વર્ષ – ૧૯ ક્રાંતિ-ઉત્ક્રાંતિ-સંક્રાતિ (૨૦૦૯-૧૦)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

       શ્રી. એમ.ટી. ધમસાણીયા કોમર્સ કૉલેજમાં મને અને મારાં મિત્રોને એડમિશન મળી ગયું. હું એક દિવસ કૉલેજની લાયબ્રેરીમાં તૈયારીપૂર્વક ગયો. અમારાં લાયબ્રેરીયન કડક હતાં એની મને અગાઉથી જાણકારી. હું રુઆબથી પુસ્તકોનાં કબાટ પાસે આમતેમ ફર્યો. ત્યાં બેસીને વાંચન કરતી છોકરીઓ પણ મને જોવા લાગી હતી. ખુરશી પરથી અચાનક ઊભા થઈને લાયબ્રેરીયન મારી પાસે આવ્યાં. ‘તું રાવલ છો ને?’

       ‘હા.’

       ‘આલે આ પુસ્તકો.. તારાં માટે જ કાઢી રાખ્યાં છે.’

       મેં પુસ્તકો હાથમાં લઈ જોયું. બક્ષીનાં પાંચ પુસ્તકો હતાં. પછી એમની સામે જોયું.

       ‘જે.વી.ને હું જ પુસ્તકો કાઢી આપતો. મોડી સાંજ સુધી વાંચતો હોય. પછી હું કહું ચલ ભાઈ મારે જવું છે.’

       મેં પુસ્તકો જોતાં-જોતાં કહ્યું, ‘જે.વી. કોણ?’

       એમણે ઉત્સાહથી જવાબ આપ્યો. ‘આપણો જય વસાવડા.’

       અમારાં લાયબ્રેરીયનનું નામ સેરસિયાભાઈ, જેણે મને બક્ષીને રવાડે ચડાવ્યો. સેરસિયા સાહેબ વળી અંગત રીતે ગુણવંત શાહનાં ચાહક. એમની પાસે ગુણવંત શાહે તેમને લખેલાં પત્રોનું જબરું કલેકશન છે. આમ ગાંધીવાદી પણ બીજી તરફ તેમનાંમાં એક આક્રોશ હતો, એક રોષ હતો. વિદ્યાર્થીઓ વાંચતાં નથી. કૉલેજ નવા પુસ્તકો ખરીદતી નથી. દાઢ કઢાવી હમણાં, ડૉક્ટર હતો કે પંચર કરવાવાળો રાવલ ખબર ન પડી. સેરસિયા સાહેબ ગમે ત્યારે ગમે તેને જાટ્કી કાઢે. તેમનું વાંચન વિશાળ અને અંતર ઊંડું હતું. જ્યાં આજે પણ મારાં માટે ક્યાંક જગ્યા છે. તેમનાં વિશે લખવાં આ મંચ નાનો અને જગ્યા ઓછી પડે. એવા જ એક એટલે પ્રો. રાણપુરા સર.

       સેરસિયા સાહેબને અગાઉથી મારાં વિશે કહી રાખ્યું હતું એ હતાં – પ્રો.રાણપુરા સાહેબ. મેં તેના જેવાં પ્રોફેસર આજ સુધી જોયાં નથી. એ આ દુનિયાનાં માણસ ન હતાં તેમ કહીએ તો પણ ચાલે. તે ક્લાસ વચ્ચે મને ઊભો કરી બધાં વાચે સ્પીચ આપાવતાં. વચ્ચે-વચ્ચે રોકીને શિખામણો આપે. હું જે બોલું એ પરથી બીજા વિદ્યાર્થીઓને સવાલ પૂછે. જે સાચો જવાબ આપે તેને બદામ આપે. ક્યારેક ખારા કાજુ તો ક્યારેક કિસમિસ હોય. પ્રો. રાણપુરા સાહેબે મારી અઢી અક્ષર વાર્તા વાંચી એક રાત્રે મને ફોન કર્યો.

       ‘કાલે સવારે એક ગેસ્ટ આવવાના છે. ત્યારે તમારી છાપેલી વાર્તા આપી તમારું સમ્માન કરવું છે. સ્પીચ આપશો ને?’

       અને બીજે દિવસે સ્પીચ આપી મેં બધાંનાં દિલ જીતી લીધાં. એમાં છોકરાં-છોકરીઓ, કૉલેજનાં પટ્ટાવાળા સુમનભાઈથી લઈ પ્રોફેસર, પ્રિન્સિપાલ નાના-મોટાં બધાં આવી ગયાં. માત્ર બે મહિનામાં બધાં લોકો મને ઓળખવા લાગ્યાં. પ્રો. રાણપુરા સાહેબ અને સેરસિયા સાહેબ મારાં માર્ગદર્શક બન્યાં. મેં યુથફેસ્ટિવલમાં ભાગ લીધો. પ્રથમ નંબર. મેં સપ્તધારા સ્પર્ધામાં ભાગ લીધો. પ્રથમ નંબર. કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ બીજો-ત્રીજો નંબર મેળવવો એ મારાં માટે હાર હતી. બક્ષીની ભાષામાં કહું તો બીજો નંબર લેનાર હારનાર પ્રથમ વ્યક્તિ હોય છે. મારું લક્ષ્ય માત્ર પ્રથમ જીતનારનું હતું,.

       એક દિવસ મેં ટૂંકી વાર્તા લખી પ્રો. રાણપુરા સાહેબને આપી. એ કાયમ મને જોઈ સલામ કરે. મને તમે કહી સંબોધે. એ દિવસે મારું લખાણ હાથમાં લઈ એમણે કહ્યું, ‘સ્યોર નથી અભિપ્રાય આપી શકીશ કે નહીં. વાંચીશ જરૂર. ખુશ રહો.’

       આટલું જ બોલી એ ચાલ્યાં ગયા. એમનું વર્તન મને થોડું વિચિત્ર લાગ્યું. હું સમજી ગયો કશી ગડબડ છે. બીજા જ અઠવાડિયે મને ખબર પડી કે, પ્રો. રાણપુરા સાહેબનું કૉલેજનાં ક્લાસરૂમમાં હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયું છે. એ બધાંનાં ફેવરિટ હતાં. અમે ખૂબ દુ:ખી અને શોકમગ્ન બની ગયા. ટૂંક સમયમાં એ દુ:ખદ ઘટનામાંથી બહાર નીકળી મેં લેખન-વાંચન યાત્રા આગળ વધારી.

       લાઈબ્રેરીમાં એક અખબાર જોઈ મને ખબર પડી કે, ‘કાઠીયાવાડ પોસ્ટ’ નામનું પણ એક દૈનિક સૌરાષ્ટ્ર-ભાવનગરમાંથી બહાર પડે છે. જેની મુખ્ય ઑફિસ મારાં ઘર પાસે હતી. એ જ દિવસે સાંજે હું ફોન કરી અખબારનાં એડિટરને મળવા ગયો. તેમણે મને બેસાડ્યોં. સારી એવી પૂછપરછ કરી. પછી ઠીક છે કહીને આવજો કીધું. હું મારાં લેખો મોકલતો રહેતો. પણ ક્યારેક છપાય, ક્યારેક ન છપાય. ક્યારેક મારાં લેખ સિવાય આખું અખબાર પણ ન છપાય. મેં એમને કહ્યું, ‘કૉલમ ચાલુ કરી આપો ને..’

       ‘કૉલમ માટે હજુ તું બહુ નાનો છે, કૉલમ નહીં પણ મુજે ભી કહેને દો કરીને એક વિચાર મંચ ચાલે છે એમાં નિયમિત તારાં આર્ટીકલ આવશે.’

       મેં જીવનમાં પ્રથમ જોયેલા એ પત્રકાર-લેખકનું નામ જયંત પીઠડિયા હતું. એમની અને કાઠીયાવાડ પોસ્ટ અખબાર સાથેનો સંબંધ પછી તો બહુ લાંબો ચાલ્યો. મારી આખી ધારાવાહિક નવલકથા ‘અન્યમનસ્કતાં’ અને સ્વતંત્ર કૉલમ ‘ઈનશોર્ટ’ ચાલી. જયંતભાઈ આજે પણ એક સારાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યાં છે.

       હું કૉલેજમાં આવ્યો ને એક આખી સાહિત્યક સેના આપોઆપ બનતી ગઈ. જેણે મને કલમરૂપી શસ્ત્રને ચલાવતા શીખવ્યું. એમાં સેરસિયા સાહેબ, રાણપુરા સર અને જયંતભાઈ ઉપરાંત મારાં મિત્રો જિજ્ઞેશ, સાગર અને ભાવિનનો સમાવેશ થાય છે. બીજા બે મિત્રો પાછળથી બન્યાં. હાર્દિક અને કિશન. હાર્દિક મને ફેસબૂકની દુનિયામાં લઈ આવ્યો. કિશને મોબાઈલનું નોલેજ આપ્યું. હવે હું ફેસબૂકમાં હતો. ફેસબૂક અને બીજી કેટલીક આગળની વાતો આવતાં વર્ષમાં કરું એ પહેલાં એક આડવાત કરી આ વર્ષ વિરમું.

       આપણે ચાર-પાંચ વર્ષના થઈએ એટલે આપણી આસપાસનાં લોકો આપણું નામ પૂછે. મમ્મી-પપ્પાનું નામ બોલવા કહે. દસમે વર્ષે કેટલામાં ધોરણમાં છે? શું કરે છે શું નહીં પૂછે. પંદર વર્ષે પૂછે બહેનપણી છે? વીસ વર્ષે સિંગલ હોવાની જાણકારી ઈચ્છે અને પચ્ચીસ વર્ષે કેટલું કમાઈ છે? અને લગ્ન ક્યાં અને કોની સાથે કરવા છે એ પૂછે. જ્યારે ફેસબૂક પર મેં મારાં એક-એક વર્ષો વિશે લખવાનું શરૂ કર્યું ત્યારથી ઘણા પ્રશ્ન વોટ્અપ અને ફોન કોલ્સમાં પૂછાઈ ગયા. જેમ કે, પહેલીવાર ઊંઘમાંથી ઝબકીને ક્યારે ઉઠી ગયા હતાં? ચશ્માં ક્યારે આવ્યા? વીસ વર્ષ સુધી વર્જીન હતાં? પહેલી વાર ડ્રિંક ક્યાં અને કોની જોડે લીધેલું? દાઢી-મૂંછો હાથે કરતાં કે બહાર કરાવતા? આમ કરેલું કે કેમ નથી થયું? એક્સસેટ્રા.. આપણી આસપાસનાં લોકો આવી બાબતોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા દાખવે છે. મારા માટે આવી બાબતો સામાન્ય અને સહજ છે. જે જીવનનો એક ભાગ હતો. એટલે મેં કેટલીક બાબતો આલેખી નથી. મને જીવનમાં આશ્ચર્ય ત્યારે થયું હતું જ્યારે મેં એક વ્યક્તિને બધાં આછા લાલ કપડાંમાં વિટાળી લઈ જતાં હતાં ને બધાં ઊભા રહીને તેને પગે લાગતાં હતાં. મને નવાઈ લાગી જ્યારે ઘરમાં કોઈ ગુજરી ગયું ને ઘરની પૂજા પાડોશીને ત્યાં કોઈ મૂકી આવ્યું. એક દિવસ અમે ત્રણ લોકો અમસ્તા મંદિર ગયા. જેમાં મને અને મારાં એક મિત્રને મંદિરમાં જવાનો રસ ન હતો. અને જે અમને મંદિરમાં લઈ આવ્યું હતું એને મંદિરની બહાર ફરજિયાત બેસવું પડ્યું. મને અચરજ એ સમયે થયું જ્યારે મારી બહેન કાયમ માટે બીજાનાં ઘર ચાલી ગઈ. એક દિવસ મને અછબડાં નીકળા અને લોકોએ મને માતાજીનો પ્રકોપ મળ્યાનું માન્યું. મને આજ સુધી ઘણા આશ્ચર્યજનક રીતે પ્રશ્નો થાય છે. જવાબ વહેલા-મોડા મળી રહે છે. હું જાતે શોધી લઉં છું. એક વાત છે – દરેક જવાબ એક નવો સવાલ ઊભો કરી જાય છે.