વર્ષ – ૨૩ ‘જંગી’સ્તાન (૨૦૧૩-૧૪)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

      રિપોર્ટર – ‘આપકે આશ્રમ મૈ યહ હો રહા હૈ, વોહ હો રહા હૈ..’

      ઓશો – ‘તો મુજે ક્યાં?’

      રિપોર્ટર – ‘લેકિન આશ્રમ તો આપકાં હૈ નાં?’

      ઓશો – ‘તો તુજે ક્યાં?

       ૨૩-૨૪ વર્ષે જ્યારે પોતાનાંઓ અને પરિચિતો અંગત સવાલો અને શંકા કરે ત્યારે આ ઓશો વાક્યો કહેવા જેવાં છે. જે લોકો બીજાની જિંદગીમાં ડોકિયા અને પારકાની પંચાતમાં ભાગ લે છે એ મારી દ્રષ્ટિએ ધૃણાપાત્ર છે. આવા ઘણા લોકો મારાં ગુસ્સાનો ભોગ અવારનવાર બવ્યાં છે. આપણે કેટલીક બાબતોમાં હજુ પણ અભણ અને આદિમ જ છીએ. બીજાં પર રોકટોક કરતાં લોકોએ એક વાર પોતાનાં આત્મા, ઘર અને પરિવારમાં નજર કરવાની જરૂર છે. મને આવા લોકો માટે માન નથી. બીજાં એક એવા લોકો છે જે અનીતિ કરે છે, ભ્રષ્ટાચારી છે, તેમને પણ મેં બક્ષ્યાં નથી. સૌ.યુનિ. પ્રકરણ પહેલા પણ મારી આસપાસના લોકો જાણતા જ કે, ભવ્ય હોય ત્યાં અસત્ય, ગોટાળો ન હોય. બધુ નિયમબદ્ધ ચાલે. મને જૂઠથી ચીડ છે, મને અન્યાય પસંદ નથી અને મારાં અને બીજાંનાં હકો માટે લડવા હું કાયમ સજાગ અને તૈયાર છું.

સૌ. યુનિ. પ્રકરણ વિશે ઘણું લખાયું, છપાયું અને ચર્ચા થઈ. જે યુનિ. બીજાંઓને પ્રમાણપત્રો આપે છે, એ યુનિ. મને માફીપત્ર આપે એમાં કોઈ મોટી વાત નથી. મેં એ પદનાં નશામાં મદ સત્તાધીશોની શાન ઠેકાણે અને માન મિટ્ટીમાં મિલાવી કઈ મોટું તીર માર્યાનું ગૌરવ થતું નથી. મને આનંદ ત્યારે થશે જ્યારે દુનિયાની કોઈ પણ જગ્યાએ સત્તાસ્થાને લાયક વ્યક્તિઓની નિમણૂક થશે. કાયદાનું પાલન અને નિયમોનું આચરણ થશે. બાકી તો ઘણા મુદ્દાઓ છે, ઘણી તકલીફો અને સમસ્યાઓ છે. એ બધાં સામે લડવા-પડવા સૌ કોઈ સક્ષમ કે કોઈ પાસે સમય નથી હોતો.

યુનિ.પ્રકરણમાં મેં નક્કી કર્યું હતું કે, હું એકલા હાથે લડીશ. મારાં કોઈ અંગત સંબંધોનો ફાયદો કે સત્તાનો લાભ ઉઠાવીશ નહીં. કેટલાંક મિત્રોએ ઘણી મદદ કરી હતી તેમ છતાં અંતે આ મારાં એકલાની બધાં માટેની લડત હતી. હજુ યુનિ. ફક્ત માફીપાત્ર જ આપી શકી છે. માફી પત્ર સિવાય પોતાની ભૂલોને માનવસહજ ક્ષતિઓ ગણાવી સ્વીકારવાના વિનંતી પત્રો લખ્યાં કરે છે. મને વિશ્વાસ છે સત્ય મોડું જીતે પણ મોળું ન પડે.

પત્રકારત્વના શિક્ષણ દરમિયાન મારાં ઘણા સપનાં પૂરાં થયા. ઘણા કીર્તિમાનો સ્થાપી શકાયા. આ દિવસોમાં મારી નવલકથા ધારાવાહિક સ્વરૂપે અખબારમાં આવતી હતી. પછી એ જ નવલકથા મેં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાનું વિચાર્યું. ગુજરાતી ભાષામાં નવલકથા વેચાતી નથી, લોકો વાંચે છે પણ પુસ્તકો ખરીદતાં નથી. ફિકશનનાં લેખન-પ્રકાશનમાં પડવું જોખમી છે. છતાં મેં મારી જાતે પુસ્તક લખીને છપાવ્યું. વિમોચન થયું. પુસ્તકો ખરીદાયા. મેં કૉલમ લખવાની શરૂ કરી. હું લેખક, નવલકથાકાર બની ગયો. બીજી નવલકથા ‘…અને’ ઓફ ધી રેકર્ડ લખવાનું શરૂ કર્યું. જે માતૃભારતી પર છપાઈ. જબરદસ્ત લોકપ્રતિસાદ મળ્યો. વાંચકોનો બેસુમાર પ્રેમ અને અવનવાં દોસ્તો મળ્યાં.

પત્રકારત્વની અને ઓછેવધતે અંશે સાહિત્યની દુનિયાથી સ્વભાવગત રીતે હું ક્યાંક ખુશ ન હતો. મેં માણસોને વેંચાતા, બદલાતા, પૈસાની ખનક અને ખુરશીની ચમક પાસે કઈ પણ કરી નાખતા જોયા હતાં. ઈમાન અને સ્વમાનને ગળી જનારા, પોતાની જ મહત્તામાં ચકનાચૂર થઈ ગયેલાં અને શોષણ કરનારાઓની એક આખી જમાતથી હું હતપ્રત થઈ ઊઠ્યો. લોકો એકબીજાંથી ઈર્ષામાં બળતા, એકબીજાંની ખેંચાખેચી અને ઉતારી પાડવાના અવસરો જોતાં. આં બધાંમાંથી કોઈ જ બાકાત ન હતું. હું જેને રોલમોડલ ગણાતો કે જેને રોડસાઇડ રોમિયો સમજતો.. બધાં એટલે બધાં જ એક હમામમાં નાગા થઈ કૂદી પડેલા હતાં. મેં એ લોકો સાથેનાં વ્યવહારો પર પૂર્ણવિરામ મૂક્યું. ડૉક્ટરો, પોલીસો, નેતાઓને એક શપથ લેવડાવવામાં આવે છે, એનો ભાવાર્થ એવો રહે છે કે, એ ક્યારેય અનીતિ નહીં આચરે અને ખાસ તો પોતાની શક્તિ અને જ્ઞાનનો દુરુપયોગ નહીં કરે. લેખક-કવિ-પત્રકારોને પણ આવી એક નૈતિક શપથ લેવડાવી જોઈએ અને જો તે તેને તોડે તો કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. કવિતા શીખવાડવાનાં નામ પર અડપલાં કરી લેનારાં અને નોકરી અપાવી છોકરીને વાપરી લેનારાંઓને નર્કમાંમાં પણ સ્થાન ન મળે એવી ઈશ્વરને પ્રાર્થના. કાલિદાસને વરદાઈનીએ શ્રાપ આપ્યો હતો, મૂર્ખની મૌત મરીશ પંડિત તું.. હું શ્રાપ તો ન આપી શકું, ઈશ્વરને પ્રાર્થના જરૂર કરું છું.

આ બધાં દરમિયાન એમ.ફિલ.નાં અભ્યાસક્રમમાં મને પત્રકારત્વભવનની ક્રિકેટ ટિમમાંથી રમવાનો અવસર મળ્યો. મારે ક્રિકેટર બનવું હતું ના બની શકાયું પણ હા, સૌ.યુનિ. ક્રિકેટ ટિમમાં રણજી રમતાં ખેલાડીઓ સાથે રમવા મળવું એ ઈન્ટરનેશનલ મેચ રમવાના રોમાંચથી ઓછું ન હતું. ખાસ તો મારાં કેપ્ટન ભરતે મારી પર વિશ્વાસ રાખી મને રમાડ્યો. એ વાતનો પણ બહોળો આનંદ થયો. અમે જાજરમાન જીત્યાં અને જોરદાર હાર્યા પણ. ઘણો સમય પસાર થઈ ગયો હતો.. થતો જતો હતો.. થઈ ગયો..

હવે મારે લાંબા વાળ ન હતાં. મેં ધીમે-ધીમે વાળ ટૂંકા કરાવી નાખ્યાં. આંચ્છી દાઢી અને મૂંછો રાખવાની શરૂઆત કરી. જે જોઈ ઘણાને આશ્ચર્ય અને નવાઈ થતું પણ મારાં માટે એ નવું ન હતું. હું અમથો પણ અમૂક-અમૂક સમયે મારો દેખાવ બદલતો જ આવ્યો છું. મારાં ચશ્માંની ફ્રેમ, કપડાંની બ્રાન્ડ કે પરફ્યુમની સ્મેલ ક્યારેય એક સમાન રહી નહીં. દાઢી-મૂંછથી મારાં વ્યક્તિત્વમાં થોડા ફેરફાર આવ્યા તે નકારી પણ શકાય તેમ નથી. ઘણી જગ્યાઓ અને સભાઓમાં એ ચર્ચાનો વિષય રહ્યું. સવાલો થયા, મેં મારી ભાષા-મિજાજ મુજબ જવાબ આપ્યાં. મારાં જવાબો અને દલીલોથી ઘાયલ થઈ જનારાની સંખ્યા આજે આકાશનાં તારા જેટલી ગણી ગણાય નહીં ને વીણી વીણાય નહીં એટલી છે. મારાં શુભચિંતકો કરતાં શુભઆલોચકો વધુ છે. દુશ્મની અને હરીફાઈ મને ક્યારેય નડી નથી. હું એ ચક્કરમાં પડ્યો નથી. મારી પાસે જીવનમાં ઘણું કરવા સમય નથી.

       અને જીવનમાં એક સમય આવે છે જ્યારે આપણે મોલ્સમાં જઈ શૂઝની પેટન કે કંપની પેલા પ્રાઇસ ટેગ જોઈ છીએ. અને એક એ સમય આવે છે જ્યારે પહેલી નજરે ગમી જતાં શૂઝ સાઇઝ કે પ્રાઇસ પૂછ્યા વિના ખરીદી લઈએ છીએ. હું એ કક્ષાએ પહોચી શકવામાં સફળ થઈ ચૂક્યો હતો જ્યાંથી ઈચ્છું એ ખરીદી શકું. મનોરંજન, શોખ અને આદત પાળી શકું. લાઇક રીચ મેન.. હું બધાં વચ્ચે રહી બધાંથી અલગ બની-જીવી શક્યો. ક્યારેક એવું થાય છે કે, મારે મારાં જીવનનાં પચ્ચીસ વર્ષો વિશે જો હકીકતમાં લખવું જ હોય તો બીજાં પચ્ચીસ વર્ષ જોઈએ. ક્યારેક એમ થાય છે એ આ પચ્ચીસ વર્ષનો સરવાળો હોય કે બદબાકીઓ હોય બધાંનો એક શબ્દમાં જવાબ આવી જાય – ‘ભવ્ય’

       આ પચ્ચીસ વર્ષોની વાતોની સફર દરમિયાન કેટલાંક વર્ષોની વાતો ક્યાંક એકસાથે કરી લીધી છે, ક્યાંક કેટલીક વાતો અધૂરી તો ક્યાંક ઘણું લખવાનું-કહેવાનું સમય અને શબ્દોની મર્યાદાનાં કારણે છૂટી ગયું છું. મને એમ થાય છે કે, હજુ તો આં મેં શરૂઆત કરી. હજુ બીજાં પચ્ચીસ દિવસો વધુ –બધુ ને ઘણું લખી નાખું. પણ ના. આ મારી આત્મકથા ન હતી. આ તો ફક્ત કેટલાંક સ્મરણો વાગોળ્યા. મોટાં ભાગના ઘટના-પ્રસંગો છૂટી ગયા છે, મેં જાણી-બુજી લખ્યાં નથી. બસ ચપટીભર ગમતી-અણગમતી મેમરિ શેઅર કરી. હવે બે વર્ષ બાકી છે, તેમાં માત્ર ને ફક્ત ફિલોસોફી અને વિચારો… ગેટ રેડી…