વર્ષ – ૨૧ જાનીવાલીપીનારા (૨૦૧૧-૧૨)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       દર્દ મૈ ભી યહ લબ મુસ્કુરાને લગતે હૈ,

       બિતે લમ્હે હમે જબ ભી યાદ હૈ…

       હું જ્યારે-જ્યારે કૉલેજટાઇમ યાદ કરું છું ત્યારે-ત્યારે આનંદીત થઈ ઊઠું છું. દુનિયાની એવી કોઈ કૉલેજમાં નહીં હોય જ્યાં શિક્ષણની સાથે મજા ન મળતી હોય. અને જ્યાં મજા હોય ત્યાં મિત્રો અને અવનવાં અનુભવો ન હોય. કૉલેજમાં બહુ મજા આવે છે, બહુ બધાં દોસ્તો મળે અને શત્રુઓ બને છે. એનો રોમાંસ અને રોમાંચ આ જીવન વિસરતો નથી. કૉલેજ તમને પ્રોફેશનલ બનાવે છે, કૉલેજ તમને પર્સનાલિટી આપે છે. કૉલેજ તમારા વ્યક્તિત્વનું ઘડતર, બાહ્ય તથા આંતરિક ગુણોનું ચણતર અને મહેનતનું વળતર આપે છે. કૉલેજ એ એવું સ્થળ છે જ્યાં, આપણે કંઈક મટી કંઈક બની જઈએ છીએ. કદાચ મેં કૉલેજ ન કરેલી હોત તો હું લેખક ન હોત. કદાચ રાજકોટ ન હોત તો હું લેખક ન હોત. કૉલેજમાં હું ભવ્ય રાવલ બન્યો.

       રાજકોટ અને કૉલેજ વિશે હું લાંબુ-લાંબુ ઘણું લખી ચૂક્યો છું. આ બંનેને મેં એક સાથે અનુભવ્યા, આત્મસાત કર્યા છે. શનિવારની સાંજ અને રવિવારની સવાર, વરસાદની કે ઠંડીની ફૂંકાતી ભેજયુક્ત હવા, સિગારેટનો કેફી ધુમાડો, શરાબનાં આખરી ઘૂંટ, નમકીન હોઠનાં પસીનાદાર ચુંબન, ફૂટપાથનો આકરો તડકો, કાચી એકસો પાત્રી ચૂનો ઘાટ્ટોની ફાંકી, સિટી બસની મુસાફરી, મોલ્સનાં કોફીશોપ્સ, ખુશીનાં એ દિવસો ને ગમનાં એ મહિનાઓ.. અને? ભીડની એકલતા વચ્ચેની ઉદાસીનાં વર્ષો. રાજકોટને અનુભવવા માટે તમારી ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ અથવા તમારી નજર જુવાન જોઈએ.

       કૉલેજમાં આવ્યાં બાદ દર શુક્રવારે ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો ગેલેક્સી-ગિરનાર તો ક્યારેક સિનેમેક્સ સિનેમામાં પીકચર જોવું એ મારો અને મારાં મિત્રોનો નિયમ, આદત, શોખ અને ગાંડપણ હતું. શુક્રવાર બાદ શનિવારે રાજકોટની શનિવારી બજારમાં જઈ સસ્તી અને સારી વસ્તુઓ ખરીદી બધાંને કંપનીનાં શોરૂમમાંથી લીધી અથવા વિદેશથી સ્વજનોએ મોકલાવી એવું અમે જણાવતા. અમે સ્ટડી ઓન્લી મન્ડે ટુ થર્સ ડે જ કરતાં. બાકી વિકેન્ડ રહેતું. જેમાં યોજનાબદ્ધ રીતે પાનવાળાને વાતોએ ચડાવી પૈસા ભૂલડાવી આપવાનાં. પૈસા હતાં નહીં એવું નથી છતાં પણ એની એક મજા હતી. બે જણાને બજાવવા અને બે લોકો ઝગડતા હોય તો શાંત રખાવી સમાધાન કરાવવું. ત્રિકોણબાગ પર આવતી ખૂબસૂરત યુવતીઓને વાસના અને બદસૂરત યુવતીઓને વેદનાની નજરે ભરી પીવી. કોઈ કારણ વગર માથાકૂટોમાં પડવું અને સકારણ સમસ્યાઓ ઊભું કરવું રહેતું. દર ત્રણ મહિને દીવનાં પ્રવાસનું આયોજન અને જન્મદિવસનાં ખર્ચા, ચા-પાણીનાં હિસાબો થતાં. આઇપીએલની મેચોમાં સટ્ટા ખેલાતા અને પરીક્ષાઓમાં વાંચવા ભેગા મળી વાતો જ થતી. અમે સાત મિત્રોની ટોળકી હતી – જિજ્ઞેશ, સાગર, હાર્દિક, કિશન, ભાવિન, વિરમ અને હું. આજનાં સમયમાં કૉલેજટાઇમ પૂરા થયાને ત્રણ વર્ષ થઈ ગયા છતાં બધાં હજુ એટલી જ મજા કરીએ છીએ. હા, પહેલાંની જેમ રોજરોજ નહીં પણ એક રોજ મળી લઈએ છીએ. હવે અમે સાત નથી, સંખ્યા વધી છે. કેમ કે, એ બધાંમાંથી કોઈ ભાગીને તો કોઈ જે મળ્યું એ ભોગવીને પરણી ચૂક્યા છે. અમૂક સગાઈ થઈ ગઈ છે. અમૂકને પ્રેમિકા છે. બાકી છે એ હવે…

       મારી જિંદગીનાં કેટલાંક મોડ પર મળેલા-બનેલાં હમસફરો મંજિલ પહેલા જ વિખૂટા પડી જતાં હતાં. કૉલેજમાં મારી પાસે ટુ-વ્હીલર સ્કૂટર હતું. હું લેખક હતો. મને મારી ઉંમરનાં લોકો વચ્ચે પ્રમાણમાં સારું લખતા-બોલતાં આવડતું. ગર્લ્સમાં પણ મિત્રો હતી. મારાં વાંચકો હતાં અને કૉલેજ સિવાય પણ મિત્રો બની રહ્યાં હતાં. મેઈલ-ફીમેઈલ અને સેક્સને ક્યારેય મેં દોસ્તીમાં લાવ્યું નથી. મારાં માટે બધાં સમાન હતાં. જેમની જોડે હું દિલ ખોલીને હસ્યો, રડ્યો, રિસાયો, જે મારાથી રિસાયા, તેમને મેં મનાવ્યા. જીવનમાં કેટલાંક મિત્રો મારાં અનુભવ, કાળજી અને લાગણીને સમજી ન પણ શક્યા. જેમાના ઘણા દૂર ગયા. મેં ઘણાને દૂર કરી નાખ્યા. વળી એકબીજાને અફસોસ થતાં નજીક પણ કેટલાંક આવ્યાં. ક્યારેક કોઈ વિના ચાલતું નથી ને ક્યારેક કોઈ વિના આખી જિંદગી જિવાઈ જતી હોય છે. મેં કોઈને મારાં જીવનમાંથી દૂર કરવા ઈચ્છયા, ક્યારેય ફરી પાછાં બોલાવ્યાં કે પાછળ વળી એ રસ્તાઓ પર પણ જોયું નથી. હા, એ સામે ચાલીને આવ્યાં છે, હજુ બીજા પણ આવશે. મને વિશ્વાસ છે.

       ખૈર, કૉલેજલાઇફ પૂરી થઈ ગઈ.. જે છોકરીઓને જોઈ મેં લગ્નનાં સપ્ન જોયા હોય એમને ત્યાં આજે સંતાન છે. ક્યારેક ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામમાં તેમનાં કપલ્સ ફોટો જોઈ ખડખડાત હાસ્ય આવે. ક્યારેક આશ્ચર્ય થાય. મિત્રો વચ્ચે હજુ કોણ કોને પરણ્યું અને ક્યાં છે? જેવી ચર્ચાઓ થાય. મીઠી ઈર્ષા તો ક્યારેક દુ:ખભરી જલન પણ થાય. બસ આ કૉલેજ લાઇફ છે. જે આજીવન જીવતી રહેવાની. મને એવું પણ કહેવું ગમશે કે, કૉલેજલાઇફ ટી.વાય. પછી પણ એક્સ્ટ્રનલમાં ચાલતી રહે છે.

       બધુ ઝડપથી, ફટાફટ, તેઝ, અંણધાર્યું પસાર થઈ ગયું. જાણે તારીખોને પાંખ આવીને એ ઊડી, મહિના વચ્ચે દોડવાની હોડ જામી. વર્ષો મહિનાઓની જેમ, મહિનાઓ દિવસોની જેમ અને દિવસો કલાકો અને કલાકો મિનિટોમાં અને મિનિટ્સ સેકન્ડમાં પસાર થઈ ગઈ. એકથી સાત ધોરણ પ્રા.શાળા, આઠથી દસ ધોરણ માધ્યમિક અને ધોરણ અગિયાર-બાર ઉ.માધ્યમિક પછી હવે કૉલેજ પણ..

       કૉલેજનાં અંતિમ દિવસોમાં અમને આવજો કહેવા ફેરવેલ પાર્ટી યોજાઈ. અમે થોડાં ભાવુક હતાં. થોડો સંતોષ અને થોડી હજુ અધૂરપ રહી ચૂકી હતી. કૉલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી જે.વી.નાં હાથે કૉલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી બનવા જઈ રહેલાં રાવલને શિલ્ડ-સમ્માનપત્ર આપવામાં આવ્યું. કૉલેજ સાથેનો મારો શૈક્ષણિક સંબંધ પૂરો થઈ ગયો. હું ધોરણ દસમાં ગણિત વિષયમાં ચડાવ પાસ વિદ્યાર્થી કોમર્સમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ ગ્રેજ્યુએટ થયો.

       હવે કૉલેજનાં ક્લાસરૂમ કે કેમ્પસની જગ્યાએ મળવાનું ફેસબૂક અને વોટ્સઅપમાં મોટા ભાગે થાય છે. જોડે બેસવાનું કોઈનાં બેસણામાં થાય છે. ક્યારેક રસ્તા પર ભટકાઈ જઈએ છીએ પણ સામસામે. અમે એક છીએ, અમારાં રસ્તાઓ અલગ છે. કૉલેજમાં મારાં બધાં મિત્રો પણ પાસ થઈ ગયા. કોઈ એમબીએ, કોઈ એલએલએલબી, કોઈ એમકોમ તો કોઈ નોકરીએ ચડી ગયું. મેં પત્રકારત્વ પસંદ કર્યું..