વર્ષ – ૨૨ પૂર્ણતાપુલ (૨૦૧૨-૧૩)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.50 out of 5)
Loading...

       પત્રકારત્વનાં શિક્ષણમાં આવી પૂર્ણતાનો પુલ બંધાયો. આમ તો, કૉલેજ પૂરી થતાં સુધીમાં જ પત્રકારત્વની સારી-નરસી બંને બાજુ મેં નજીકથી અનુભવી લીધી હતી. આ ક્ષેત્રમાં સીધી લીટીનાં પૈસા નથી, નામ છે પણ બે દસકનાં ભોગ પછી. રજાનો દિવસ અને બીજી નોકરીઓમાં મળે તેવી શ્યોરીટી નથી. શોષણ ચોક્કસ મળશે. છતાં પણ હું પત્રકારત્વનાં અભ્યાસમાં આવ્યો. પત્રકારત્વનાં અભ્યાસમાં આવતાંની સાથે જ સંભાવનાઓ, શક્યતાઓ અને સંબંધોનો એક આખો પટારો ખૂલી ગયો. હું દિમાગ બાજુ પર મૂકી, દિલ લગાવીને બે વર્ષ ભણ્યો. ખૂબ શીખવા, જાણવા અને ખાસ તો માણવા મળ્યું. પત્રકારત્વનાં બે વર્ષ દરમિયાન જે કઈ અનુભવ્યું એ હું અગાઉ લખી ચૂક્યો છું. જે અક્ષરશ: મને ફરી પુનરાવર્તન કરવું ગમશે.

અલવિદાનો આભાર.. આવકાર.. કિતને અજીબ રિશ્તે હૈ યહાં પૈ..

       શિક્ષક અને શિક્ષણસંસ્થા ઘટાદાર વૃક્ષ સમાન હોય છે. એક જગ્યા એ અડીખમ રહી પોતાનો ધર્મ નિભાવ્યાં રાખે, સદાય કર્મનિષ્ટ અને કર્મયોગી બની રહે. યજમાન બની મહેમાનને તડકીનાં સમયમાં છાયડી આપે. ઠંડીનાં સમયમાં જાત જલાવી ઉષ્મા પણ આપે. જીવજંતુ, પક્ષીઓને આશ્રયસ્થાન આપે. ભોજન આપે. ઉપરાંત ફળ-ફૂલ ઈત્યાદી. એક સ્થાને અડીખમ અવિરત પોતાની કામગીરી એ સત્યનિષ્ઠાથી એ સતત કરતું રહે. આથી જ વૃક્ષ મને શિક્ષક અને શિક્ષણસંસ્થા જેવું લાગે છે.

       શિયાળુ વેકેશન પડે ને પાનખર આવે.

       શૈક્ષણિક સત્ર શરૂ થાય ને વસંત ખીલે.

       મિત્રો, મે ૧થી ૭ ધોરણ ગીતા જ્ઞાન મંદીર સ્કૂલમાં અભ્યાસ કર્યો. પ્રાથમિક બાદ માધ્યમિક શિક્ષણ ૮થી ૧૦ ધોરણ ગાયત્રી મહા વિદ્યાલયમાં અભ્યાસ કરી લીદ્યા. ધોરણ ૧૦ પછી મારી ઈચ્છા આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ લેવાની પરંતુ મિત્રોનો હાથ કે સાથ છૂટે તેમ ન હોય છેલ્લે સુધી અસંમજસ વચ્ચે મેં એક્સટ્રનલમાં ૧૧-૧૨ ધોરણ કોમર્સ કર્યુ. અહીંયા સુધી બધું સામાન્ય હતું. જીવનમાં નવિનતા ન હતી. પરીક્ષાઓ આવતી. ચોરી થતી. જ્યારે હોમવર્ક ન કર્યુ હોય ત્યારે લેશનની નોટ ઘરે ભૂલાઈ જતી. ભણવું ન હોય ત્યારે પેટમાં દુ:ખતું. વગેરે વગેરે. વચ્ચે વચ્ચે ઉંમર પ્રમાણે આકર્ષણનાં નામે હર વખતે પ્રથમ પ્રેમ પણ થઈ જતો હતો. અને પછી તો કૉલેજ લાઈફ શરૂ થઈ. જે યુવાનીને યાદગાર અને જાનદાર બનાવી દે છે. હું એ દિવસોથી લઈ જ્યારે જ્યારે મિત્રો જોડે શરાબ પીવા બેસું તો જણાવું, ‘મારી કૉલેજ લાઈફ આ શરાબનાં નામ જેવી છે – મેજીક મુવમેન્ટ!

       કૉલેજ લાઈફ સુધીમાં હું જે પ્રકારની મારાં નામ જેવી ભવ્યજિંદગી જીવ્યો હતો તે આધારે બીજાને ઘણી સારી-શ્રેષ્ઠ અને ઊચ્ચ લાગતી બાબતો-પરિસ્થિતિ કે ઘટનાઓ મને સામાન્ય લાગતી આવી રહી હતી. ક્યાંરેક આત્મકથા લખીશ તો આ અંગે વિસ્તૃત છણાવટ કરીશ. હવે મૂળ વાત..

       કૉલેજ પૂરી થયાં બાદ મારાં ઘર-પરિવારમાં બધાંની ઈચ્છા હતી – બી.કોમ ગ્રેજ્યુએટ થયાં બાદ હું એમ.બી.એ કરી કોઈ કંપનીમાં વાઈટ કોલર જોબ કરી ક્યાંક નાતમાં પરણી પોતાની અને ઘરની જવાબદારી ઊઠાવવા સક્ષમ બનું. જે મિત્રો માટે મેં આર્ટસ ફેકલ્ટી ન અપનાવી કોમર્સ લીધું એ મારાં મિત્રો કોમર્સ લાઈન પૂરી થયાં બાદ એલ.એલ.બી. એમ.બી.એ. જેવી અલગ-અલગ ફેકલ્ટીમાં જોડાઈ પોતપોતાની દુનિયામાં ખોવાઈ વિખરાઈ ગયા.

       વક્ત રૂબરૂ કરવાતા હૈ, કભી ખુદ સે, કભી સબ સૈ..

       પત્રકારત્વનાં અભ્યાસક્રમમાં યા હોમ કરીને હું એકલો પડ્યો. મને આસાનીથી એડમિશન પણ મળી ગયું અને ભણવાનું પણ શરૂ થઈ ગયું. એક તબક્કે મે વિચાર્યુ હતું કે આજ સુધી જેવાં મનગમતા માહૌલ વચ્ચે પોતાની અનુકુળતા અને આવડતથી જે શિખ્યું, સમજ્યું અને અનુભવ્યું તે કદાચ હવે આ ફિલ્ડમાં શક્ય નહીં બને. કેમ કે પહેલાંનું ભણતર શિક્ષણલક્ષી હતું અને હવેનું ભણતર વ્યવસાયલક્ષી છે. પણ.. પણ.. અણધાર્યા અકસ્માત પણ પત્રકારત્વમાં આવી એવરગ્રીન અવસર બન્યાં અને મેં બનાવ્યાં. મંગળ જેવી વેરાન ધરતી પર જિંદગીઓ પનપે તેમ મને અવનવી પોતાનાંમાં કંઈક ખાસ લઈ ફરતી વ્યક્તિઓ મળી. આ ફેસબૂક નહતું કે ત્યાં અબાઉટ-મી અને પ્રોફાઈલ પરથી અજાણ્યાં વ્યક્તિ ઓળખી શકાય. બધાંમાં રહેલી આંતરિક ખાસિયત અને ખરાબી માટે થોડું-થોડું તેમની સાથે જીવવું પડ્યું. આ બધું ભણતર સાથે ફર્સ્ટ સેમેસ્ટર સુધી ચાલ્યું. બીજા સેમેસ્ટર સુધીમાં જર્નાલિઝમની સ્ટડી અને ડિપાર્ટમેન્ટ તથા તેની સાથે જોડાયેલી તમામ બાબતોથી હું પરિચિત થઈ ગયો હતો. મને ઈતિહાસમાં પણ રસ ખરો! અને વર્તમાનમાં કેમ વર્તવું એ સમજવા ઈતિહાસની જાણકારી અને રાજકારણની સમજણ હોવી જરૂરી છે.

       ખાસ કરીને પત્રકારત્વનાં ક્ષેત્રમાં બંધ આંખે જોઈ ન શકનાર, મૂંગા મોઢે કોઈ પાસે બોલાવી ન શકનાર કે બહેરા બન્યાં વિના મૌનને ન પારખી શકનાર લોકોનું કામ નથી. ટાઈમમાં બેસે અને ખૂણામાં ચાર દિવસ ભરાઈ જાય તેવી છોકરીઓ પણ અહીંયા ચાલે નહીં. આ જંગલ છે. જે જંગલનો રિંગ માસ્ટર છાપાનો વાંચક અને સમાચારનો દર્શક છે. આ ખેલમાં ગમે તે સમયે દર્શકો ભાગ લઈ મેન ઓફ ધી મેચ બની શકે એ શક્ય છે.

       બેક ટૂ ધી પોઈન્ટ..

       જીવનમાં દિવસો-વર્ષો પસાર થતાં ગયા તેમ તેમ શિક્ષણ અને એ અંગેની સમજ બદલાતી ગઈ. મિત્રો, વર્ગખંડ અને પરિણામો ક્યાંરેય સ્થિર રહ્યાં નથી. ક્યાંરેક જિંદગી એક શરાબના પ્રોડક્ટ જેવી રોયલ સ્ટેજમાં લાગે. ક્યાંરેક નંબર વનપણ પત્રકારત્વમાં આવી હું કહી શકું કે ચેલેન્જરલાગે છે. અને શરાબનો ભરેલો ગ્લાસ હાથમાં ઊઠાવી ગુનગુનાવી શકાય.. તૂઝસે નારાઝ નહીં જિંદગી હૈરાન હું મૈ..

       શિક્ષણ સાથેનો એક તબક્કો અડધો પસાર થઈ ગયો.

       ડેનીશ અને મિલન જેવાં દિલદાર દોસ્તો મળ્યાં. ડેનીશને કોઈ ઓળખે કે ન ઓળખે પરંતુ ડેનીશ બધાંને ઓળખે. એટલે ડેનીશ જોડે વધુ ફાવે. એ પ્રેક્ટીકલ માણસ છે. ગણતરીબાજ નથી. બક્ષીની ભાષામાં કહું તો ડેનીશ મુઠ્ઠી ખોલી બધું ખર્ચી શકે. એવું જ મિલનનું છે. મિલન એની હાઈટ અને સાઈઝ જેવો જ છે. અમારાં ત્રણેય વચ્ચે બે વર્ષ દરમિયાન વાતો ઓછી અને ગાળો વધુ બોલાઈ છે. મિલન જામનગરી અને ડેનીશ મચ્છુકાંઠાનો.

       આ સિવાય મારી આત્મિયતા જીતેન્દ્વ, ભાવિક અને જયેશ જોડે વધુ બંધાઈ. જીતો સુરેન્દ્વનગર, ભાવિક ભાવનગરથી દૂર ચાલીશ કિ.મી. જેસર ગામનો અને જયેશ જામનગરી. એટલે આ ત્રણેય સાથે એમની બોલી, ભાષા અને તહેજીબમાં રહેવાની મજા આવે. તેમનાં કારણે આજે સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં મારાં પત્રકારત્વ સિવાયના બીજા દોસ્તો બન્યાં જેમા કાનો, અચ્યૂત, જય, નરેશ અને હા, ફેસબૂકનો મિત્ર સ્પર્શ હાર્દિક મને ત્યાં મળ્યાં. પછી તો પાર્ટીઓ થતી ગઈ. રોજ મેસમાં જમનાનું હોય. ક્યાંરેક ડેનીશ મોરબીથી આવે અને કહે, ‘આજ પટેલમાં જમવા જવું છે.સાવ સાચુ કહું તો મને યુનિ.ની કેન્ટીનમાં ક્યાંરેય ફાવ્યું નથી. ક્લાસરૂમના હાઈ-ફાઈ એ.સી રૂમ કરતાં પણ મિલનના રૂમમાં ફાકીના નશા અને બીડીનાં ધુમાડા વચ્ચે મારી અને મારાં મિત્રો વચ્ચે જે સેક્સથી લઈ સંસદ જેવાં હોટ એન્ડ બોલ્ડ વિષયો પર તાર્કિક અને તામસિક ચર્ચાઓ થતી એ લાજવાબ રહી છે. મિલનના રૂમ પર જગો, સાહેબ, બાપુ જેવાં જોડે ન ભણતા મિત્રો બન્યાં. હું લોકોને ઓળખવા લાગ્યો અને લોકો મને. હું તેમનાં જેવો બની રહેવા લાગ્યો. મજા આવી રહી હતી. આજે પણ એ લોકોને મારાં વિના અને મને તેમનાં વિના ન ચાલે. કોઈ જરૂરિયાત કે અપેક્ષા વિના પત્રકારત્વ શીખતા મને ઘણાં વ્યસનોમાનું એક માણસોનું પણ વ્યસન થયું. આજે અમૂક એવાં સંબંધો સ્થપાયા છે જેનાં મૂળિયા ઊંડા અને ફળ ખટ્ટમીઠા છે. બધાંનાં વિચારો અલગ, આદતો જુદી, લક્ષ્યમાં વિરોધીતા છતાં મનભેદ નહીં. અમારી સમજદારી કરતાં પણ ઈમાનદારીએ અમને અંદરોઅંદર લડાવ્યાં છે પણ બિછડાવ્યાં નથી. અમે એકબીજાંના કા દોસ્ત બની શકીએ કા અજાણ થઈ શકીએ. દુશ્મન નહીં. અમે એવાં સંજોગ ઊભા જ થવા ન દઈએ જ્યા હિતેચ્છુ જ હરિફ બની જતા હોય.

       દોસ્તો, મારે જે વાત કરવાની છે તે લાંબી અને પહોળી છે. એટલે વિષયાંતર અથવા વિષય વિમુખ લખાણ લાગશે.

       ખૈર,

       પત્રકારત્વનાં પ્રથમ વર્ષે એકદંરે સેમેસ્ટર બે સુધીમાં અમારી પરિપક્વતાની સીમા અને સમજણ શક્તિ ટોચ પર પહોચી હતી. મને જ્યારે આ ક્ષેત્રમાં નિરાશા હાથ લાગતી ત્યારે અમારી સાથે અભ્યાસ કરતી એક અંધ છોકરી રેખાને હું જોતો. એની કક્ષામાં ખુદને મૂકી જોતો. ઉપરાંત અમારાં સહપાઠી હંસા માસી. અડધી સદીની ઉમરે જે સ્ત્રી બચ્ચા પેદા કરી, મોટાં કરી થાકીને જીવનના અંતિમ વર્ષોની ગણતરી કરે એ સમયે એક નવી ઈનિંગનાં પગલાં માંડનાર હંસા માસીનું કોન્ફીડન્સ પણ મને કામ લાગ્યું. સેમેસ્ટર-૩ પ્રારંભમાં કૃષિ નિષ્ણાત ગની પટેલ, ડૉ.મંડીર અને એડ્વોકેટ જસ્મીન જેવાં બીજા મધ્યવયસ્ક વડીલો આવ્યાં. અમારાં સિનયર્સ અમે જૂનિયર હતાં ત્યારે અમને ચિડવતા કે, ‘તમારાં ક્લાસમાં નોલેજ છે પણ ગ્લેમર નથી.એ ગ્લેમરની પરિપૂર્તિ મોના અને ખૂશ્બુનાં આવવાથી થઈ. સાથે અમે સિનિયર બની અમારાં જૂનિયર આવ્યાં જેમા નોલેજ અને ગ્લેમરનો કોમ્બો પેક સાથે આવ્યો. હેમલ મેમ, કાજલ, ચિંતન હોય અમારો રમલો હોય, જાડો ધવલ હોય કે અરસી, તેજસ કે મરાઠી હોય. બધાં જોડે ફાવ્યું. આગળ કહ્યું તેમ સંબંધો વિખાયા વિના વિકસ્યા. અમે ક્લાસરૂમ સિવાય પણ બધાં મિત્રો એકબીજાથી ભળતા, ફરતાં અને મળતાં રહ્યાં.

       ક્લાસમેટ્સમાં મયૂર, કિશન, ભરત, મારુત, અશોક જોડે બીજાની જેમ કેમેસ્ટ્રી જામતા વાર ન લાગી પણ આ બધાં સાથેની કોઈ ખાસ હિસ્ટ્રરી નથી પણ હા, છૂટક યાદો અને કિસ્સા અઢળક. મારુત અને મયૂર પાસેથી મને આ ક્ષેત્રે વિશેષ આશા કાયમી રહેશે. બાકી રહ્યો હર્ષ.. હર્ષ ઈદનાં ચાંદ જેવો રહ્યો છે. જૂનિયર ક્લાસમાં સુજય પણ એવો જ! એક અફસોસ રહ્યો કે માર જોડે જર્નાલિઝમ શરૂ કરી અંગત દોસ્ત બનનાર અમરદિપ આ ફિલ્ડ અધવચ્ચે છોડી ગયો. બીજી તરફ જૂનિયર ક્લાસમાં ધમો હમણાં જ આ ફિલ્ડ છોડી ગયો. એટલે તેમની ગેરહાજરી જાહેરમાં વર્તાય પણ દિલમાં હાજરી કાયમ રહી છે. દરેક પ્રસંગો પર તેમને અને બીજા ઘણાંને યાદ કર્યા છે.

કોઈ વ્યક્તિનું યાદ હોવું અને વાતેવાતે કોઈ વ્યક્તિની યાદ આવે તેમાં ફર્ક છે.

પત્રકારત્વનો અભ્યાસ ગ્રહણ કરતાં કરતાં ફક્ત સારું-સારું બન્યું એવું પણ નથી. ઘણાં જોડે ફાવ્યું નથી. મા મૂળો અને બાપ ગાજર હોય એવાં પાવલીનાં પંડિતો જોડે વિચારભેદ થયાં છે. એ અગમ્ય ઘણાંમાં દોઢસો રુ. લઈ દોઢ કલાક સુધી અમારાં પર અત્યાચાર કરતાં વિજીંટીગ લેક્ચર્સ મોખરે રહ્યાં! ક્યાંરેક વિરોધ થયો ક્યાંરેક વિવાદ થયાં આમ છતાં પત્રકારત્વની ડિગ્રીનાં એક સોનેરી કાગળિયા માટે આ અને બીજું કેટલુંક ફરજીયાતપણે દુબની સહન કરવાનુ હતું અને કર્યું. એક-બે પ્રકરણમાં નામ સંડોવાતા મેં પત્રકારત્વનો અભ્યાસ અને ફિલ્ડમાં પ્રવેશ્યા વિના બધાંને આવજો કહેવાનું નક્કી પણ કરી નાખ્યું હતું પણ મારાં અંજળ ખૂટ્યાં નહીં કે રસ્તામાં આવતા કાંટા કુદરતે દૂર કર્યા! પરિસ્થિતિ સાથે પરિણામ આજ સુધી આપોઆપ મારાં તરફી રહ્યાં છે એનું કારણ મને સમજાય છે ત્યાં સુધી મારી-અમારી ઈમાનદારી રહી છે. પેટમાં પાપ ન હોવું જોઈએ. પેટ ખાલી અને દિમાગ ભરેલું રાખવાનું. દિલમાં બધાં માટે જગ્યા રાખવાની આ મારાં મૂળ સિધ્ધાંત અને આદર્શનાં ફળરૂપે જે લોકો મને છોડીને ગયા તેમને પણ પાછા આવ્યાં ત્યારે બાહો ફેલાવીને અપનાવ્યા છે. આવો તો વેલકમ જાઓ તો ભીડકમજેવાં સૂત્રો અપનાવી સ્વાર્થી બન્યાંનો અહેસાસ કર્યો નથી. હા ક્યાંરેક દિલ પર પથ્થર રાખી આકરા નિર્ણયો લીધા છે પણ એ આવશ્યક હતું. બધાંને ખુશ કરવા શક્ય નથી પણ કોશીશ હજુ ચાલુ છે.

       આ સફર દરમિયાન કેટલીક માન્યતા તૂટી. ખંડન-મનન-ચિંતન સતત રહ્યું.

       બી.કોમ કૉલેજમાં અમારે પ્રા. રાણપુરા સર હતાં. અને પ્રિન્સીપાલ ડૉ.વિજય સર. મેં ક્યાંરેય નહતું વિચાર્યુ કે મને ભવિષ્યમાં તેમની સમકક્ષ કોઈ અધ્યાપક પ્રાફેસર હશે. મળવાની વાત બહું દૂર હતી. પણ ડૉ. યશંવત હિરાણી અને પ્રો. તુષાર ચંદારાણાએ જ્ઞાનની ભૂખ હોય, શિક્ષણ સિવાયની મુંઝવણ હોય કે સામાજીક-આર્થિક સમસ્યા એ બંધુત્વની ભાવનાથી ઊકેલી છે. અમારી વચ્ચે ક્યાંરેય ગુરુ-શિષ્યપણું આવ્યું જ નહીં કારણ કે, તેઓ એ અમને પોતાનાં સ્ટુડન્ટનહીં સનસમજ્યાં. પાછળથી એક વિજીંટીંગ લેક્ચરર દર્શના દોમાડીયાનો સમાવેશ આ કક્ષામાં થયો. હું અને દર્શના દોમાડીયા છેલ્લાં ચાર વર્ષથી ફેસબૂક ફ્રેન્ડ હતાં મળ્યાં જર્નાલિઝમનાં ક્લાસરૂમમાં! અને દૂધમાં સાકર ભળે તેમ એમણે અમારાં ભરચક લાગણીસભર દિલમાં આસાનીથી પોતાની કાયમી જગ્યા જમાવી લીધી.

       આ ક્ષેત્રમાં.. ઘણાં લોકો પહેલી વાર મળ્યાં ત્યારે સમજ્યા હતાં તેવા નિકળ્યા નથી. જે લોકો વિશે જેવું સાંભળ્યુ તેવું તેમને મળ્યાં બાદ જરા પણ લાગ્યું નથી. જે લોકો પોતાનાં વિશે જેવું કહેતા તેવું તેમનાંમાં થોડાં અંશે જોવા મળ્યું નથી. કંઈક પામવા માટે લોકો નીચ બની જાય કે હલકટ થઈ જાય એ નવું તો નથી પણ કેટલાંક ઈમાન અને જાત ગીરવે મૂકી અણખામણા જરૂર બની ગયા છે. કેટલાંક ખોટાં સિક્કાઓ માટે જે નામથી માન થતું તે ઊતરી ગયું છે. ખરાબી અને ખાનાબદોશીની આ દલદલમાં પણ અમૂક કમળ છે.

       એ કમળમાં એક મહેકતું ફૂલ એટલે જ્વલંત છાયા. સિનેમા-ફિલ્મો મોટાંભાગે મારાં રસનો વિષય નહીં પણ હા, સાહિત્ય અને એ સિવાય ફોટોગ્રાફી ખરો એટલે હું જ્વલંત છાયા જોડે જોડાઈ તેમને પત્રકારત્વમાં રોલ મોડેલ ગણાવી શકું. જ્વલંત છાયા એકલે હાથે છાપું પણ ચલાવી શકે તેમ છે. કેમ કે, લેખક, પત્રકાર અને ફોટોગ્રાફર જેવાં કેટકેટલાંય વિષયમાં તેમની માસ્ટરી. એ માણસ પાસે અઢળક જ્ઞાન છે પણ એના જ્ઞાનને પચાવી કે મૂલવી શકે તેવા બહું ઓછા ઝવેરી. આથી જ્વલંતના શિખરની ટોચ પર કમનસીબીના વાદળા બાઝી ચૂક્યાં છે કે લોકોને આંખે પાટા એ તપાસવું પડશે..

એક બીજા પત્રકારત્વ ક્ષેત્રના દોસ્ત જે ફેસબૂકથી બન્યાં એ શીરીસ કાશીકર. પત્રકારત્વમાં પ્રવેશતા નવલોહીયા રિપોટરને કેમ પાપાપગલી કરવી તેનાં પાઠ ભણાવતા પ્રોફેશનલ શહેરના તદ્દન માનવતા અને મિત્રતાવાદી માણસ. ખરેખર આવા કેટલાંક લોકો  નાં કારણે જ સારાઈ ક્યાંક બચી છે બાકી દેશની ત્રણ જાગીરની જેમ આ ચોથી જાગીર પણ સંપૂર્ણ ભ્રષ્ટ થઈ ગઈ હોતી.

આમ ને આમ..

બે વર્ષ વિતી ગયા!

હજૂ જાણે ગઈકાલની જ વાત હોય એમ હું શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના ઊંબરે ચડી ઓફિસમાં દાખલ થયો હોય. કર્મચારી રાજુ ભાઈ અને આરતી મેડમ પાસે ફોર્મ ભર્યુ હોય અને એડમિશન માટે ઈન્ટરવ્યુ આપી આવ્યો હોઉં અને આજ મારો આખરી દિવસ આ ભવનમાં.. કેટલાંક સ્મરણો વાગોળવા? અમેરિકાથી શરૂઆતમાં આવી અમને યલ્લો જર્નાલિઝમ ભણાવનાર ડો.દિવ્યેશ રાયઠઠ્ઠા સરની વાત કરવી? અમને જાહેરખબર અને રેડિયોની સમજ આપનાર જ્હાનવી મેમ કે પછી પન્ના મેડમ! પીઢ નલિલી ઉપાધ્યાય મેમ કે થોડાં દિવસો પહેલાં જ ક્લાસરૂમમાં આવનાર હમઉમ્ર ભૂમીકા ઉપાધ્યાય અને અભિમન્યુ મોદી સાહેબની.. લાંબી ગાથા છે.

આ બધાં વચ્ચે લખવું, વાંચવું.. અને વિચારવું. વ્યવહાર સાચવવાના હોય અને વધેલા વ્યવહારને નિભાવવાના પણ હોય જ! સારા-નરસા પ્રસંગો આવે. ફેસબૂક અને વોટ્સઅપ વિતતો સમય અને હા ખાસ તો.. અજાણી વ્યક્તિનું જીવનમાં પ્રવેશી જીવનને સુમધુર કરી દેવાનું કૌશલ્ય. ખાસ કરીને મારી સ્ત્રી મિત્રો જે મારી સાચી સખા, ભાત્રા કે જે કાઈ કહો એ બની શકી. બીજાનાં સુખે સુખી થવું અને બીજાના દુખે દુખી થવું એ જ સંબંધ કે સમપર્ણ નથી. સંબંધમાં પહેલાં બીજા હોતા નથી એટલે એક સમજી આપણાંમાં એકાકાર થનાર સન્નારીઓ પણ પડદા પાછળ અહમ ભાગ ભજવી રહી છે. યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ દરમિયાન આ બે વર્ષમાં બીજા ભવનોની અંદર પણ ઘણાં મિત્રો બન્યાં જ.. ખુદનાં જર્ના. ડિપાર્ટમેન્ટમાંથી પણ એટલાં અઢળક મિત્રો બન્યાં. ઘણાનાં નામ છૂટી ગયાં છે આ લખતા-લખતા.. ફિર કભી..

અને હવે? પત્રકારત્વનું ભણતર ખત્મ થઈ ગયું છે. ઘણાંનું કહેવું છે હું આ ફિલ્ડમાં ચાલુ નહીં કેમ કે પત્રકારત્વ અને સાહિત્ય બંને અલગ છે.

બધાંની જેમ મારે મારૂ શ્રેષ્ઠ આપવાનું છે. મહેનતનો પણ એક વિકલ્પ છે અતિ મહેનત પુરુષાર્થનું પરિણામ સંતોષી હોય છે.

પણ હા, સિદ્ધાંત અને આદર્શ જીવનપથ પર મુખ્ય છે.

કિસી કે ભી હાથ બીક જાને કો તૈયાર નહીં,

યહ મેરા દિલ હૈ, તેરે શહેર કા અખબાર નહીં.

અપૂર્ણમ..

પત્રકારત્વ ભવનમાં હું જે ક્લાસરુમ પાર્ટ – ૪માં અભ્યાસ કરતો તેની કેટલીક આંકડાકીય માહિતી..

કુલ સંખ્યા – ૧૯

પુરુષો – ૧૫

સ્ત્રી – ૪

પરણિતો સંખ્યા – ૯

અર્ધ પરણિત સગાઈ થઈ ગયેલાંઓની સંખ્યા – ૨

અપરણિત કુંવારાઓની સંખ્યા – ૮

૫૦ વર્ષથી મોટી ઉંમરના ૨ ક્લાસમેટ્સ.

૩૦ વર્ષથી મોટી ઉંમરના ૩ ક્લાસમેટ્સ.

૨૫ વર્ષથી મોટી ઉંમરના ૭ ક્લાસમેટ્સ.

૨૪ વર્ષથી મોટી ઉંમરના ક્લાસમેટ્સ ૬

મારી ઉંમર ૨૩ વર્ષ.