફરતાં સુધી પ્રત્યેક ક્ષણ અને સ્થળ આશ્ચર્યનાં જગતમાં જ જીવવાનું હતું.

       મુંબઈ ક્યારેય સૂતું નથી એટલે મુંબઈમાં ચોવીસ કલાક ફરી શકાય. ચાર દિવસોમાં મને મુંબઈનાં ઘણાં સ્ટેશનનાં નામ ક્રમબદ્ધ કડકડાટ ફાવી ગયા હતાં. ભાયન્ડરથી સેંટ્રલ પહોચતાં ઠીક એક કલાક થતી અને અમે ડબલફાસ્ટ ટ્રેન જે ચાર સ્ટેશન છોડી એક સ્ટેશન ઊભી રહે તેમાં ન બેસતાં. ભીડમાં આપણી સીટ પાસે કોઈને થોડી પણ જગ્યા દેખાઈ તો ‘સરક’ કહી બેસી જાય. ચાલાકી, લુચ્ચાઈ અને બેરહેમીનાં લક્ષણ ન ધરાવતો માણસ મુંબઈમાં ટકી ન શકે એ મને દેખાયું અને અનુભવાયું. ખૈર, અમે વડાપાઉં એટલે કે મીરચીપાઉં, ઝૂહું કિનારે મળતાં ભાજીપાઉં, સ્નેક્સ, સ્વીટ્સ અમે મુંબઈનાં મોટાભાગનાં પ્રખ્યાત સ્થળ, ભોજન અને બજારનો લાભ અને આનંદ ઊઠવેલો. ખાસ કરીને લગભગ વી.ટી. સ્ટેશન બહારની ઓપન માર્કેટ. મુંબઈમાં સસ્તી વસ્તુ બહુ સસ્તી મળતી અને મોંઘી વસ્તુ બહુ જ મોંધી. ઘણી જગ્યાઓ પર ફર્યા પછી પણ ચોર બાઝાર અને ધારાવી ન જોઈ કે જઈ શકાયાનો અફસોસ રહ્યો.

       એ સમયે મુંબઈમાં બાર કલ્ચર ફૂલ્યુંફાલ્યું હતું. એક વાર અમારી બસ રેડલાઇટ એરિયામાંથી પસાર થઈ હતી ત્યારે મેં પહેલી વાર વેશ્યાને જોઈ હતી. હું એવું સમજતો હતો કે, વેશ્યા સામાન્ય સ્ત્રી જેવી જ દેખાઈ અને હોય પણ નહીં મુંબઈની લલનાઓ જોઈ મારી માન્યતા ખોટી ઠરી. એવું જ શરાબમાં થયું. હું એવું માનતો કે, દારૂ પી આવું થાય, તેમ થાય વગેરે વગેરે. પરંતુ મુંબઈમાં બધાંને ખુલ્લેઆમ શરાબ અને સિગારેટ પીતાં જોઈ એ વિશેની પણ કેટલીક માન્યતાઓ ખંખેરાઈ ગઈ. મુંબઈ છે જ એવું ઘણાની માન્યતાઓને તોડીમરોડી મચકોડી નાખે. એક બાબતની ચર્ચા અમારા પરિવારમાં મુંબઈથી આવ્યાં પછી પણ સૌથી વિશેષ થતી રહી કે, ત્યાં કપલ્સ પોતાના હાથમાં હાથ અથવા પોતાની પાર્ટનર્સનાં કમર કે ગળા પર હાથ રાખી નિકટતા સાધતાં જોવા મળે. સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં આવાં દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે આથી મુંબઈમાં એ પણ અમારાં માટે જોવાનું-જાણવાનું હતું. ટૂંકમાં મુંબઈની સડકો, ઈમારતો, બે માળની ઝૂપડપટ્ટીઓથી લઈ દરેક જગ્યાએ ઊંડી અને અનોખી દ્રષ્ટિ હોય તો એક વિવિધ શ્રુષ્ટિ જોવા મળી રહે. રસ્તાઓ પર દુકાનોની બહાર સ્ટેન્ડ પર એક લાલ-પીળાં કલરનું મોટું ડબલું હોય. જેમાં એક રૂપિયાનો સિક્કો નાખી સાઈઠ સેકંન્ડ વાત થતી. મુંબઈમાં આવ્યાં પછી ગુજરાતમાં પણ આવું ટેલિફોનનું ડબલું બધે આવેલું. મુંબઈમાં મારાં પપ્પાનાં ફ્રેન્ડએ નોકિયા ૬૬૦૦ મોબાઈલ મારાં હાથમાં આપી કહ્યું હતું કે, ‘સાચો ફોન છે સસલાં. લગાવ તારી બેનપણીને.’

       મુંબઈમાં પપ્પાનાં મિત્ર, પપ્પા-મમ્મી અને ભાઈ સાથે લગભગ ચાર દિવસ હું ફર્યો. એ દિવાળીનો સમયગાળો હતો. મુંબઈની અંદર જીવનમાં પ્રથમ જોયેલી કેટલીક વસ્તુઓ આ મુજબ રહી જે જણાવી આ વર્ષ વિરમીશ. – હું પહેલી વખત ડબલડેકર બસમાં બેઠો. મેં જીવનમાં પહેલી વાર દરિયાની વચ્ચે ગુફા જોઈ. ફોરેનર્સ જોડે ફોટો ખીચાવ્યાં. હું ટી.વી.માં જેની કાયમ જાહેરાત જોતો એ મેકડોનલ્સમાં જમ્યું. એક એવી માર્કેટ જોઈ જે અંડરગ્રાઉન્ડ હતી. વાનખેડે અને વિલે-પાર્લે જોયા. જોગેશ્વરીમાં એક એવો ભેસોંનો તબેલો જોયો જ્યાં ભેસોંની ઉપર માણસો રહેતાં હતાં. મેં એવી રેસ્ટોરાં નિહાળી જેમાં લોકો જમવા કરતાં પીવા માટે વધુ આવતાં. ઊંચી-ઊંચી ઈમારતો, લાંબી-લાંબી કાર્સ, ફાસ્ટલાઇફનો એ નજારો હતો. લોકો કોઈપણ ભાષામાં વાત કરી લેતાં. વાતવાતમાં ઝગડીને ગાળો આપી કામે વળગી જતાં. બધુ ઘડિયાળનાં કાંટા પર યંત્રવત ચાલતું હતું. મને યાદ છે, મરીન ડ્રાઇવ પર અમને રસ્તો ક્રોસ કરી એક બાજુથી બીજી તરફની બાજુ જવા ખાસ્સો સમય લાગેલો. મેં તેર વર્ષનાં જીવનમાં જેટલાં માણસો જોયાં ન હતાં એટલા માણસો ત્રણ-ચાર દિવસમાં મુંબઈ રહી જોઈ લીધા હતાં. મુંબઈથી પૂના-શિરડી-પંચગીની-મહાબળેશ્વર વગેરે સ્થળોએ પણ અમે ફરવા ગયા હતાં, ત્યાં પણ ઘણું અવનવું જોયું-જાણ્યું પણ એ વિશે લખવું નથી. કેમ કે, મારો જીવ તો હજુ પણ મુંબઈએ જ ચોંટેલો છે. આઈ લવ બોમ્બે.