વર્ષ – ૧૫ બીજું ચરણ (૨૦૦૫-૦૬)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       હવે આગળનાં વર્ષોમાં મારે જે વાત કરવાની છે, એ હમણાંનાં વર્ષોની વાત છે. પાછલાં દસ વર્ષોનો તેમાં લેખાંજોખાં હશે. એ વાતો ક્યાંક લાગણીશીલ હશે તો ક્યાંક કઠોર, ક્યાંક તે વ્યક્તિગત વિચાર હશે તો ક્યાંક જાહેર ચર્ચા, એ પોતાનાંનાં અનુભવો અને પારકાંનાં વ્યવહારોની વાત હશે. જે ઘણા ગમશે અને કદાચ બહુ બધાંને નહીં ગમે અથવા કોઈ વાંચશે નહીં, પણ.. હું કોઈનું નામ કે સરનામું જણાવ્યાં વિના લખીશ. કદાચ ઓછું લખીશ તો પણ આંછું કે કાચું નહીં લખું. આજ સુધીનાં વર્ષોની જે લેખનસફર થઈ તેમાં પણ હું ઘણાં વ્યક્તિ અને વિષયને  ન્યાય આપી શક્યો નથી. આથી આ વર્ષમાં એમને પણ સાંકળી લઉં છું.

       મારું પ્રાથમિક શિક્ષણ શ્રી ગીતા જ્ઞાન મંદિર પ્રા.શાળામાં પૂર્ણ થયું. સ્કૂલનાં આખરી દિવસે બધાં જ વિદ્યાર્થી અને ટીચર્સ ભાવુક થયા. ભૂતકાળનાં સ્મરણો યાદ કરાયાં અને ભવિષ્યનું આયોજન થયું. મારાં બે મિત્રો ધવલ અને ધર્મેશ સિવાય કોઈ સહપાઠી આગળનાં ધોરણમાં એક સાથે એક જ સ્કૂલમાં ભણવા માટે તૈયાર ન થયા. ગીતામંદિર સ્કૂલની સામેની બાજુ પાછળનાં ભાગમાં આવેલી શ્રી ગાયત્રી મહાવિદ્યાલયમાં મેં અને મારાં બે મિત્રોએ એડમિશન લઈ લીધું. પ્રા.શાળાનાં દોસ્તો પાછળ છૂટી ગયા ન હતાં પણ વિખૂટાં પડ્યાં. અલગ થયા. અમે સાતમું ધોરણ પૂરું કરી ગીતામંદિર સ્કૂલમાંથી નીકળા કે, એ સાથે જ સ્કૂલ બંધ થઈ. ત્યારપછી રેકોર્ડ રહ્યો કે, દસમું ધોરણ ગાયત્રી વિદ્યાલયમાંથી પૂરું કર્યું કે એ માધ્યમિક શાળાને તાળાં. અગિયાર-બારમું ધોરણ એક્સટ્રનલમાં કર્યું એટલે ક્લાસ રખાવ્યાં તો બારમું ધોરણ પૂરું થતાં જ અમે જ્યાં ક્લાસે જતાં તે ટ્યુશન ક્લાસ ઉઠી ગયા. એવું કૉલેજ ટાઇમ ટી.વાય.નાં ટ્યુશન ક્લાસમાં પણ થયું. હું જે બેંચમાં હોતો એ બેંચ ન ભૂતો ન ભવિષ્યતી બન્યાંનાં હજારો દાખલા છે.

       શ્રી ગાયત્રી મહાવિદ્યાલયનું વાતાવરણ મારાં માટે અજાણ્યાં કરતાં પણ વિચિત્ર રહ્યું. એ શાળાનો ગણવેશ બ્લ્યૂ ઝભ્ભો અને સિલ્વર કલર પેન્ટ અને બ્લેક સૂઝ હતો. બધાં વિદ્યાથીઓ શિક્ષકો-શિક્ષિકાની હાજરીમાં એકબીજાને નામની પાછળ ‘ભાઈ’નું સંબોધન લગાવી વિનમ્રભાવે બોલાવતા હતાં ને એ જ બધાં શિક્ષકોની પાછળ એકબીજાને મા-બેનની પધરાવતા હતાં. અમારાં ક્લાસમા ૯૦ વિદ્યાર્થીઓની સંખ્યા હતી. વિદ્યાર્થીનીઓનો અલગ આખો એક વર્ગ હતો. બધાં જ વિદ્યાર્થીઓ મારાથી પ્રમાણમા મોટા અને માથાભારે હતાં. ગીતામંદિર સ્કૂલમા ચલાવેલા એકચક્રીય શાસન જેવુ શાસન ચલાવવું અહિયાં પ્રથમ દ્રષ્ટિએ અશક્ય લાગ્યું. રોજ ૬થી૭ પીરિયડ. દરેક વિષયનાં અલગ ટીચર. વિષય અલગ, પેપરસ્ટાઈલ અલગ, ભણાવવાની સ્ટાઈલ, સમજાવવાની મેથર્ડ અલગ-અલગ અને શાળાની સિસ્ટમ વિશે તો શું જણાવું? ભણવું હોય તો ભણો. કોઈ કશું કહે નહીં બોલે નહીં. માત્ર અમને વારંવાર એવો અનુભવ કરાવવામાં આવતો ને કહેવામા આવતું કે, હવે તમે બધાં મોટા થઈ ગયા છો. હા, બધાંની તો ખબર નથી પણ હું મોટો થઈ રહ્યો હતો. મારે મૂંછોનાં દોરાં ફૂટ્યા હતાં. ક્રિકેટર એમ.એસ ધોનીને જોઈજોઈ મેં વાળ વધાર્યા હતાં. હું હાજરજવાબી અને નીડર બનતો જતો હતો. હોશિયાર તો હું હતો જ.

       ગાયત્રી મહાવિદ્યાલયમાં આઠમાં ધોરણમાં શરૂના દિવસોમાં કોઈ મારી નોંધ લેતું નહીં. હું બધાં અને બધાં મારાં માટે અજાણ્યાં. ધર્મેશ-ધવલ નિયમિત સ્કૂલે આવતા નહીં. સ્કૂલનાં શરૂનાં જ દિવસોમાં બધાં વિદ્યાર્થીઓને રોલ નંબર આપવામાં આવ્યો. એ અનુસાર મારી બેસવાની જગ્યા ક્રમ મુજબ વર્ગનાં દરવાજા પાસે આવી. જ્યાં સામેની બાજુ વિદ્યાર્થીઓનો વર્ગ બેસતો. ચાલુ પીરિયડે પણ મારી નજર ત્યાં જતી ને એક છોકરી મારી સામે જોયાં કરતી એવું મને લાગતું. હું પણ જોતો. હવે પરિવાર સિવાયની સ્ત્રી-યુવતીઓને જોવા પ્રત્યે મને અદમ્ય ઈચ્છા અને આકર્ષણ જાગ્યું હતું. કાલિદાસે ‘શાકુન્તલ’મા લખ્યું છે એ મુજબ..

       અનિર્વર્ણીયં પરકલત્રમ એટલે કે, પર સ્ત્રીને ધારીધારીને જોવાય.

       નિર્દોષદર્શના: ખલુ કન્યાકા: એટલે કે, કન્યાઓને જોવામાં કોઈ દોષ થતો નથી.

       મને ક્યારેય સ્ત્રીઓનું દેહસૌંદર્ય નિહાળવામાં છોછ અનુભવાયો નથી. મારાં માટે એ આનંદ અને ઉત્તેજના કરતાં પણ અભ્યાસનો વિષય વધુ રહ્યો છે. મારી આસપાસનાં બધાં વિદ્યાર્થીઓ તો શિક્ષિકાઓને પણ કુદ્રષ્ટિ જોઈ કોમેંટ્સ પાસ કરી લેતા. દરેકનું એક નામ પાડવામાં આવ્યું હતું. બધાં વિશે ગોસીપ અને મિમિક્રી થતી. જે બધાંમાં મને રસ ન હતો. મારું લક્ષ્ય સંગઠન ઊભું કરવાનું હતું. મેં ધીમેધીમે અજાણ્યાં મિત્રો જોડે વાતચીતની શરૂઆત કરી. મારી પહેલનો પ્રતિભાવ પણ સારો મળ્યો. આસ્તેઆસ્તે મેં મારો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો. થોડાં જ સમયમાં મને ખ્યાલ આવ્યો કે બીજું બધુ તો ઠીક છે પણ એકપણ ક્લાસમેટ્સનો આઈ.ક્યૂ. લેવલ મારાં પગની પાની પર પહોંચે એટલો પણ ન હતો. જેની સાબિતી મળી છ માસિક દિવાળી પરીક્ષાઓની અંદર. જે પરિણામ જાણી હું પણ ચોંકી ઉઠ્યો. બધાં નાપાસ. બધાં એટલે ૯૦ વિદ્યાર્થીઓ અને ૪૦ વિદ્યાર્થિનીઓમાંથી કોઈ પાસ જ નહીં. નવ માસિક પરીક્ષામાં માત્ર એક વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ એ વિદ્યાર્થી એટલે હું. અને બાર માસિક પરીક્ષાઓમા બધાં ચડાવ પાસ જેમાં ક્લાસનાં દરવાજે બેસી હું જેને જોતો રહેતો તેનો પ્રથમ અને મારો બીજો નંબર આવ્યો હતો.

       ત્યાં એક દિવસ એવું બન્યું કે, શાળામાં બધાં આઘાપાછાં, આમતેમ, ઉપરનીચે દોડાદોડી કરવા લાગ્યાં. મેં એક જણા પૂછ્યું શું થયું? તો કહે આપણાં પ્રિન્સિપાલ આવ્યાં. મને અચાનક યાદ આવ્યું ઓહ.. આટલા મહિના થયા મને પ્રિન્સિપાલ કોણ છે એ ખબર જ ન હતી.

       ઊંચો બાંધો, ગોરો વાન. નરેન્દ્ર મોદી આજનાં સમયમાં રાખે છે એવી સફેદ આંછી દાઢીને સાઇડલાઇન સાદી હેઅરસ્ટાઇલ. પાછળ ચોટલી પણ હતી. ક્લાસમાં આવી સીધી એક જ વાત, ‘જેને વાંચવામાં રસ હોય અને એકાવન હજાર રૂપિયા કમાવા હોય એ બાજુમાં ક્લાસમાં આવો.’ ત્યાં મારી જ લાઇનમાં આગળ બેસેલો એક વિદ્યાર્થી વચ્ચે દોઢો થયો ને એ આવ્યો સટ્ટાક કરતો ફડાકો. સોપો પડી ગ્યો. ગાળ બોલાઈ ગઈ. ‘જેને વાંચવામાં રસ હોય અને પૈસા કમાવા હોય એ બાજુનાં રૂમમાં આવે. બીજી વાત નહીં.’ થોડીવાર પછી બાજુનાં રૂમમાં હું અને અમારાં પ્રિન્સિપાલ બે જ હતાં. આગળ શું થયું એ આવતાં વર્ષે વાત. ત્યાં સુધી પંદર વર્ષોમાં થયેલા બાજુબનાવોની વાત કરી વિરમું. 

       મારાં મોટા બહેન – ઉન્નતિ. તે ૨૦૦૦-૦૧ની સાલમાં પરની ગયા બાદ તેમનાં ઘરે એક દીકરી દેવાંશી અને એક દીકરો ધ્યેય હતો. જીજાજી સોહીલ કુમાર સ્વભાવે સારાં છે. આજે પણ રાજીખુશી ઘર સંસાર ચાલે છે.

       મારાં મોટાભાઈ રોનક – બારમું અને કૉલેજ પાસ કરી યુનિ.માં અભ્યાસ કરતાં હતાં. એ કૉલેજ પછીથી પોતાનાં વિષયમાં અવ્વલ આવતાં રહ્યા છે. મારી પંદર વર્ષની ઉંમરે તેઓ ટૂંકસમયમાં શિક્ષક બનવાના હતાં.

       મારી આસપાસનાં મિત્રો ઘર પાસે અને પરિવારમાં હતાં એ બધાં હવે સરળતાથી ઉપલબ્ધ હતાં. મોબાઈલ ફોન્સ ઘણાં પાસે આવી ગયા હતાં. મારાં મોટા ભાઈ પાસે પણ નોકીયા ૧૬૦૦ મોબાઈલ હતો. જેમાં મેસેજિસ આવતાં. વીડિયો ગેમ્સ રમાતી. ફિલ્મી ગીતોની ધૂન સેટ્સ થતી. અમે વર્ષમાં એક-બે પ્રવાસો કરી ફરવા જતાં વગેરે.

       પંદર-સોળમે વર્ષે જિંદગી આરામ અને આનંદથી પસાર થઈ રહી હતી. મનમાં આવેગો આવતાં અને ઊભરાઈ જતાં. મેં બધાંને ગુટખાં ખાતાં શીખવ્યું હતું. ડાંડિયા, શિવાની, તુલસી, ગોવા જેવી પડીકી વિશે હું નવશિખીયા વ્યસનીને માહિતી આપું. શું પહેલાં ખવાઈ? શું નહીં? ક્યાંથી શું શરૂ કરવું, લેવું ન લેવું. કેમ થૂંકાઈ? શું ખાવાથી દાંત લાલ થાય અને શું ખાઈ તો મોંમાંથી વાંસ ન આવે. આવી જ રીતે સેક્સ વિષયક ક્લાસ ભરાતાં. ગાળો બોલતી. છોકરીઓ પર લાઇન મરાતી. હવે કિશોરાવસ્થા ચરમ પર હતી ને યુવાની બે ડગલાં દૂર. જે આગળ અનુભવશું.