વર્ષ – ૨૦ સુખકાળ (૨૦૧૦-૧૧)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       કૉલેજનાં બીજા વર્ષ અને જિંદગીનાં વીસમાં વર્ષે એક સરળતા, એક વિસામો, એક ઠહરાવ, એક સુખદિલી અને એક શાંતિનો સમય આવી જાય છે. બધુ ઠીક થઈ રહ્યું હોય છે ને બરાબર જઈ રહ્યું હોય છે. કોઈ પૂછે કે, આ સમયે તમે તમારી જાતને ક્યાં જૂઓ છો? તો એમને કહેવાની ઈચ્છા થાય કે, હું મારાં ઘરની ત્રણ માળ ઊંચી ઈમારતનાં ટેરેસ પર ઊભો છું. જ્યાંથી ઊભાં રહીને નીચે જોઉં છું તો લાગે છે કે, ઓહ..હો હું બસ હજુ અહિયાં જ છું? નીચેથી નજર હટાવી આકાશી તરફ જોઉં છું તો લાગે છે કે, આહ હા, હું બસ હજુ અહિયાં જ છું! હજુ ઘણું આગળ જવાનું છે! હજુ ઘણા પાછળ છીએ. આ વર્ષોમાં જિંદગી આશ્ચર્ય અને પ્રશ્નાર્થ વચ્ચે આવીને ઊભી રહી જાય છે. બસ હવે વધુ વખત વખત નથી, થોડાં જ સમયમાં બધુ નક્કી કરી લેવાનું છે. પહેલાં કઈ આડું-અવળું કરતાં તો નાદાની ગણાઈ જતી, પછી એ નાદાની ભૂલો કહેવાય અને હવે આ તબક્કે ભૂલોને કોઈ અવકાશ નથી. એટલે જે કરવાનું છે એ સમજી-વિચારી કરવાનું છે. આ સમય તમારું ભવિષ્ય નક્કી કરી લેશે.

વિશ્વની સૌથી મહાન બે શોધ પૈડું અને અગ્નિ પછી શોધાયેલી ત્રીજી મહાન શોધ હું ઈન્ટરનેટને ગણું છું. ૨૦૧૦-૧૧ની સાલમાં ફેસબૂક પર આવ્યા બાદ ધીમે-ધીમે મિત્રો બનતા ગયા. જે અજાણ્યાં થોડા સમયમાં જાણીતાં બનાવ્યાં અને એ જાણીતાંમાંથી આજે ઘણા સાથે અંગત પારિવારિક ઘરોબો કેળવાય ગયો છે. જ્યાં એકબીજાં સાથે વૈચારિક મતભેદ રહેતાં હોવા છતાં માનભેદ નથી.

નવું-નવું હતું ત્યારનું ફેસબૂક આજનાં ફેસબૂક કરતાં વધુ ગમતું. મારાં વિચારો ‘કાઠીયાવાડ પોસ્ટ’ અખબાર સિવાય ફેસબૂક પર પણ હું દર્શાવવા લાગ્યો. નરેશ કે. ડોડીયા, હિતેષ મોઢા અને ગૌરાંગ અમિન જેવાં સાહિત્યજ્ઞાતા મિત્રોને હું એ સમયે વાંચતો. પાછળથી ભુપેન્દ્રસિંહ રાઓલ જેવાં વડીલ-માર્ગદર્શક મિત્ર બનાવ્યાં. જયેન્દ્ર આશરા અને અશોકસિંહ વાળા જેવાં વિચારશીલ વ્યક્તિત્વોને મળવાનો અવસર બન્યો. મને યાદ છે, હું એક સ્પર્ધામાં ભાગ લેવાં જામનગર ગયેલો. અશોકસિંહ વાળા ત્યાં નોકરી પર રજા રાખી મને મળવા અને સાંભળવા આવેલા. પછી નરેશ ભાઈ મળ્યાં. અમે જોડે જમ્યા અને વાતો કરી. ફર્યા. ફરી મળવાના વાયદા સાથે છૂટા પડ્યાં.

ફેસબૂક પર શરૂઆતનાં સમયે લાંબી-લાંબી પોસ્ટ મૂકાતી અને દિવસો સુધીઓ ચર્ચાઓ ચાલતી. એ સમયે વોટ્સઅપ હજુ આવ્યું ન હતું. હું જોતો ફેસબૂક પર એકાદ-બે અપવાદ બાદ કરતાં સિવાય બધાં કરંન્ટ ટોપિક પર ચર્ચાઓ કરી રહ્યા છે. ક્યારેક ગુજરાતી ભાષામાં બાળકોને ભણાવવા કે અંગ્રેજીમાં એ વિશે ચર્ચા ચાલે, ક્યારેક ભ્રષ્ટાચાર તો ક્યારેક ધર્મનો વારો નીકળી જાય. વિવાદો સર્જાતા અને વિખવાદ થતાં. ફાંટાઓ પડી જતાં. જે બધાંમાંથી અમૂક સમય પછી મારો રસ છૂટી ગયો કેમ કે એ વિષયો વિશે હું મારો મંતવ્ય છાપાંમાં અગાઉથી લખાઈ જ ચૂક્યો હોય. આથી મેં સાહિત્ય પર ધ્યાન કેન્દ્રિત કરી સંવાદ લખવાના શરૂ કર્યા. જે બધાંને ગમતાં. સમય રહેતા એ સંવાદો પરથી નવલકથા લખવાનું વિચાર્યું. – ‘ઓહ.. જિંદગી.’

‘ઓહ..જિંદગી’ લખવાનું શરૂ કર્યું ત્યારે વિચાર્યું હતું એ નવલકથા લખાશે પરંતુ અડધે પહોંચી હું હાંફી ગયો. એ લઘુનવલ બની રહી. જે સબરસગુજરાતી.કોમ પર પ્રસિદ્ધ થઈ સારી સફળતા મેળવેલી. મને ગુજરાતી ટાઈપિંગ ફાવી ગયું હતું, આથી ટૂંક સમયમાં લેપટોપ ખરીદી લીધું. બીજી તરફ કવિતાઓ, વિચારો, ટૂચકાઓ અને ઘણુંઘણું લખાતું-છપાતું જતું હતું. કૉલેજમાં કોઈ સ્પર્ધા હોય તો ઈનામો અને ભેટ મળતી. કોઈ પ્રતિયોગિતામાં જામનગર-અમરેલી ભાગ લેવા જવાનું હોય, અમદાવાદ સેમિનારમાં હાજરી આપવાની હોય કે પછી કોઈ આમંત્રણ. સાહિત્ય અને ફેસબૂકે જમીની ક્ષેત્રફળ નાનું અને વૈચારિક દ્રષ્ટિકોણ વિસ્તૃત બનાવી છોડ્યું હતું. આ વૈચારિક અને વ્યાવહારિક ક્રાંતિ હતી.

આ જ વર્ષે મેં એક સાથે ચાર રાજ્યની પંદર દિવાસીય ટૂર કરી. રાજસ્થાન, દિલ્હી, ઉત્તરાખંડ, અને યૂ.પી. જે જીવનના એક યાદગાર પ્રસંગોમાં આગળ પડતો ક્રમ ધરાવે છે. અમે પરિવારના સભ્યો ખૂબ ફર્યા, ખૂબ મજા કરી. મારાં મામા-માસી-માસા એમના સંતાનો.. લગભગ પચાસ જેટલા કુટુંબીજનો હતાં. હું અજમેર ગયો, દિલ્હી ઘૂમ્યો, આગ્રા જોયું. જયપુરને અનુભવ્યું. મારાં ઘણા સપ્નો જોયાં વિના પૂરા થતાં ગયા. હરિદ્વારમાં જન્મી હરિદ્વાર ન જોયાનો અફસોસ હતો એ પણ પૂરો થયો. હરિદ્વારની ગલીઓમાં હું એક સાંજ નિઉદ્દેશ ભટક્યો. અખાડાની મુલાકાત લીધી. ઘાટ પર વહેતા પાણીને જોયું. એક દિવસ પાનનાં પડિયામાં દીવો કરી ગંગામાં પધરાવ્યો. હું ખુશ હતો.

બધુ સારું અને સરળ જઈ રહ્યું હતું. જીવનમાં જે ક્ષેત્રમાં મહેનત કરતો એ પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરતો. આજે જીવનનાં આ મોડ પરથી એ રસ્તો જોઉં છું તો ખ્યાલ આવે છે, સમય બહુ ઝડપથી અને સારો પસાર થઈ ગયો. વીસ વર્ષ – બે દસક. વીસમી સદીનાં અંતિમ દસક અને એકવીસમી સદીનાં પ્રથમ દસકમાં મેં જીવી લીધું હતું. જે બ્લેક એન્ડ વ્હાઈટથી ફોર કલરની સફર હતી. ઘણું પાછળ છૂટી ગયું હતું. કુટુંબનાં વડિલો મૃત્યુ પામતાં હતાં. ભાઈ-બહેનોનાં લગ્ન થતાં જતાં હતાં. પારિવારિક અને સાંસારિક ઝગડાઓ અને દાંપત્યજીવનની વાતો જાણવા મળતી. મને શ્રેષ્ઠ પરિવાર અને અવ્વલ દરજ્જાનાં કુટુંબીજનો મળ્યાં હતાં, મિત્રો ખૂટતા હતાં એ પણ મળી રહ્યા. મારી અપેક્ષા વધુ ન હતી. સંતોષી હોવાનું લક્ષણ પણ કદાચ મને સુખી બનાવી ગયું. પણ હા, એક બાબત મારાં અંતરનાં ઊંડાણમાં કશે ખૂંચતી તો ક્યાંક મગજમાં હિલોળા ખાતી રહેતી.

સંબંધો.

વીસ વર્ષનાં જીવનમાં અનુભવેલો જો કોઈ સૌથી મોટો સામાજિક બદલાવ હોય તો એ સંબંધોનો ઉતાર-ચઢાવ હતો. મેં વીસ વર્ષની ઉંમરે સંબંધોને સસ્તાં અને પૈસાને મોંઘા બનતા જોઈ લીધા હતાં. મેરિટિકલ-અફેર્સ હોય કે પછી વનનાઇટસ્ટેન્ડ. લોકો પણ ખુલીને આ મુદ્દે ચર્ચાઓ કરી રહ્યા હતાં. સાચો ખોટાંને ખોટો સાબિત કરવા મથતો રહેતો અને ખોટો સાચાને ખોટો સાબિતા કરવાના પ્રયત્નોમાં રહેતો. પછી તો આવું ઘણું કૉલેજલાઇફનાં ત્રણ વર્ષોમાં પણ નિહાળ્યું. ફિલ્મી પડદે અને પુસ્તકોમાં સમજ્યું. તેનાં પર પણ વિચાર દર્શાવતું ઘણું લખ્યું. આજે પણ લખી કાઢું છું.

ને હવે જે વિશે મારે આવતાં વર્ષમાં વાત કરવાની છે એ વાત અને વિષય રહેશે – કૉલેજલાઇફ. કૉલેજલાઇફ યુવાનીનો યુવાનીમાં આવવાની તબક્કો છે. કૉલેજ યુવાનને પુરુષ બનાવે છે, છોકરીને યુવતી અને ક્યારેક મા પણ બનાવી નાખે છે. ભારતમાં આસાનીથી પ્રેમ અને જીવનસાથી મેળવવા હોય તો કૉલેજમાં એડમિશન લઈ લો. કૉલેજમાં ડિગ્રી ગૌણ ચીજ છે, કદાચ ગ્રેજ્યુએટ ન થાવ તો પણ પ્રેમ અને જીવનસાથી અચૂક મળી રહે. કૉલેજમાં પ્રવેશતાં સમય બધાં વિદ્યાર્થી હોય છે, કૉલેજમાંથી નીકળતાં સમય એ વિદ્યાર્થી કંઈક બની ગયો હોય છે. એ કંઈક એટલે પછી ડિગ્રીધારક બેકાર પણ.. અહિયાં ધર્મ પ્રવેશે છે, અહિયાં રાજનીતિ જન્મ લે છે, અહિયાં કારકિર્દીનાં બીજ ઉછરે છે અને અહીં જ દિલ તૂટે છે, જામ છલકે છે. અહીં તમારો જિગરી પણ પળમા જાનનો દુશ્મન બની જતાં વાર નથી લાગતી અને અહીં જ જેને ચાહતાં હોય એને કોઈ બીજો પટાવી કે પરણી જાય છે. કૉલેજમા ભણવું-રખડવું-ફરવું-લપડું એ બધુ તો ઠીક છે પણ કૉલેજમાં, અહીં જ ત્રણ વર્ષનો આંકડામાં લાંબો લાગતો પણ આંખનાં પલકારામાં પસાર થઈ જતો પીરિયડ છે જ્યાં, બહેકે તો શરાબી હૈ, સંભલે તો ફરિશ્તા હૈ. યે ભીડ અજીજો કી, એક ખ્વાબ હૈ, ધોખા હૈ, તો હકીકત શું છે? ત્રણ વર્ષ પછી બધાંની ઉપર ઉઠી ફરી ત્રણ માળ ઊંચી ઈમારત પરથી જોવાનું છે, આપણી જાત ક્યાં છે?