વર્ષ – ૧૬ લેખિનીબીજ (૨૦૦૬-૦૭)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       ‘….ફૂલછાબ છાપાં દ્વારા વાંચન યાત્રાની સ્પર્ધા છે. આ લાયબ્રેરીની કી. દર મહિને એક પુસ્તક વાંચવાનું અને એક પાનાંમાં એનાં વિશે સારું-સારું લખી મોકલવાનું.’ બે-ત્રણ કાગળિયા આપી, ‘આમાં નિયમો ને બધુ શું કેમ લખવું લખ્યું છે. વાંચી-સમજી લેજે. શું નામ તારું?’

       ચાવી અને કાગળિયા લેતાં-લેતાં, ‘રાવલ ભવ્ય.’

       ‘હા. તો રાવલ. તું એક પુસ્તક વાંચ અને મને લખીને આપ. હું નો હોઉ તો મારી ઑફિસમાં મૂકી દેવાનું. હું નીકળું ચાલ. તું જોઈ લેજે. મહાદેવ.’

       એમનું નામ – અશોક જાની સાહેબ. મારાં પ્રિન્સિપાલની વાત માની હું સીધો સ્કૂલનાં પુસ્તકાલયમાં ગયો, તાળું ખોલ્યું. એક કબાટ ખોલી હારબંધ પુસ્તકોમાંથી રેલવેસ્ટેશન પુસ્તક પસંદ કર્યું. રેલવેસ્ટેશન પુસ્તકનાં લેખક યાદ નથી. પણ મેં વાંચેલું જીવનનું પ્રથમ પુસ્તક એ હતું. પંદર દિવસમાં જ રેલવેસ્ટેશન પુસ્તક આખેઆખું વાંચી તેમાં શું છે શું નહીં બધુ નિયમો સમજી એક પાનાંમાં લખીને જાની સાહેબને આપ્યું.

       ‘વાહ. રાવલ. રાવલને જ?’ જાનીસાહેબ ખુશ થઈ ગયા.

       ‘હા.’

       ‘હવે હું આ આગળ મોકલાવી આપું છું. તું બીજી બુક લઈ વાંચીને લખી આપ.’

 

       પુસ્તકો પ્રત્યે મારી રુચિ વધી તે પાછળ જાની સાહેબનું પ્રોત્સાહન ઉપરાંત બે કારણ હતાં. એક તો ફૂલછાબ વાંચન યાત્રાની જંગી ઈનામી રાશિ જીતી સાઈકલ ખરીદવી ને બાકીની રકમમાં ડૉક્ટર બનવાનું સપ્ન પૂરું કરવાનો ઈરાદો. બીજું કે, મેં જ્યારે-જ્યારે પુસ્તક વાચ્યું ત્યારેત્યારે મારી નજર સમક્ષ લેખક વર્ણવતા એ આખું દ્રશ્ય ઊભું થઈ જતું. હું રોમાંચિત થઈ ઊઠતો. લેખક જે લખે તે મને પુસ્તકનાં પાનાંમાં દેખાતું. જાણે એ સિનેમાહૉલનો પડદો હોય. મજા પડી.

       ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’નાં પાંચ ભાગ વાચી નાખ્યાં. પ્રેમચંદની ‘ગોદાન’ વાચી એ વાર્તાઓ પર લખી મોકલ્યું. કાર્લમાર્કસ અને ફ્રોઈડને સમજ્યા. મારાં મોટાભાઈ આર્ટસ ફેકલ્ટીમાં એટલે એમનાં ભણવાના પુસ્તકો પણ હું વાચી લેતો. ‘વહાણે જુવાનીનાં જોશમાં ગીગાકણબીનું ખૂન કર્યું..’ ને ‘જીશે જીતેજી તન ઢકને કો એક ચીથરાં ભી ન મિલા ઉસે મરને પર નયા કફન ચાહીયે…’ જેવાં સંવાદો મુખ પર અંકાઈ ગયા. હું પુસ્તકિયોકીડો બની ગયો. હવે હું અચૂકપણે સાંધ્ય દૈનિક અકિલા વાચવા લાગ્યો. મંગળવારની સ્ત્રી-વિષયક પૂર્તિ પણ મારાં રસ અને કેન્દ્રનો વિષય બની. વાચને મારાં ઘણા પ્રશ્નોનાં જવાબ અને સમસ્યાઓનાં નિરાકરણ કરી આપ્યાં. બધાંમાં સૌથી વિશેષ મને ગાંધીની આત્મકથા ફળી. પરિણામ સ્વરૂપ..

       એક દિવસ સ્કૂલનાં ધોરણ ૮થી૧૦નાં બધાં જ વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવ્યાં. પ્રિન્સિપાલ અશોક જાની સાહેબએ ઉત્સાહથી કહ્યું, ‘રાવલ ક્યાં છે?’

       મેં છેક છેલ્લેથી આંગળી ઊંચી કરી. તેમણે મને ઊભો કરી માઇકમાં મારાં વિશે જણાવી મને એમની પાસે બોલાવ્યો. ‘આપણાં વિદ્યાર્થી રાવલે ગાંધીની આત્મકથા સત્યનાં પ્રયોગો પર એક પાનું લખી સ્પર્ધામાં મોકલ્યું હતું. ને એનો નંબર આવ્યો છે.’ બધાં વિદ્યાર્થીઓ વચ્ચે મારાં વખાણ સાથે તેમણે મેં વાચેલા પુસ્તકો અને લેખેલાં પુસ્તક અભિપ્રાય બદલ મને પ્રોત્સાહક ઈનામ મળવાનાં તથા શાળાનાં નામ રોશન થયાની જાહેરાત કરી. જે શિક્ષકો તોફાનનાં સમયે પીઠમાં ધબ્બા મારતાં એ બધાંએ મારી પીઠ થબથબાવી.

       મને સ્કૂલમાંથી એક કાગળ આપવામાં આવ્યો. જે કાગળ મેં ઘરે જઈ મોટાભાઈને બતાવ્યો ને એ ખુશ થઈ ગયા.

       ‘વાહ. આ રવિવારે તને રાજકોટની કડવીબાઈ સ્કૂલનાં ઓડિટોરિયમ જય વસાવડાનાં હાથે અગિયારસો રૂપિયા અને સર્ટિફિકેટ મળશે.’

       ‘બસ. અગિયારસો. અમારો પ્રિન્સિપાલ તો એકાવન હજાર કહેતો તો..’

       ‘એ ઈનામ કોઈક છોકરીને મળ્યું છે. પણ તું પૈસાની નહીં, જય વસાવડાનાં હાથ ઈનામ મળશે એમાં રાજી થા.’

       મે પૂછ્યું, ‘એ કોણ છે? અને મારે શું એનાં હાથ મળે તો?’

       ‘અરે.. એ લેખક છે.’

       ‘તો શું? હું નથી ઓળખતો. મારે નથી જવું.’

       ‘મારે એમને સાંભળવા છે. આપણે બંને જઈશું.’

       મેં મોટાભાઈની વાત સ્વીકારી. ચર્ચાનો અને ઈનામી રાશિ જીતવાના સપ્નની પૂર્ણાહુતિ થઈ.

       મેં જીવનમાં પ્રથમ જોયેલા અને પ્રત્યક્ષ સાંભળેલા લેખક જય વસાવડા હતાં. કડવીબાઈ સ્કૂલની અંદર મને એમનાં હસ્તે પ્રોત્સાહક ઈનામ મળ્યું. જે મારાં માટે એ સમયે ગૌણ પ્રસંગ હતો. હું ખુશ ન હતો. અધૂરામાં પૂરું હું દુ:ખી ત્યારે થયો જ્યારે મહત્વની ઘટના એ ઘટી કે, કડવીબાઈ સ્કૂલની જ એક છોકરીને મુખ્ય ઈનામ સિવાય બીજા સાત ઈનામ મળ્યાં. જ્યારે ઓડિયન્સમાંથી તે છોકરીને વાંચેલા પુસ્તકોનાં નામ પૂછવામાં આવ્યાં તો તેણીને પોતે વાચેલા કે લખેલાં પુસ્તકો વિશે કશી ખબર કે યાદ ન હતું. પછી તેમના મમ્મીએ બધાં પુસ્તકોનાં નામ જણાવ્યાં. એ વિજેતા છોકરીનાં મમ્મી વાંચન સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકામાં તો હતાં, ઉપરાંત કડવીબાઈ સ્કૂલમાં જ શિક્ષિકાં હતાં. હું બધુ સમજી ગયો. આ દિવસ પછી મારો રસ આવી સ્પર્ધાઓ પરથી ઉઠી ગયો.

       હું લેખક કેવી રીતે બન્યો? આ સવાલનો જવાબ મારે સવિસ્તારથી આપવો હોય તો એ જવાબની શરૂઆત અહીંથી શરૂ થાય છે. આ પેન પકડ્યાં પહેલાંની પ્રેક્ટિસ હતી. જેણે મને એક જ ઘટનામાં ઘણું બધુ સમજાવી આપ્યું. બીજું મારાં મોટાભાઈ પણ સારું લખી શકતાં. એટલે તેમને જોઈ, તેમનાં પુસ્તકો ફંફોસી મને ઘણું શીખવા મળ્યું. એ સમયે વાંચેલા એક દળદાર પુસ્તકે મારાં વિચારોને ક્રાંતિ આપી. પુસ્તકનું નામ – ‘જિંક્રિસ્તોફ’ હતું. એક અંધ પિયાનોવાદકની કથની. પછી ધીમેધીમે મેં અનિયમિતાથી ઘણા પુસ્તકો વાંચ્યા. કેટલાંક અધૂરા મૂકી દીધા.

       મારાં લેખક બનવાનાં બીજ અશોક જાની સાહેબે રોપ્યાં. એમની જોડે મારે આજનાં સમયે પણ નિકટનાં સંબંધો અકબંધ છે. મારાં પ્રથમ પુસ્તક ‘અન્યમનસ્કતા’નાં વિમોચન પ્રસંગે તેમણે ગોંડલથી પધારીને વિશેષ ઉપસ્થિતિ નોંધાવેલી. પણ હા, એ વર્ષોમાં મેં ક્યારેય એવું ન વિચારેલું કે, હું લેખક બનું. મને એ પણ ખ્યાલ ન હતો કે, લેખક બની શું મળે? મારે તો ક્રિકેટર બનવું હતું. ડૉક્ટર થવું હતું. ધોરણ દસ બોર્ડની પરીક્ષા હવે થોડાં મહિનાઓ દૂર હતી. પછી શું થયું એ આગળનાં વર્ષે જોઈશું. એ પહેલાં એક વાત જણાવી આ વર્ષ વિરમું.

       વાંચન યાત્રા સ્પર્ધામાં દરેક ભાગ લેનારે વાચેલા પુસ્તકો વિશે દર મહિને જે અભિપ્રાય લખી મોકલવાનો રહેતો એ સાથે એક બાહેંધરી પત્ર પણ જોડવાનો રહેતો. જેમાં લખવાનું રહેતું કે, ‘હું ક્યારેય ગુટખા, પાન કે અફીણી દ્રવ્યોનું સેવન નહીં કરું વગેરે.. વગેરે..’ હું દર વખતે પુસ્તક અભિપ્રાય સાથે એ લખી મોકલતો. જ્યારે ગાંધીની આત્મકથા વાચી ત્યારે મને એ બાહેંધરી પત્ર પુસ્તક અભિપ્રાય સાથે જોડી મોકલવો યોગ્ય ન લાગ્યો. મેં એ માટે ઘણું વિચાર્યું. કદાચ બાહેંધરી વિનાનો મારો એ અભિપ્રાય સ્વીકાર પણ ન થતો. પરંતુ સત્યનાં પંથે ચાલી એકાવન હજાર ન મળ્યાંના વસવસા સાથે અગિયારસો તો અગિયારસો રૂપિયા મળ્યાં તેનો પાછળથી રાજીપો એટલો જ થયો. એ પૈસાનું શું કર્યું તેની વાત હવે પછી..