વર્ષ – ૧૪ મથામણ-માસો (૨૦૦૪-૦૫)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

     તત્વચિંતક એમર્સનનાં વિચાર મુજબ પ્રત્યેક મનુષ્યનાં શિક્ષણમાં એક સમય એવો આવે છે જ્યારે તેને ખાત્રી થાય છે કે, ઈર્ષા એ અજ્ઞાન છે અને અનુકરણ એ આપઘાત છે. મારાં શૈક્ષણિક જીવનમાં આ સમય ચૌદમે વર્ષે છઠ્ઠા ધોરણમાં પ્રવેશી ચૂક્યો હતો. મેં નક્કી કરી લીધું હતું કે, હું ક્રિકેટર બનીશ પણ જો એ ન બની શકું તો ડૉક્ટર બનીશ. જે માટે ખૂબ મહેનત કરવી પડશે અને બધાંથી અલગ ઉઠી આવવું પડશે. કોઈની નકલ કે દેખાદેખી કરીશ નહીં, જેટલું આવડે જેવું આવડે કરીશ અને ઘટતું શીખીશ. એ સમયે દિવસ-રાત મોટા ભાઈને મહેનત કરતાં જોઈ હું પણ ભણવા અને ક્રિકેટમાં મહેનત કરવા લાગ્યો હતો.

     એક દિવસ ક્લાસરૂમમાં શિક્ષકે બધાં જ વિદ્યાર્થીઓની નોટબૂક તપાસી. બધાં એ ગણિતનાં દાખલા બ્લેકબોર્ડ પરથી જોઈ-જોઈને પણ ખોટાં લખ્યાં હતાં, સિવાય કે મારાં. ૨૧ વિદ્યાથીઓવાળા વર્ગમાં ૧૪ છોકરાં અને ૭ છોકરી હતી. મને રિશેષમાં રજા આપી બ્રેકમાં ટીચરે બધાંને મારી-મારી નોટબૂક ફરીથી લખાવી હતી. ભણવામાં મારી મહેનત વધુ રંગ લાવવા લાગી હતી જેનાં કારણે છઠ્ઠા ધોરણમાં મારો બીજો નંબર આવેલો. હવે ક્રિકેટનો ક્રમ હતો.

     આ વર્ષે ભારતીય ક્રિકેટ ટિમ સાઉથ આફ્રિકા ટૂર દરમિયાન વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી હતી. ચોતરફ ક્રિકેટફેવર છવાયેલો હતો. હું એકને એક મેચ જોયા કરતો, નવા-નવા ક્રિકેટ શોટ્સ શીખ્યા કરતો. આઠમે-નવમે વર્ષે શરૂ કરેલું ક્રિકેટ રમવાનું હવે ઈમ્પ્રુવમેન્ટનાં સ્ટેજ પર હતું. મને અને મારી સાથે રમતાં લગભગ બધાંને વિશ્વાસ હતો કે, હું ભવિષ્યમાં એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડરની જગ્યા ભારતીય ક્રિકેટ ટિમમાં પૂરી શકીશ. ત્યાં જ બન્યું એવું કે, મને ધીમેધીમે ક્રિકેટ ટિમમાં પહોંચવા માટેની પ્રોસેસ વિશે સમજાયું. સારું ક્રિકેટ રમતાં આવડવું એ ગૌણ અને પ્રાથમિક બાબત છે. એ સિવાય મારે કોચ જોઈએ, મારી પાસે બ્રાંડેડ ક્રિકેટ કીટ હોવી જોઈએ. લોકલ લેવલે થોડાઘણા પૈસા પણ ખવડાવવા પડે અથવા આપણે રજવાડી-રાજાશાહી ઘરનાનાં હોવા જોઈએ. વગેરે.. વગેરે.. અપવાદ તો અમૂક જ હોય બાકી ઘણું જોઈએ જ. હું આ બધુ જાણી નિરાશ થઈ ગયેલો. બીજી તરફ મારાં પપ્પાને પણ મારું ક્રિકેટર બનવું તો શું ક્રિકેટ રમવું જ પસંદ ન હતું. આથી યોગ્ય માર્ગદર્શન અને જરૂરી પ્રોત્સાહનનાં અભાવે ચૌદ વર્ષે ક્રિકેટર બનવાનાં મારાં સ્વપ્નનું બાળમરણ થયું. છતાં મેં ક્રિકેટ રમવાનું છોડ્યું ન હતું. હજુ પણ ક્યારેક-ક્યારેક રમી લઉં છું. ક્રિકેટ બાદ હવે મારું લક્ષ્ય ભણવું માત્ર હતું પણ ભણવાનું મારાં માટે એટલું સહેલું હતું કે, ભણવા સિવાય ઘણો સમય બચી જતો. કરવા માટે કંઈક નવી પ્રવૃત્તિ ન હોય એ નવરાશની પળોએ નખોદ પણ વાળ્યું. મને ક્યાંક એવું લાગે છે કે, ચૌદ વર્ષની ઉંમર પછી હું બગડ્યો હતો. જેનું ગંભીર પરિણામ લાંબાગાળા સુધી મળતું રહ્યું.

     શાળાની અંદર મિત્રો જોડે વાતચીત ગાળોની ભાષામાં થતી હતી. આજે પણ મને આશ્ચર્ય થાય છે કે, એ સમયે અમે ક્લાસમેટ્સ એકબીજાને બાપાનાં નામથી બોલાવતા અને ખીજવતા હતાં. જેની ખબર જ્યારે અમારાં વર્ગશિક્ષીકાને થઈ ત્યારે તેઓ અમને ખૂબ ખીજાયા હતાં. બીજા દિવસે હાજરીપત્રકમાંથી કોઈએ શિક્ષીકાનાં પિતાનું નામ જાણી બ્લેકબોર્ડમાં લખી નાખેલું. કોઈનાં અપલખણની સજા અમને બધાંને એ મળી કે, અડધી કલાક વાંકા ઊભા રહી અંગૂઠા પકડવા પડેલાં. છઠ્ઠા ધોરણથી ગાળો બોલવાની, એકબીજાનાં બાપાના નામ બગાડવાની, આડોળાઈ અને અવળચંડાઈ કરવાની શરૂઆત થઈ. જે યોગ્ય હતું કે નહીં તે હું આજે નક્કી કરી શકતો નથી. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે, એ બાય નેચર હતું. કુદરતી કરામત હતી. આ બધાંની સાથોસાથ ડૉક્ટર બનવાના લક્ષ્યને મેં સેવવા અને એ પાછળ જરૂરી મહેનત કરવા લાગી પણ ત્યાં એક દિવસ બન્યું એવું કે, ક્લાસરૂમમાં ફ્રી પીરિયડ દરમિયાન એક નવી-સવી શિક્ષીકાએ અમને એક-એકને ઊભા કરી ભવિષ્યમાં શું બનવું છે એ પૂછ્યું. મારો નંબર આવ્યો એટલે મેં ઊભા થઈ અદબવાળી કહ્યું, ‘ડૉક્ટર.’ મારાં મોઢે ડૉક્ટર શબ્દ સાંભળી એ હસીને બોલ્યાં, ‘તારું ગણિત નબળું છે, તું ડૉક્ટર ન બની શકે. અને તારા પપ્પા શું કરે છે? ડૉક્ટર બનવા કેટલા રૂપિયા જોઈએ ખબર છે? બેસી જા. નેક્સ્ટ…’

     એ દિવસોમાં હું કલાકો સુધી મારાં ઘરની બાલ્કનીમાં એકલો બેસી વિચારતો હતો. હવે? પેલા ક્રિકેટ અને હવે ડૉક્ટર પણ નહીં બની શકાય. હવે શું? આવતાં વર્ષે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થશે. શાળા બદલવાનો સમય આવશે. સારી સ્કૂલની ઊંચી ફીસ. એમાં પણ પૈસા જોશે ને? એક્સેટ્રા. ચૌદ-પંદર વર્ષની ઉંમર કાફી નથી હોતી જ્યાં માણસને પૈસાનું મહત્વ અને પ્રભુત્વ સમજાય જાય છે. મારાં પરિવારમાં ઘણાએ મને કહ્યું હતું કે, આપણે આગળ નહીં આવવું ઉપર આવવું જરૂરી. કંઈક બનવાના ચક્કરમાં કંઈક ગુમાવી દેવું એ કેટલું યોગ્ય? પછી શું થયું એ આગળનાં વર્ષે જોઈએ એ પહેલા એમર્સનનાં જ વિચારથી આ વર્ષ વિરમું.

    કોઈ ઉચ્ચતમ પ્રભાવશાળી યુવક આપણી કોઈ વિદ્યાપીઠમાંથી પદવી પ્રાપ્ત કરીને બહાર નીકળે છે અને ત્યારપછી એકાદ વર્ષમાં બોસ્ટન કે ન્યુયોર્કમાં તેને અથવા તેના કોઈ મિત્રને સારી નોકરી ન મળે તો નાશીપાસ થયો છે એવું માની આજીવન દુ:ખનાં ગાણા ગાય. આ વાત યોગ્ય લાગે છે પણ કોઈ તોફાની રીઢો છોકરો દૂરનાં કોઈ ગામડાંમાંથી શહેરમાં આવીને વારાફરથી અનેક ધંધા અજમાવી જૂએ છે. ખેતર ખેડે, ગાડી હાંકે, દુકાન માંડે, નિશાળ ખોલે, છાપાંમાં કામ કરે, રાજકારણમાં પડે વગેરે અનેક કર્યો કરે અને પાછો પડતાં જ બિલાડીની માફક ઊભો થઈ જાય. તે આવા શહેરી શિષ્ટ સો પૂતળાઓ કરતાં વધારે માલવાળો છે. તે પોતાનું જીવન ભવિષ્ય પર મુલતવી રાખતો નથી, બધો વખત જીવે છે. એને એક નહીં સેંકડો તકો મળે છે.