વર્ષ – ૧૭ સજાસમજણ (૨૦૦૭-૦૮)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

       વાંચન યાત્રાની ઈનામી રાશિમાં થોડાં પૈસા ઉમેરી મેં એકવીસમી સદીનું સૌથી આધુનિક યંત્ર સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ખરીદ્યો. સોની એરિક્શન જે-૩૦૦. મોબાઈલ હોવો એ અમીરીનું જલતું પ્રતિક ગણાતો. જે મારી ઉંમરનાં ઘણા પાસે એ સમયે ન હતો. એ સિવાય મેં ઈનામી રાશિમાંથી રિશેષમાં ભરતભાઈનું ખમણ, મુન્નાનાં ગાઠિયાં અને નારણભાઈનાં ઘૂઘરા ખાધા હતાં. બધાં જ પૈસા બે દિવસમાં મોજશોખ પાછળ ખાલી થઈ ગયા.

       ધોરણ દસમાં આવતાંની સાથે જ મને લાગ્યું હું ખરા અર્થમાં મોટો થઈ ગયો. સ્કૂલ અને સોસાયટીમાં મારો ચહેરો જાણીતો બન્યો. લોકો મને અને હું લોકોને ઓળખતાં. હવે પપ્પા સ્કૂલે લેવા-મૂકવા આવતા ન હતાં. હું મોટાભાગે ઘરેથી સ્કૂલે જવા નીકળી સ્કૂલે ન જતો અને ઘર પાસેનાં બગીચામાં જાતભાતનાં મિત્રોની ટોળકી ભેગી કરી બેસતો. ‘બઁક’ શબ્દ કરતાં એ સમયે ‘ગૂલી’ શબ્દ પ્રચલિત હતો. હું ગૂલી મારી દોસ્તો જોડે સાઈકલ પાછળ બેસી રેસકોર્ષનાં બગીચા અને આજીડેમનાં વિસ્તારમાં રખડતો. ગેલેક્સી સિનેમાનાં મોર્નિગ શોમાં પિક્ચર જોવા બેસી જતો. મેં સ્કૂલેથી બઁક મારી જોયેલું પહેલું મૂવી ‘ચક ડે ઈન્ડિયા’ હતું. જે પોકેટમની ક્રિકેટનાં બોલ્સ, વીડિયોગેમ્સ કે સ્ટેશનરીનાં સાધનોમાં ઉપયોગમાં લેવાતી એ હવે સિનેમા હૉલની ટિકિક્સ, મોબાઈલ, ફ્રેન્ડ્સ પાછળ ખર્ચાવવા લાગી.

       બોર્ડનાં વર્ષમાં હોવાની સભાનતા છતાં પણ હું ભણવા પ્રત્યે જરા પણ ગંભીર ન હતો. મારું ગણિત કાચું હતું ને વિજ્ઞાનમાં કઈ જ સમજાતું નહીં. ઉપરથી એ ઉંમરની માન્યતાઓ અને નાદાનીઓ જે ભૂલો પણ કહી શકાય. ખબર નહીં કેમ પણ હું જે કઈ કરતો એ પાછળ મને પરિણામની ચિંતા ન રહેતી. ખ્યાલ હતો કે, બેફિકરીથી હું ખોટાં રસ્તે જઈ રહ્યો છું. હું જે કરી રહ્યો છું તેમાંથી ઘણું યોગ્ય નથી અથવા કશું ખરાબ નથી એવા તર્ક સામે હું ટકી ન શક્યો. સત્તર વર્ષે જીવનમાં પહેલી વાર મને હારનો અનુભવ થયો. એ હાર, એ પરાજય બીજા કોઈ સામે નહીં પરંતુ પોતાની જાત સામે જ હતો. આઈ હેટ.. એ વર્ષોનો ભવ્ય ક્યારેક આજે મને ગમતો નથી.

       એક દિવસ મારાં ક્લાસટીચરે મારાં મમ્મીને બોલાવી કહી આપ્યું કે, ‘ભવ્યની સંગત બગડી ગઈ છે. એ દસમું ધોરણ પાસ થશે નહીં.’ મને ટ્યુશનક્લાસમાં બેસાડવામાં આવ્યો. ઘરનું વાતાવરણ કડક બની ગયું. માર્ચ માહિનામાં બોર્ડની પરીક્ષાઓ આવી ગઈ. પેપર લખાઈ ગયાં અને વેકેશન પડી ગયું. ગણીત અને વિજ્ઞાનની પરીક્ષા આપ્યાં પછી મને ખબર પડી ગઈ હતી કે, હું ધોરણ દસમાં નાપાસ થવાનો છું. ક્રિકેટર પછી ડૉક્ટર પણ નહીં જ બની શકાય. પશ્ચાતાપની ઘેરી લાગણી વચ્ચે મને ધીમેધીમે પૈસા બાદ સમયનું મહત્વ સમજાયું. શિક્ષકો ક્લાસરૂમમાં જે અણગમતી સલાહો આપતાં એની સાચી સમજ પડી. એ માત્ર ભાષણો ન હતાં. હું એક સાંજે બાથરૂમમાં જઈ રડી પડેલો. રડવા અને બધુ સમજવા બાદ શીખવા-સુધરવા માટે કદાચ મોડું થઈ ગયું હતું. પુસ્તકોમાં હું જે વાંચતો એ મારાં જીવનમાં હું ઉતારવામાં નાપાસ થયો. મેં બધુ ઈશ્વર પર છોડી મનોમન ભવિષ્યમાં આ પ્રકારની ભૂલો નહીં કરું તેની પ્રભુ અને પોતાને ખાત્રી આપી.

       થોડા દિવસોમાં બોર્ડનું પરિણામ ઓનલાઇન મુકાયું. ડરતાં-ડરતાં જોયું તો.. આ શું? મારાં નસીબ બળ કરતાં હશે કે મારી પ્રાર્થના ફળી કે, ગણીતમાં મને ૭ કૃપાગુણ આપી ૬૦ ટકાએ ચડાવપાસ કરી આપેલો. મને મારું પરિણામ જોઈ પહેલાં વિશ્વાસ ન બેઠો અને પછી રાજીનાં રેડ થઈ ઉઠ્યો. હું ફર્સ્ટ ક્લાસ પાસ હતો ને મારાં મોટાભાગનાં મિત્રો નાપાસ હતાં. પરિણામ જોઈ ઝડથી મેં બાર વાર હનુમાન ચાલીસા બોલ્યાં. શ્રી ગાયત્રી માધ્યમિક વિદ્યાલયને તાળાં લાગ્યાં. ઘણાં મિત્રો છૂટી ગયા. માધ્યમિક શિક્ષણનાં સમયગાળા અને કિશોરાવસ્થાનાં કાળ પછી શું થયું એ પહેલાં એક છોકરીની વાત કરી આ વર્ષ વિરમું.     

       એનું નામ ભાવિકા હતું. એ મને જોઈને હસતી, હું પણ તેને હસતાં જોઈ હસતો. અમારાં ચહેરાં એકબીજાને હસતાં જોઈ પ્રફુલ્લિત થઈ ઊઠતાં. ભાવિકાનાં ફુલેલા ગુલાબી ગાલો પર યૌવન ખીલી ઊઠતું. હું આઠમા ધોરણથી કાયમ એને જોતો રહેતો. એ પણ મને જોઈ હસતી. મને ભાવિકાનાં ગાલનાં ગટ્ટા ખેંચવાનું મન થતું.

       ભાવિકા દેખાવે ધોળી હતી. ભાવિકા પાસે લેડીબર્ડ સાઈકલ હતી. ભાવિકાની ફ્રેન્ડનું નામ માનસી હતું. એ ભાવિકા જોડે જ કાયમ હોય. ભાવિકા ભણવામાં હોશિયાર હતી. ભાવિકા મારી જેમ માથામાં તેલ ન નાખતી. ભાવિકા આંખોમાં આંજણ લગાવતી. ભાવિકાની આંખો મને ગમતી. ભાવિકા ઘણી વાર મારાં ઘર પાસેથી પણ નીકળતી. ભવિકા શિયાળામાં વધુ સુંદર લગતી. સૌથી મોટી વાત ભાવિકાની એ હતી કે, ભાવિકાને બોયફ્રેન્ડ ન હતો. ભાવિકા સિંગલ હતી.

       દસમા ધોરણમાં મેં ટ્યુશન ક્લાસ રખાવ્યાં હતાં ત્યાં પણ ભાવિકા આવતી. મારી જેમ જ એ પણ પાછલી બેંચ પર બેસતી. હું તેની સામે જોતો અને એ મારી સામે જોતી. એ હસતી. તેનાં હાસ્યનાં પ્રત્યુતરરૂપે હું પણ હાસ્ય વેરતો. આ હાસ્યની આપ-લે લગભગ અઢી વર્ષ ચાલી. પછી મારાથી રહેવાયું નહીં. મેં મારી બાજુમાં બેસતાં દોસ્તને ભાવિકાની વાત કરી. તેણે ધીરજથી બધુ સાંભળી કહ્યું, ‘બધાંને ખબર છે એ તને જોઈને હસે છે.’

       બસ.. આટલું સાંભળી મેં ભાવિકાને પ્રપોઝ કરવાનું નક્કી કરી લીધું. નંબરની ચિઠ્ઠી બનાવી. જેમાં નંબરની સાથે ‘ફ્રેડશીપ કરવી છે?’ એવું લખી કાઢ્યું. પણ ચિઠ્ઠી આપવી કે પ્રપોઝ કરવું કેમ? મને હજુ સુધી સાઈકલ ચલાવતાં આવડતી ન હતી. બીજું સાઈકલ શીખી લઈ ફ્રેન્ડની સાઈકલ લઈ તેની પાછળ જઈ પ્રપોઝ થઈ શકે પણ તેની ફ્રેન્ડ જોડેને જોડે હોય એનું શું કરવું? હું મુંઝવણમાં મૂકાયો. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બસ બે મહિનામાં બોર્ડની પરીક્ષા હતી. ત્યારબાદ બધાં છૂટા પડી જવાનાં હતાં. મેં મારી બાજુમાં બેસતાં મિત્રને ફરી ભાવિકા વિશે વાત કરી.

       ‘પેલી ભાવિકા છે ને..’

       ‘હા..’

       ‘એ મને જોઈને સ્માઈલ આપે છે.’

       ‘હા. તો?’

       ‘પ્રપોઝ કરવું છે તેને તું હેલ્પ કર કેમ કરું?’

       ‘હા..હા..હા..’

       મારી વાત સાંભળી મારો ફ્રેન્ડ બહુ હસ્યો. હું ગંભીર હતો. એ હસતો જતો હતો. મેં તેને હસતાં રોક્યો અને પૂછ્યું, ‘કેમ? શું થયું? શું કામ હસે છે? યાદ કર તે જ કહેલું કે, બધાંને ખબર છે. એ મને જોઈ હસે છે.’

       ‘હા. એ તને જોઈ હસે જ છે ને.. આ અમારી કોઈ સામે જોઈ કેમ હસતી નથી?’

       ‘મતલબ?’

       ‘આ તારાં લાંબાલાંબા વાળ, સસાલા જેવાં દાંત. તને જોઈ મને પણ હસવું આવે છે. પણ હું હસતો નથી. જો હું હસું એટલે શું તું મને પણ….’ દોસ્તની વાત સાંભળી મને ઊંડો આઘાત લાગ્યો.

       પ્રિયંકાની જેમ ભાવિકા પણ….