વર્ષ – ૨૫ આત્માનો અરીસો A mirror of the soul (૨૦૧૫-૧૬)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 4.67 out of 5)
Loading...

       આ વાંચી રહેલાં મારાં મિત્રો, માર્ગદર્શકો, સગાં-સ્નેહી, વાંચકો, હરીફો, ચાહકો, આદર્શો અને સલાહકારોને નમસ્કાર. જે મને ગમે છે તેઓને અને હું જેમને નથી ગમતો તેઓને, મને જાણતા અને અજાણતા તમામ જીવોને નમો નમ:

       નમો નમ: સ્તેનાનાં પતયે નમો નમ:

       નમ: પુંજિષ્ઠેભ્યો નમો નિષાદે ભ્ય:

       બ્રહ્મ દાશા બ્રહ્મૈવેમે કિતવા:

       અર્થાત પેલા ડાકુઓના સરદારને નમસ્કાર, પેલા કૂરોને, પેલા હિંસકોને નમસ્કાર.

       આ ચોર, આ દુષ્ટ, આ ઠગ બધાંયે બ્રહ્મ છે. સૌને નમસ્કાર.

       સૌ પ્રથમ તો પચ્ચીસ દિવસ સુધી મને રોજ સવારે એકડે એકથી શરૂ કરી આજ સુધી જીવનના એક-એક વર્ષોને લખવાની શક્તિ, પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર સૌનો આભાર. આ જીવનલેખન યાત્રા દરમિયાન કોઈને મારાં વિચારો કે લેખનથી અણગમો ઉપજ્યો હોય તો માફી. ઘણા લોકો વિશે લખવું હતું. બધાં વિશે લખી શકાયું નથી, સમય અને શબ્દ મર્યાદાનાં કારણે ઘણા મિત્રોનાં નામ, પ્રસંગ અને અઢળક કિસ્સાઓ ઘણી જગ્યાએ લખવાના રહી ગયા છે. જે મારી ખામી અને ઉણપ ભવિષ્યમાં સુધારી લઈશ. હું આ લેખન જીવનયાત્રાને ‘આત્મકથા’ જેવાં શબ્દોથી નહીં સંબોધુ. આત્મકથા લખવી કઠિન છે. જીવનકથા આ ઉંમરે લખી લેવી મને યોગ્ય લાગતી નથી. આ તો ફક્ત આત્માનો અરીસો હતો. એ મિરર ઑફ ધી સૌલ. અરીસા સામે ઊભા રહીએ એટલે જેટલું બતાવો એટલું સામે જોઈ શકો. હું અરીસા સામે ઊભો હતો. ઈચ્છું એટલું દર્શાવ્યું. બસ..

       જીવનના પચ્ચીસ વર્ષોના પડાવ પર જ્યારે લખવાનું શરૂ કર્યું હતું ત્યારે ઘણા વિચાર, અઢળક સવાલ હતાં. જેમ-જેમ લખાતું ગયું તેમ-તેમ વાંચક-મિત્રોમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાયા. ક્યાંક આ તેઓની જ કહાની હોય તેવું તેમને લાગ્યું, ક્યાંક કોઈ વાત કેટલાંકને ન ગમી તો ક્યાંક કોઈની વાત કરવાનું રહી ગયું એ અમૂકને ન ગમ્યું. જે બદલ હું દિલગીર છું. મને સૌથી વધુ એ ગમ્યું કે, સતત પચ્ચીસ દિવસ સુધી રોજેરોજ ઘણા બધાં મિત્રો મને વાંચકો મારી જોડે જીવ્યા. અને આપણે જોડે જીવ્યા એથી વિશેષ શું હોય? મને વાંચતાં-વાંચતાં દોસ્તોએ મેસેજીસ-ફૉન કોલ્સમાં કે રૂબરૂ મળીને એમનાં બાળપણ અને જવાનીની વાતો કરી. કૉલેજ અને સ્કૂલનાં દિવસોની દાસ્તાન જણાવી. મને મારાં વિશે જણાવતા-જણાવતા તમારાં પાસેથી પણ ઘણું જાણવા મળ્યું. આનંદ છે.

       આ લેખનપ્રસંગે પૂછાયેલા ઘણા સવાલમાંથી એક સૌથી વધુ પૂછાયેલા સવાલનો જવાબ આપુ.

       સવાલ – આ લખવાનું કારણ શું?

       જવાબ – ‘એકડે એક’ એવું પુસ્તક કરવું જેમાં મારાં અને મારાં પરિચિતોની વાત હોય. અમારાં એકબીજાં સાથેનાં સારાં-નરસા સંસ્મરણો હોય. એમાં પ્રસંગોની પંચાત અને ઘટનાઓનો પંચ છે. એમાં અકસ્માતોનો અવસાદ અને અનુભવોનો નિચોડ હોય.

       જિંદગી કેટલી છે? કોને ખબર? આજે અમે બંને છીએ. કાલ બેમાંથી એક નહીં હોય. એક દિવસ બંને નહીં હોય. ત્યારે આ શબ્દો અને સંસ્મરણો જીવશે. જેમાં વીસમી સદીનાં અંત અને એકવીસવી સદીનાં આરંભનાં દસકોની વાત હશે. જેમાંથી આજનાં સમયનાં અમારાં સંબંધો અને સમાજની સોડમ હશે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનાં પુસ્તકો બન્યાં નથી પણ થવા જોઈએ એની શરૂઆત હશે. સાહિત્ય, ફેસબૂક, વોટ્અપ, પ્રવાસ, મેળાવડા-મુલાકાતો જેવાં વિષયોનો રસાથાળ હશે. પણ આ બધુ શું કામ?

       કોઈ કેમરામેન હોય તો સ્મૃતિને ફોટોમાં કેદ કરી લે, ચિત્રકાર હોય તો એને કેનવાસ પર ઉતારી લે. ક્રિકેટરો ઘણી વખત યાદગાર મેચનો બૉલ અથવા બેટ કે કઈ પણ સાચવી રાખે. મારે આ પચ્ચીસ વર્ષોનાં મારાં અને મારી આસપાસની વ્યક્તિઓનાં અરસપરસનાં સ્મરણોને શબ્દોથી શણગારવા હતાં. બે પૂઠ્ઠા વચ્ચે જીવનનાં પચ્ચીસ વર્ષોની શક્ય એટલી સત્યતા અને સાહજિકતાને મઢવી હતી. હું એમાં કેટલો સફળ થયો છું એ તો તમે આગળ બીજાં બધાંનાં લેખો ‘એકડે એક’ પુસ્તકમાં વાંચશો ત્યારે જાણશો.

       શૂન્યથી સર્જન શરૂ થાય છે ને શૂન્યમાં ભળી જાય છે. આ શૂન્યથી શૂન્યની સફર વચ્ચે ‘એક’ છે. અને એ ‘એક’ એટલે ‘હું’ બે ‘હું’ જોડાઈ ‘તું’ અથવા ‘તમે’ બને છે અને બધાંનો સરવાળો એટલે ‘આપણે’ ફરી આગળ કહ્યું તેમ ‘તું’, ‘તમે’, ‘આપણે’માંથી કોઈ ખરી જશે. મટી અથવા મરી જશે. ‘એક’ રહી જશે. અક્ષર. શબ્દો જીવશે. આ આખી યાત્રામાં ‘એક’ બહુ મહત્વનો છે. એ ‘એક’થી ‘બધાં’ની વાત એટલે ‘એકડે એક’ પુસ્તક.

       ‘એકડે એક’ પુસ્તકમાં પચાસ જેટલા અંગત વ્યક્તિઓએ મારાં માટે લખ્યું છે એની વાત છે. એ વ્યક્તિઓ એટલે જેને મેં કંઈક બનતા અને જેમણે મને કંઈક કરતાં જોયો છે. અમે જોડે હસ્યાં-ફર્યા-રડ્યા કે વિખૂટાં થઈ ફરી મળ્યાંની વાત છે. અફસોસ છે, આનંદ છે. કોઈ રોષ તો કોઈ શોક વ્યક્ત કરે છે. ઘણું બધુ છે. એ કોઈ લેખકો લખેલું નથી. લેખક છે તેવાં અને મારાથી સારાં સ્થાને ઊચું લખી શકતા સ્નેહીઓએ પણ શબ્દરમત બાજુ પર મૂકી પંડિતાઈ દર્શાવવાને બદલે પ્રેમ જતાવ્યો છે. ઉપરાંત પુસ્તકમાં મારાં વિચારો અને રચનાઓ છે.

       આ લખવાનું કારણ શું? આ સવાલ મને ખુદને પણ થયો હતો. જ્યારે આ બધુ થતું હતું, લખાતું હતું ત્યારે મને પણ વિચાર આવ્યો કે, આ બધુ શું કામ? હું તમારાંમાનો જ એક છું. ખાસ નથી, વિશિષ્ટ નથી. હજુ ઘણું જોવાનું અને લાંબુ જીવવાનું છે. મારી અતીતની સ્મૃતિ અદૃતીય નથી. તો પછી શું કામ? છતાં મેં લખ્યું. બધાં માટે નહીં, મારાં માટે પણ નહીં. અમૂક એ વ્યક્તિઓ માટે જે કાયમ મને અને મારાં વિશે જાણવા માગતા હતાં. આ લખીને એ અમૂક વ્યક્તિઓને હું અંગત ઈમેઈલ પણ કરી શકતો હતો પણ મેં એ ફેસબૂક પર જ લખ્યું, જે પુસ્તકમાં પણ આવશે. લોકો શું વિચારશે, કહેશે, બોલશે એ બધી સંભાવનાને નજરઅંદાજ કર્યો છે. મારી પાસે જે કલા-આવડત હતી તેનો ઉપયોગ પોતાનાં અને પોતાનાઓ માટે કર્યો છે. આમ તો કોઈની લાયકાત વિવેચનની નથી છતાં મને મારી દ્રષ્ટિએ નકારાત્મક અને નિષ્ફળ લાગતાં લોકો માટે એક વાર્તા દ્વારા એટલું જ કહેવું છે કે,

       આપણે પસાર થતાં હોઈએ અને એક વ્યક્તિને જોઈ પૂછીએ, ‘શું કરે છે?’ પેલો વ્યક્તિ ચિડાઈને કહે, ‘જોતો નથી પથ્થરા તોડું છું.’ એની બાજુમાં તેનાં જેવુ જ એક કામ કરતાં બીજા વ્યક્તિને પૂછ્યું, ‘શું કરે છે ભાઈ?’ એ કહે, ‘રોજીરોટી કમાવ છું.’ આગળ ત્રીજા વ્યક્તિને પૂછ્યું, ‘કેમ ભાઈ શું કરે છે?’ તેણે કહ્યું, ‘ભગવાનનું મંદિર બનાવવાનું પુણ્યશાળી કામ કરું છું.’ બસ… કોઈને પચ્ચીસ વર્ષની લેખનયાત્રા પબ્લિસિટી, માર્કેટિંગ લાગશે. કોઈને ટાઇમપાસ. કોઈને આત્મશ્લાઘા, કોઈને મોટાઈ-બડાઈ. મારાં માટે તો ફક્ત એ શબ્દ-સાહિત્યની સાધના છે. મારાં મનની ઉર્મિ, લાગણી અને મગજની વૃત્તિ-પ્રવૃત્તિની ઊપજ છે. તમે તેને વ્યક્તિગત સમજશક્તિ, આંતરિક ભાવ કે મારાં વિષયક રાખેલી લઘુતાગ્રંથી, મતલબો અને માન્યતાથી અંગત-જાહેર લઈ-સમજી શકો છો.

       અને હવે અંતે.. પચ્ચીસ વર્ષ પૂરાં. જાણે હજુ ગઈ કાલની જ વાત હોય એવું કહેવું ગમશે નહીં. કારણ કે, પચ્ચીસ વર્ષમાંના ઘણા વર્ષો, કેટલાંક મહિનાઓ અને જૂજ દિવસો બહુ લાંબા રહ્યાનો ખ્યાલ છે. ઘણી વાર સરળ કઈ હતું નહીં, મુશ્કેલને આસાન કરી બતાવવાનાં પ્રયત્નો કર્યા છે. હું જે કઈ હતો, છું કે બનીશ તેમાં પણ મારાં એકની મહેનત હતી નહીં કે રહશે નહીં. બાળપણમાં ઘર, સ્કૂલ કે શેરી હોય, કિશોરાવસ્થા અને જુવાનીની સમસ્યાઓ, જલસા અને અડચણો હોય વગેરે વગેરે બધાં જ માટે ઈશ્વરે મને સાથી અને મદદગારો આપ્યાં. છેલ્લાં બે-પાંચ વર્ષમાં મળેલાં સાથીઓ જે મારાં હમદર્દ બન્યાં. નિઉદ્દેશ ઝગડ્યા, અકારણ હસ્યાં અને ન જાણે કેટકેટલું સાથેસાથે કર્યું. હવે તો બધાંને ખબર પડી ગઈ હું લાગણીશીલ માણસ છું.

       કાલ નવી કૂંપણો ફૂંટશે, કાલ નવા ફૂલો હસી ઉઠશે. અને નવા ઘાસની નવી ફર્શ ઉપર નવાં પગલાંઓ ફરશે.

       એ મારી વચ્ચે નથી આવ્યાં, એ મારી વચ્ચે નથી આવ્યાં, હું એમની વચ્ચે કેમ આવું?

       એમની સવારો અને સાંજોનો હું એક પણ પળ કેમ મેળવું?

       હું પળ બે પળનો શાયર છું, પળ બે પળની મારી વાર્તા છે.

       બધાં જ બ્રહ્મજીવનો ભાવુકતાથી આભાર વ્યક્ત કરું છું. મેં તમારાં બધાં સાથે જીવેલી ‘ભવ્ય’યાત્રા અંગે મારી અંદરનાં જ એક અવતારનાં શબ્દમાં..

       નાન્તોડ્સ્તિ મમ દીવ્યાનાં વિભૂતિનાં પરંતપ

       એષ: તૂદેશત: પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા.

       હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી, આ તો મારી વિભૂતિઓનો વિસ્તાર સંક્ષેપમાં કહ્યો છે.

       અસ્તુ.