વર્ષ – ૨૪ શબ્દાર્થતી (૨૦૧૪-૧૫)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       ઉત્પત્સ્યતે મમ તુ કોડ્પિ સમાનધર્મા કાલેબ્દનિખધિવિપુલા ચ પૃથ્વી

       એટલે કે, કોઈક દિવસ મારો સમાનધર્મી ઉત્પન્ન થશે અને મારી રચનાનોનાં રહસ્યોને સમજશે. કારણ કે, સમયનો અંત નથી અને પૃથ્વી વિપુલ છે.

       જિંદગી – મને જીવાતા જીવન કરતાં મૃત્યુ પછીનું જીવન જીવવાની વધુ રસપ્રદતા, તાલાવેલી અને ઉતાવળ છે. હું જીવીશ કે મરીશ કશો ફર્ક નહીં પડે. લેખકનાં નામની આગળ સ્વ. લખાતું કે લાગતું નથી.

       મેં ક્યારેય નોકરી માટે રિસ્યૂમ કે છોકરી માટે બાયોડેટા બનાવ્યો નથી, બનાવીશ પણ નહીં.

       ઈનામો જીતનાર લોકપ્રિય સાહિત્ય, પુસ્તકો અને પિક્ચરો મેં ક્યારેય વધુ વાંચ્યા કે જોયા નથી. તેમનાં વિશે ક્યાંક વાંચ્યું હોય તો પણ એ મને આકર્ષી શક્યા નથી.

       મને તરતા આવડતું નથી. હું પાણી, ઊંચાઈ અને છીછરા માણસોથી દૂર રહું છું.

       ચિકન, બીફ, મટન, માછલી અને હેમ મેં ક્યારેય ચાખ્યા નથી. તેમનાં વિશે ચર્ચાઑ ઘણી કરી છે. હું નોનવેજની અને મદીરાપાનની તરફેણ કરું છું. શ્રુષ્ટિની તમામ ચીજોનો ભોગ ભગવાનના ઘર જતાં પહેલા કરી લેવો. પ્રભુએ જે ચીજોનું સર્જન કર્યું છે એ ચીજો માણવા માટે છે, જે ચીજોનો ઉપયોગ કે લાભ ન કરવો જોઈએ એ ચીજોનું એણે સર્જન જ કર્યું નથી.

       મૃત્યુ – મૃત્યુ આત્માનું સ્થળાંતર છે. જીવનમાં કશું નિશ્ચિત નથી હોતું, નિર્મિત હોય છે. આ જિંદગી એ અહમથી પરમની ગતિયાત્રા છે. જ્યાં સ્વને પામીને સ્વયંમને સમર્પિત કરી દેવાનું છે. મૃત્યુનો ભય નહીં યશ હોવો જોઈએ. એ એકમાંથી ઓમકાર થઈ જવાની પ્રક્રિયા છે. મૃત્યુ હુંને સ્વ બનવે છે.

       શાસ્ત્ર – ગીતા એ શ્રુતિ અને સ્મૃતિની ચરમસીમા છે, એ કોમ્યુનિકેશનનું ક્લાઈમેક્સ છે. રામાયણ અને મહાભારત એ ભારતીય સંકૃતિની આધારશીલા અને ગીતા એ તેનો પ્રાણ અને મૂળ છે.

       શાસ્ત્ર એ અહિંસકોનું શસ્ત્ર છે.

       અસ્તિત્વ – સ્વાદ, સ્પર્શ, સંભોગ અસ્તિત્વો માટે અનિવાર્ય છે.

       મેં જીવનમાં બીજાઓએ બનાવેલા ઘણા કાયદા, કાનૂન અને નિયમો તોડ્યા છે, પણ ખુદ રચેલા સિદ્ધાંત અને આદર્શમાં ક્યારેય બાંધછોડ કર્યો નથી.

       માણસનું અસ્તિત્વ અમર બનતા અટકાવી ઈશ્વર મહાન બની ગયો.

       માણસનાં સંસ્કાર લડાઈ, શત્રુતા અને એકલતામાં છતાં થઈ જાય છે.

       મોટાં માણસો મમત્વમાં અને નાનાં માણસો પોતાનાં મહત્વથી જાણકાર હોતા નથી. સારું છે બધાં માટે.

       પંચતંત્રમાં કહ્યું છે કે, બહુ ઉધરસ આવે એણે ચોરી અને બહુ ઊંઘ આવે એણે બીજી સ્ત્રી સાથે ભોગ કરવા ન જવું. – કાસયુક્તસ્ત્ય જૈચ્ચૌર્ય નિદ્રાલુશ્વેત્સ પુંચશ્ચલીમ…

       સ્ત્રી-પુરુષ – શનિવારની સાંજ અને રવિવારની સવાર જે પતિ ઘરમાં પોતાની પત્ની, બાળકો કે પરિવાર માટે ખર્ચતો નથી એ મારી દ્રષ્ટિએ નિષ્ફળ પુરુષ છે. સ્ત્રી-પુરુષનું મિથ્યાભિમાન ખબર છે શેની વચ્ચે ઉછરે છે? સુંદરતા અને બુદ્ધિ.

       દાસીથી રાણી બનવાના સ્ત્રીનાં સામાજિક દરજ્જાની સફરમાં સ્ત્રી હજુ ત્યાં જ છે જ્યાં પહેલા હતી. બદલાયેલા સ્થાન અને સમયે સ્ત્રીને અન્યાય કે અપમાન ઓછું અને સ્વમાન વધારી આપ્યું હોય એવું મને લાગતું નથી.

       પુરુષ મને હંમેશાં ઈશ્વર જેવો લાગ્યો છે. જેનાં ઈશ્વરની જેમ ભક્ત કે પદ કે શાસન નથી છતાં ઈશ્વરે જે વેઠવું પડે છે એ એનકેન પ્રકારે પુરુષે ભોવાવવું પડે છે.

       મને ક્યારેક સવાલ થાય છે કે, માતા-પિતા વગરનાં બાળકો અનાથ કહેવાય. જે માતા-પિતાની હયાતિમાં તેમના સંતાનો મારી જાય તેને શું કહેવાય?

       અર્થકારણ – વ્યવસાય અને વ્યવહાર હંમેશાં વિકસાવતા રહેવા એવું મારું માનવું છે.

       પૈસા માણસને બદનામ, ગુનેગાર, અભણ અને વૃદ્ધ થતાં રોકે છે, પૈસો થોડાં અંશે મૌતને પણ પાછળ ધકેલે છે. અને અંતે આપણો પૈસો કોઈ બીજાનો બની જાય છે.

       પૈસા ગૌણ છે, છતાં એના અનેક ગુણ છે. દુર્ગુણનો જન્મદાતા એ જ છે.

       ધર્મ અને વિજ્ઞાન – ધર્મ અને વિજ્ઞાન વચ્ચે અંતર છે, શ્રદ્ધા અને તર્ક એ દૂરી ઘટાડી શકે. ઈશ્વરે જેઓને બુદ્ધિશાળી બનાવ્યાં એમને ઈશ્વર પર જ શંકા કરી, નાસ્તિક બનાવ્યાં. પોતે જ્ઞાની હોવાની સાબિતીરૂપે માનાવે જ્ઞાનદાતા પર પ્રહાર કર્યા.

       ગાલિબ, કબીર કે રજનીશની જેમ ઈશ્વરનાં અસ્તિત્વનો સ્વીકાર-અસ્વીકાર કરતાં પહેલા તેને એક વાર સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરી જુઓ.

       વિજ્ઞાનમાં ધર્મ સમાયેલો અને ધર્મમાં વિજ્ઞાન ભળેલું છે.

       સુખ-દુ:ખ – નિષ્ફળ પ્રેમી અને કવિ કરતાં પણ ગરીબ અને દેવદાર વધુ દુ:ખી હોય છે.

       સુખ જોવું હોય તો નવી વહુ લઈ આવો.

       બાળક અને નવી સ્ત્રી જીવનમાં સુખ-દુ:ખનું કારણ બની રહે છે.

       પ્રેમ – પ્રથમ પ્રેમની ભાવના બીજી વારનાં પ્રેમમાં અનુભવી શકાતી નથી, અને પહેલી ને બીજી વારનાં પ્રેમની ભાવના ત્રીજી વારનાં પ્રેમમાં અનુભવાતી નથી. પ્રેમ સતત થયા કરે છે, ભાવના અને અનુભવ બદલ્યાં કરે છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે પ્રેમ નાશ પામે એ હું માનતો નથી. પ્રેમ એ પડાવ કે મંજિલ નહીં દિશા છે. અનંત દિશા.

       સંબંધો – બંધન, અધિકાર, જવાબદારી કે ભવિષ્ય વિનાનો સંબંધ ભાર વિનાનો વજન ઊભો કરે, જેમાં સીમા ન હોવા છતાં મર્યાદા આવી જાય છે. એ બૂમરેંગની રમત જેવાં છે.

       સંબંધોમાં અતિરેક અને અછતનો અનુભવ જ પૂર્ણતા તરફ દોરી જાય છે. અગણિતને પામવા બધી ગણતરી ત્યજવી પડે.

       ઋતુઓ – દરેક માણસે જીવનમાં ક્યારેકને ક્યારેક હોટેલ, હોસ્પિટલ, અને હોસ્ટેલમાં એક રાત પસાર કરવી જોઈએ. રાત અને દિવસ વચ્ચેનો ફર્ક અને ઋતુઓ નજીકથી સમજાઈ જશે.

       ઈશ્વરે ઋતુ અને સ્ત્રીનું સર્જન કરી ખુદની મહાનતા સાબિત કરી છે. ઋતુ અને સ્ત્રી પર જગતનાં તમામ જીવ નિર્ભર છે. તેમનાં સર્જન બાદ ખુદ શ્રુષ્ટિનો રચયિતા તેમને આધીન થઈ ગયેલો.

       રાજકારણ – રાજનીતિમાં નીતિ આચરવી મુશ્કેલ છે.

       ભારત સાંપ્રદાયિક હિંદુરાષ્ટ્ર બનશે ત્યારે મારાં આત્માને મોક્ષ મળશે.

       સેક્યુલારીસમ એ દેશ પર જામેલી ઊધઈ છે.

       ખેલ – રમત એ રાજકારણનો જ એક ભાગ છે. રાજનીતિમાં નિયમો હોતા નથી. રમતમાં હોય છે. ઉપરાંત રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ નામની વસ્તુ હોય છે. જે દરેક રમતવીરને જેન્ટલમેન બનાવી જાય છે.

       અંત – લખનાર અને બોલનારે બધુ લખી-બોલી લીધા પછી પણ હજુ શેના-શેના વિશે કેટલાં-કેટલાં વિચારો દર્શાવું? એ અસમંજસ અને અધૂરપ રહે છે.

       સમય અને શબ્દ મર્યાદા.. શબ્દ અને સમયનું નિર્માણ મનુષ્યને હદમાં રાખવા થયું લાગે છે. એ માણસને અંત તરફ દોરી જાય છે. અપૂર્ણમ-પૂર્ણમ અને પછી સંપૂર્ણમ. ૐ