વર્ષ – ૧૮ આરોહવરોહ (૨૦૦૮-૦૯)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       અઢાર વર્ષની ઉંમર સુધી મારાં કોઈ ખાસ કે અંગત દોસ્ત ન હતાં. દોસ્ત ન હતાં એટલે દુશ્મન પણ ન હતાં. જે નામનાં દોસ્તો હતાં એ પાછળ રહી ચૂક્યા અને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હતાં. એકલાં-એકલાં મને ઘણી વખત ઘણાં વિચારો આવતા અને વિચારો હું નોટબુકનાં પાનાં ફાડી લખી લેતો. પછી એ લખેલું પાનું પણ ફાડી નાખતો.

       માણસનાં જીવનમાં કોઈ પ્રવેશે અને જતું રહે એટલે એ એકલતા અનુભવે. મારાં જીવનમાં ઊલટું હતું. હું કોઈનાં આવ્યાં પહેલાંની એકલતા ભોગવી રહ્યો હતો. મારે એક એવી વ્યક્તિની જરૂર હતી જે મારો ગુસ્સો, પ્રેમ, હાસ્ય, ઉદાસી જેવી અઢળક લાગણીઓને સમજી અને મન-મગજનાં અતરંગી તરંગોમાંથી ઉપજતું બધુ જ સહન કરી શકે. મારાં વિચારોની તાલમેલ જેની જોડે જોડાઈ જીવનપર્યતની મિત્રતા કેળવાય. કદાચ આ ઉંમર આ બધાં માટે બહુ વહેલી હતી અથવા બરાબર હતી. હજુ પણ આ ઉંમરે કેટલીક ચીજો એવી છે જે નક્કી કરવું મુશ્કેલ છે. બરાબર છે કે અયોગ્ય છે?

       એ દિવસોમાં મને સતત એવું લાગતું કે, મારે એક વિજાતીય પાત્રની અદમ્ય જરૂર છે. મારાં મોટાભાગનાં મિત્રને ઓછામાં ઓછી એક-એક તો ગર્લફ્રેન્ડ હતી જ. અમૂકને બે પણ હતી. બધાં ભેગા થતાં અને પોતપોતાનાં માલ એટલે ગર્લફ્રેન્ડની વાત કરતાં. આજનાં સમયમાં પણ સૌરાષ્ટ્રમાં છોકરીને ‘માલ’ કહેવાય છે. મારે કોઈ ‘માલ’ ન હતો જે વાતમાં બહુ મોટો માલ હતો. બધાંને નવાઈ લાગતી કે, ભવ્ય આટલું સરસ બોલી શકે છે, એની પાસે હવે તો કેમેરાવાળો મોબાઈલ છે ને એને કોઈ માલ નથી. હું આવી ચર્ચાઓ દૂર ભાગતો પણ વધુ સમય આંખ આડા કાન અને કાન આડા હાથ ન આપી શક્યો. એટલે આ સમસ્યાનાં નિરાકરણ માટે એક દિવસ મિત્રો વચ્ચે જઈ કહ્યું, ‘હવે આપણે પણ માલ છે.’ બધાં ઉત્સાહમાં આવી ગયા. એનું નામ પૂછ્યું. મેં કહ્યું, ‘માયા.’

       માયા. માયા કાલ્પનિક પાત્ર હતું. મેં મૌલિક વિચારોથી એને ઉપજાવી કાઢેલું. હવે મારાં દોસ્તોને મારાં સિંગલ ન હોવા પર ગર્વ હતો. હું ન હોય તેવી કાલ્પનિક મારી અને માયાની વાતો કરી મિત્રોને રોમાંચિત કરી દેતો. એક દિવસ રસ્તામાંથી મને એક છોકરીનો પાસપોર્ટ ફોટો મળ્યો. મેં દોસ્તો સમક્ષ મૂક્યો. ‘જો’ માયાએ એનો ફોટો આપ્યો.’ ફોટો જોઈ બધાં બોલ્યાં, ‘હોટ.’ ‘સેક્સી.’ મે લુચ્ચું હસીને કહ્યું, ‘તમે કોઈએ તો તમારાં માલની બહેનપણીમાં ભાઈનું સેટિંગ ન કરાવ્યું. માયાની બે બહેનો અને ઘણી બહેનપણી છે. તમારે કોઈને રસ હોય તો સેટિંગ કરાવી આપીશ.’ અને માયા અને તેની બહેનોનું ભૂત મારાં કરતાં મારાં મિત્રો પર વધુ ચડવા લાગ્યું હતું.

       ધોરણ દસમાં કૃપા ગુણથી પાસ થઈ મેં દુનિયાભરનાં લોકોએ જે કઈ આગળ ભણવા માટેની સલાહો આપી એ એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી એંન્જિનિયર બનવાનું નક્કી કર્યું. ઓનલાઇન ડિપ્લોમાનું ફોર્મ ભર્યું. આઈ.ટી.આઈ.માં તપાસ કરી આવ્યો. એ વર્ષે ડિપ્લોમા એડમિશનનું મેરીટલિસ્ટ બહુ ઊંચું જવાનું હતું. મારો ૮૬૦૦૦ વિદ્યાર્થી પછી ક્રમ હતો. આથી રાજકોટમાં તો સીટ ન મળવાની નક્કી હતી. મેં આર્ટ્સનું વિચાર્યું. પછી બધાં કે આર્ટ્સ તો છોકરીઓ કરે. હું પણ એવું માનતો. આટલાં સમયમાં તો દિવાળી નજીક આવી ગઈ. એટલે તાત્કાલિક કોમર્સ વિષય પસંદ કરી ઘર પાસેની શ્રી. પી. એન્ડ ટી.વી શેઠ ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. જ્યાં ૮૦-૯૦ વિદ્યાર્થીવાળા ત્રણ-ત્રણ ક્લાસ હતાં. મોટેભાગે ગામડાંનાં જ વિદ્યાર્થી. શિક્ષણ અને વ્યવસ્થા સારી હતી છતાં પણ મને ફાવ્યું નહીં અને મેં ત્રણ જ મહિનામાં એડમિશન રદ્દ કરાવી નાખ્યું. કદાચ એ ઓન્લી બોયસ સ્કૂલ હતી એટલે મને મજા ન આવેલી.

       મેં અગિયારમાં ધોરણની પરીક્ષા ન આપી ને સીધું જ ધોરણ બાર કોમર્સની બોર્ડની પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું. દસમા ધોરણમાં જ્યાં ટ્યુશન ક્લાસ રાખ્યા હતાં ત્યાં ભાવિકા ન આવતી એટલે મેં ત્યાં ક્લાસ ન રખાવતા ઘરની નજીકમાં જ એક બીજી જગ્યાએ ક્લાસમાં જવાનું શરૂ કર્યું.

       જિજ્ઞેશ, સાગર અને ભાવિન મારી લાઇફનાં ટોપ થ્રી ફ્રેન્ડ મને ત્યાં મળ્યાં. જે મારાં સૌથી નિકટનાં હમરાજ અને દોસ્ત આજે પણ છે. અમારી દોસ્તી દિનપ્રતિદિન ગાઢ બની. સમય ક્યારે પસાર થયો એ ખબર જ ન પડી. એ લોકો મને સાંભળતા. મારી સાથે ચર્ચાઓ કરતાં. ક્લાસની અંદર કઈપણ બોલવાનું હોય તો મને જ આગળ કરે. હું પાંચ-દસ લોકો વચ્ચે સ્પીચ આપતો. મારાં સ્વતંત્ર મૌલિક વિચારો રજૂ કરતો. તાળીઓ પડતી.

       ધોરણ બારની પરીક્ષા સુધીમાં ધૂંધળી સમજ સ્પષ્ટ થઈ હતી. મને જિજ્ઞેશ અને સાગરે સાઈકલ અને સ્કૂટર બંને શીખવી આપ્યાં. લોંગ હેયરસ્ટાઇલ રાખવાની પણ કઈ રીતે એ વિશે સમજ આપી. જીવનમાં બ્રાંડ જેવુ કંઈક હોવું જોઈએ. ઓન્લી રીબોક સૂઝ પહેરવાના. જે પછી કૉલેજ સુધી પહેર્યા અને હવે પુમાનાં પગરખાં પહેરી છીએ. ઈનશર્ટ કરવાનું અને પાકીટમાં સાથે એક દંતિયો હોવો જોઈએ. ભલે પછી માથું ન ઓળી. જીન્સ નીચે સ્પોર્ટ્સ સૂઝ હોય અને ફોરમલ નીચે પાર્ટીવેઅર ઔર ઑફિસસૂઝ ચાલે. મારાં દેખાવ અને વ્યક્તિત્વમાં બાહ્ય ઘણાં પરિવર્તન આવ્યાં. પણ આ બધુ કોના માટે હતું? મારે કોઈ નામની ફ્રેન્ડ ન હતી. અંગ્રેજીમાં જેને ‘કાફ લવ’ એટલે કે, વાછરડાંઓનો પ્રેમ કહે તેવું કોઈ પ્રેમીપાત્ર ન હતું. હું મૂર્ખ પ્રાણી મારી પાસે શું-શું છે જોવા,માણવાને બદલે એક વ્યક્તિ ન હોવાથી ઉદાસ બની એકલતા મહેસુસ કરતો હતો.

       ઘણુંખરું નજરઅંદાજ કર્યું. દસમા ધોરણની ભૂલોનું પુનરાવર્તન કે યુવાનીનાં પગરવની અસર મેં ભણતર પર થવા ન દીધી. જોરદાર મહેનત કરી, ગણીતમાં નબળો હોવા છતાં કોમર્સ ફેકલ્ટીમાં જઈ જાતને પુરવાર કરી આપી. આ જ વર્ષ મારાં મોટાભાઈનાં લગ્ન હતાં છતાં પણ મેં બધી જ જવાબદારીઓ અને કામકાજ સંભાળતા આસાનીથી બારમું ધોરણ પાસ કરી લીધું. આ સમય દરમિયાન મને મારી અંદર રહેલી આંતરિક શક્તિની પરખ થઈ. મેં કંઈક બનવાનું છોડી દીધું. અને કંઈક કરવાનું શરૂ કરી દીધું. ધીમેધીમે મારું વાંચન ઓછું ને લેખન વધી ગયું. રજાઓમાં મેં એક લાંબી વાર્તા લખી. ‘અઢી અક્ષર’

       સ્કૂલનું આખરી વર્ષ એ યુવાનીનું પ્રથમ વર્ષ હોય છે. હવે હું યુવાન હતો. ભારતીય લોકશાહી શાસનવ્યવસ્થા અનુસાર મને મત મળવાનો અધિકાર અને ઓળખ પત્ર મળવા પાત્ર હતું. હવે હું એડલ્ટ હતો કેમ કે, મારાં વર્ષો પાછળથી ‘ટીન’ શબ્દ નીકળી ગયો હતો. ટીનએજ પૂરી થઈ ચૂકી. નાવ યંગ. મને સેવિંગ કરવાની મજા આવતી. મને સિગારેટનો ધુમાડો ગમતો. મને રફતાર પસંદ પડવા લાગી. મારાં ખભ્ભાઓ પહોળા અને ઊંચાઈ વધી ગઈ. બારમાં ધોરણનું પરિણામ હાથમાં આવી ગયું. હવે કૉલેજ અને કલમ લાઇફ શરૂ થવાની હતી બસ. કૉલેજમાં એડમિશન લેવા માટે મારી પાસે શિક્ષણમાં ધોરણ બારનું પરિણામ અને સાહિત્યનાં નામે એક લાંબી વાર્તા અઢી અક્ષર હતી.