વર્ષ – ૨ પાપાપગલી (૧૯૯૨-૯૩)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

       ‘હું બાથટબમાં નાગો હતો.’

       ‘હું જન્મ્યો હતો એ તો સ્વાભાવિક રીતે મને યાદ નથી પણ મારી મોટી બહેન કહેતી કે, હું મારી મમ્મીનાં ગર્ભાશયમાંથી નીકળ્યો ત્યારે અવાજ કર્યો ન હતો અને મુઠ્ઠીઓ વાળેલી હતી.’

       ‘મને અજવાળામાંથી એકએક કોઈ અંધારા તરફ લઈ ગયું અને વર્ષો પછી સમજાયું એક નર્સ મને પીઠ પાછળ બાંધી ટોઈલેટમાં લઈ ગઈ હતી……… what an insult’ કેવું અપમાન?’

       આ વાક્યો જાપાનનાં મહાન ફિલ્મ નિર્માતા દિગ્દર્શક અકીરા કુરોસેવાનાં પુસ્તક ‘Something like an autobiography’ એટલે કે, ‘આત્મકથા જેવું કંઈક’નાં શરૂઆતી અંશ છે. આ વાક્યોને મારાં જીવન સાથે કોઈ સમાનતા નથી, અહીં ઉપરોક્ત વાક્યો ટાંકી હું અકીરાની જેમ જ જીવનનાં પ્રથમ દ્રશ્યનાં સ્મરણની વાતને તાજી કરવા માગું છું.

       ઈશ્વરે માણસને આરંભ અને અંતથી વંચિત રાખ્યાં છે. જીવનનાં પ્રથમ રુદનનાં આંસુ કે જીવનનાં અંતિમ હાસ્યની મજાની યાદ કે ખબર રાખી શકાતી નથી. જન્મ બાદ પીવડાવેલી ગળથૂથીનો સ્વાદ, માનાં ધાવણનો રંગ, બે ગાલ દબાવી મોઢું ખોલી એમાં નાંખેલા ટીપાંની અસર કે જીવનની પહેલી દિવાળીનો ઉજાસ, ઉતરાયણનો કલરવ, હોળીનો આનંદ, સાતમ-આઠમની ઉજાણી, નવરાત્રીની આરાધના કે પછી જીવનનાં પ્રથમ વરસાદનો અનુભવ, ગરમીનો તાપ ને શિયાળાની ટાઢકનો અહેસાસ મતલબ કે, તમામ પ્રથમ ઘટના, પ્રસંગ, ઋતુઓની મજા અને તાવ-શરદીની પીડા કે યાતના.. આ બધું જ આપણે જાણ્યું, જોયું, માણ્યું અને ભોગવ્યું છતાં યાદ નથી, છતાં એ બધાંથી આપણે અતૃપ્ત છીએ. કોઈ મોટેરા આપણાં જન્મ સાથ જોડાયેલી કઈપણ વાત કહે એ આપણે સ્વીકારી કે તરત યાદ રાખી લઈએ છીએ. ઈયરનો અંત એ પતંગિયાની શરૂઆત છે એ મુજબ હું માનું છું કે, આપણે જીવનનાં પ્રથમ એક-બે વર્ષ ઈયર જેવું જીવી લઈએ છીએ ને પછી પતંગિયુ બની સમગ્ર સૃષ્ટિમાં ઓતપ્રોત થઈ શકીએ છીએ. આપણને મુખમાં વાચા આવે ને દુધિયા દાંત અને પગ ફૂટે. ટકા પરનાં વાળ લાંબા થઈ પાથી પડે ને ચોટલી વડે. ત્રણ પૈડાંવાળી સાઈકલ ને લાકડાંનાં અવાજ કરતાં રમકડાંનો અવાજ આપણાં હા..હા..હી..હી અને હું..અઆ..હે…હા..હો…નાં અવાજમાં ભળી જાય. કેટકેટલું! કશું યાદ જ નથી છતાં ખબર છે.

       બાળક જ્યારે રડતું હોય ત્યારે તેને ઘોડિયાંમાં સુવડાવી તેને હિંચકા નાખવામાં આવે. બાળકનાં ધીમે-ધીમે રડવાનાનું શાંત થાય અને એના ઝૂલતા- ઝૂલતા સૂઈ જવાની ઘટનાનો બધાંને ખ્યાલ હોય. હિંચકો નાખનાર અને હિંચકા ખાનાર બંને ઉપરાંત આપણે સૌને આ સમજણ છે. બાળપણમાં આપણે પણ ઘોડિયાંમાં સૂઈ રાતરાતભર ઝૂલયા છીએ. હાલરડાં અને હાકલા સાંભળ્યાં છે. પરંતુ આ અનુભવ ફરી ના તો અનુભવી કે ના તો વર્ણવી શકાય. કેમ કે, એ યાદ રહેતાં નથી.

       હું જન્મ્યો ત્યારે અપંગ હતો. મારી પાસે અવાજ હતો પણ શબ્દોની સમજણ ન હતી, હું ચાલી ન હતો શકતો. હું કોઈપણ ક્રિયા આપમેળે કરવા સક્ષમ ન હતો. આ માત્ર જાણકારી છે. આ જાણકારી ઉપરાંત મને મારાં જીવનનાં શરૂઆતનાં બે વર્ષ યાદ નથી. લગભગ બીજાં વર્ષનાં અંતે હું મારાં રાજકોટનાં ઘરનાં દિવાનખાનામાં સૂતો હોઉ અને મારી આસપાસ કોઈ એક-બે ધૂંધળા ચહેરા દેખાઈ રહ્યાંનું આછેરું યાદ છે. બીજાં એક દ્રશ્યમાં હું દોડતો હોય એવું દેખાય આવે છે. પણ એ ત્રીજું વર્ષ હોય શકે. મારાં બા કહેતા, ‘નાનો હતો ત્યારે હાલતો નઈ કાઈ, દોડતો જ તો સીધો.’ તો જેનો ચહેરો, સંબંધ કે કશું જ નહીં પણ માત્ર કાને પડેલો અવાજ યાદ છે એવું કોઈ અજાણ્યું કહેતું, ‘આમ તેમ ભાખોડિયા ભરતો ને હંગીને બધું ભરી મેલતો.’ અને મને એ ગમતું નહીં.

       એવું કહેવાય કે બારે બુદ્ધિ. આ જ્ઞાન બાર વર્ષે આવે એમ યાદશક્તિનું કોઈ ચોક્કસ વર્ષ કે સમય નક્કી હોવો જોઈએ. ખૈર, હરિદ્વારથી હું રાજકોટનાં ઘરમાં આવ્યાંની એટલે કે, જન્મભૂમિથી કર્મભૂમિનાં સ્થળાંતરની વાત કહી મારાં જીવનનાં દૃતીય વર્ષને વિરમું.

       જીવનનાં પ્રથમ વર્ષ દરમિયાન મારાં સ્વાસ્થ અને શરીર માટે દરેક પ્રથમ ઋતુ જોખમી સાબિત થઈ. હરિદ્વારની ઠંડી પણ અસહ્ય. આથી હરિદ્વારથી મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનનો અમારો પાંચ સદસ્યયી પરિવાર વડોદરા જઈ વસ્યો. એક વર્ષ હરિદ્વાર અને છ મહિના જેટલા બરોડાનાં જીવન બાદ હવે હું થોડુંથોડું કાલુંધેલું બોલવા અને પછી તો દોડવા લાગ્યો હતો. ચાલતાં હું પાછળથી શિખેલો.

       બધું ઠીકઠાક ચાલી રહ્યું હશે એવું કહી શકાય પણ પહેલા મુંબઈ પછી મહેસાણા, અમદાવાદ અને હરિદ્વાર પછી બરોડા સાથે જાણે પરિવારનાં અન્નજળ ખૂટ્યાં. એક દિવસ બાનો કાગળ પપ્પા પર આવ્યો ને અમને રાજકોટ બોલાવી લીધા. હવે જે સ્થળ સાથે સંબંધ જોડાવવાનો હતો એ શહેર રાજકોટ અને ઘર ‘વસંત’ હતું. જ્યાં હું આજે પણ રહું છું.

       ઈ.સ. ૧૯૬૦નાં દસકમાં મારાં દાદાજી બાબુરાય વસંતરાય રાવલે મુંબઈનાં ઝૂહું બીચ સામેનો બંગલો અને જોગેશ્વરીનું કારખાનું વહેંચી રાજકોટમાં જમીન ખરીદી. મોરબી અને વાંકાનેરમાં ઘર બાંધ્યા. સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્રનો હિસ્સો બન્યું. થોડા સમયમાં મુંબઈ અને દાદાજી સાથેનાં સંબંધો તૂટ્યાં ને ‘વસંત’ મકાન મારાં દાદાજીની પરિવારને મળેલી છેલ્લી નિશાની અને ભેટ રહી. મારાં જન્મ પહેલાં જ દાદાજીનું દેહાંત થઈ ચૂક્યું.

       બાનાં બોલાવવાથી રાજકોટ તો અમે રહેવા આવી ગયા પણ જીવનની અસલી મજા હવે જ તો શરૂ થવાની કે પાછલાં જન્મોનાં કર્મો અને સારાં-સાચાં-ભલા-બુરાની શીખ મળવાની બાકી હતી. પરિવારનાં બાર-તેર વર્ષનાં રજળપાટ, સંઘર્ષ અને આર્થિક આવક ઓછી હોય હવે કટોકટીનો ક્રમ હતો. ભવિષ્ય ઉજળું હતું આથી સવાર પહેલાંની રાત જોવાની હતી અને એ રાતની સાબિતી, મારાં અને અમારા પરિવારની પડતીમાંથી ચડતીનું સાક્ષી બન્યું – રાજકોટ શહેર અને વસંત ઘર.