વર્ષ – ૬ પહેલું ઈલુંઈલું (૧૯૯૬-૯૭)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 5.00 out of 5)
Loading...

       પહેલાં ધોરણમાં નાપાસ થયા બાદ ફરીથી મેં પહેલું ધોરણ સંપૂર્ણ નિયમિતતા અને શિસ્તતાથી પૂરું કર્યું. પરિણામસ્વરૂપે પ્રથમ વર્ગની વાર્ષિક પરીક્ષાની અંદર સાઈઠ વિદ્યાર્થીઓમાં મારો ચોથો નંબર આવ્યો. બધાં ખુશખુશાલ થઈ ગયા. સ્કૂલનાં શિક્ષકો અને આચાર્ય પણ મારી પ્રગતિ નિહાળી આશ્ચર્યમાં હતાં. લેખિત અને મૌખિક બંને પરીક્ષામાં મારે ગણિત-ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ ગુણ હતાં. ઘરની બહાર કાલુને સ્કૂલમાં લોકો ભવ્યનાં નામથી ઓળખવા લાગ્યાં. મારો એક મિત્ર બન્યો હતો જેનું નામ નીરજ હતું. નીરજ સીધો-સાદો અને ભણવામાં નબળો હતો. તેનાં અક્ષર સારાં ન થતાં. ત્રીજા ધોરણથી એ બીજી શાળામાં જતો રહ્યો હતો. પાછળથી ખબર પડી એનું પરિવાર ભાડાંનાં મકાનમાં રહેતું. મકાન બદલે એટલે શાળા પણ બદલવી પડે. એકવાર સાંજે મમ્મીને લઈ હું તેનાં ઘર રમવા ગયેલો. નીરજનાં સ્કૂલ બદલ્યાં પછીથી તેની સાથે કોઈ સંપર્ક નથી.

       પહેલાં ધોરણની પરીક્ષા પાસ કરી લીધાં પછી મને ઘડિયાળમાં જોતાં આવડતું હતું. હું મારું નામ-સરનામું જોયા વિના લખી શકતો હતો. ગુજરાતી-અંગ્રેજી મહિના કડકડાટ આવડતાં હતાં. ઘડિયાં શીખી રહ્યો હતો. પપ્પા સાઈકલ પર દરરોજ સમયસર સ્કૂલે મૂકી જતાં અને તેડી જતાં. શાળાએથી ઘર આવી હું સીધો જમીને લેશન કરવાં બેસી જતો. મારી પાક્કી નોટમાં દર ત્રીજા-ચોથા પાનાં પર ‘ગુડ’ લખાઈને આવવા લાગ્યું. શાબાસીઓ મળતી ગઈ. ધીમે-ધીમે ઘર-પરિવાર અને શાળામાં મારી છાપ એક હોશિયાર વિદ્યાર્થી તરીકે ઊભી થઈ રહી હતી.

       હવે હું શાળાએ નિયમિત હાજરી આપતો. ક્યારેય ચાલુ ક્લાસે ટચલી આંગળી બતાવી પેશાબ કે અંગુઠો દેખાડી પાણી પીવાની રજા ન માગતો. મારું લેશન હું જાતે કરતો અને મને યાદ નથી મેં ક્યારેય લેશન અધૂરું કે કર્યું ન હોય. અમારી સ્કૂલમાં ક્લાસરૂમની બહાર બૂટ-ચંપલ કાઢી ક્લાસરૂમમાં બેસવાનું એવો નિયમ હતો. તેથી છૂટીને ઘણાને ક્યું જમણા પગનું ચંપલ અને ક્યું ડાબા પગનું ચંપલ તેમાં ખબર ન પડતી. મને ખબર પડતી એટલે બધાં મને પૂછીને પગરખાં પહેરતાં. હું વર્ગખંડમાં લાકડાની છેલ્લી પાટલી પર બેસતો. ચાલુ ક્લાસે કોઈ જોડે વાત ન કરતો. રિશેષ દરમિયાન નીરજ સાથે એક જગ્યા પર બેસી નાસ્તો કરી લેતો. ક્યારેક શાળા જવું ન ગમતું છતાં પણ હું છાનોમાનો રડીને પણ શાળામાં રહી લેતો. મને તાવ આવતો ને મમ્મી નવસેકા પાણીનાં પોતા માથા પર મૂકતી. હળદરવાળું દૂધ પીવડાવતી. જીવડાં કરડતા એટલે કડવાણી આપતી. દૂધ અને બીજી ઘણી વસ્તુઓ મને ભાવતી નહીં. સામાન્યથી વધુ ઝડપે હું મોટો થઈ રહ્યો હતો ને એ મોટાપણું મને એક દિવસ મહેસુસ થયું. મારાં જીવનના પ્રથમ અજુગતા-ગમતા આહલાદક અનુભવની વાત કરું તો, બીજા ધોરણમાં..

       એ ગુલાબી કલરનાં ફ્રોકમાં એક દિવસ ચાલુ ક્લાસે આવી. ખુલ્લાં વાળ, લાંબુ નાક, ગોરો વાન. એનાં ગાલમાં ખાડા પડતાં હતાં જેને આપણે ખંજન કહીએ. એક ભાઈ તેને ક્લાસમાં મૂકી ગયા અને તે મારી બાજુમાં થોડે દૂર દફ્તર કાઢી બેસી ગઈ. ટીચર તેને નામ પૂછ્યું. તેણે બધાંની વચ્ચે ઊભા થઈ અદબવાળી પોતાનું આખું નામ કહ્યું, ‘પ્રિયંકા…….’

       પ્રિયંકા. કદાચ એ જ નામ હતું. એના પપ્પા ડૉક્ટર હતાં. એ દેખાવે સુંદર અને ભણવામાં હોશિયાર હતી. એ જે દિવસે સ્કૂલે આવી તે દિવસેથી જ હું તેની સાથે વાત કરવાનાં પ્રયત્નો કરતો રહેતો. તે વર્ગની બીજી છોકરીઓથી અલગ હતી. મારી જોડે વાતો કરતી, બોલતી. એ કોઈ દિવસ ગેરહાજર હોય તો બીજે દિવસે મારી નોટ પૂરી કરવાં ઘર લઈ જાય. ક્યારેક હું સ્કૂલે ન જાવ તો તેને ન ગમે. અમારી વચ્ચે ગાઢ દોસ્તી અને ઊંડી આત્મીયતા હતી. એ એનાં ઘર, રમકડાં વગેરે વિશે મને જણાવતી. સામેની બાજુ મને પણ ઘણું પૂછતી. મારી પાસે તેનાં કેટલાંક સવાલનાં જવાબ ન રહેતાં. હું મૌન રહેતો એ સમજી જતી. પ્રિયંકા મારાં કરતાં વધું સમજુ હતી.

       દર બુધવારે શાળામાં ફ્રી-ડ્રેસ ડે હોય. હું પ્રિયંકાને ગમતાં કલરનાં કપડાં પહેરી જતો. એકવાર એ પેન્સિલ ઘર ભૂલી ગયેલી. મેં તેને મારી પેન્સિલ આપી દીધેલી અને એણે મને બદલામાં એનો સંચો આપેલો. રિશેષ બાદ એની પાસે મેં આપેલી પેન્સિલથી આગળ લખવાંમાં અણી છોલવા સંચો ન હતો. મારી પાસે સંચો હતો તો પેન્સિલ ન હતી. પછી અમે પાછી અદલાબદલી કરી લીધેલી. એકદિવસ કોઈએ આપેલી કિસમી અને મેલોડી ટોફી હું સાચવીને પ્રિયંકા માટે લઈ ગયેલો. તેણે મને ચોકલેટ ખાતાં-ખાતાં શીખ આપેલી, ‘ચોકલેટ ખાઈ તો દાંત સડી જાય એવું પપ્પા કે છે. તારે ચોકલેટ ન ખાવી.’

       એ છોકરીએ મારાં દિલ અને દિમાગ પર એક અલગ પ્રભાવ અને આકર્ષણ આંકેલું, જમાવેલું, ઊભું કરેલું છે જેથી આજે પણ હું તેને ભુલાવી શક્યો નથી. આજે પણ મને તેનો ચહેરો અને તેની સાથેનાં સ્મરણો બહું સ્પષ્ટ યાદ છે. મને એ ગમતી. તેને પણ હું ગમતો હોઈશ એ માની લઉં છું.

       જીવનની પ્રથમ ગમતી છોકરી કોઈ પૂછે તો એમાં પ્રિયંકાનું નામ મોખરે આવે. હું જ્યારે આ વાત કરું ત્યારે આ ગમતી પહેલી છોકરીનાં જવાબમાં પ્રિયંકાનું નામ સાંભળી ઘણાં બીજો સવાલ પૂછે.

       ‘પછી આગળ શું થયું?’

       હું કહું, ‘થાય શું? એ ચોથા ધોરણથી બીજી કોઈ ગર્લ્સસ્કૂલમાં જતી રહી હતી.’

       ‘હવે તો ફેસબૂક પર બધાં હોય છે. સર્ચ કર તેનું નામ. ફરી મિત્રો બનો. મળો.’

       ‘શું કામ?’

       ‘કેમ કે, એ તને ગમતી પહેલી છોકરી હતી.’

       હું આ ચર્ચાનો અંતિમ જવાબ આપી દઉં. ‘પ્રિયંકા પહેલી ગમતી છોકરી હતી નહીં છે, એ સાચું. પણ હા, એ માત્ર ગમતી પહેલી છોકરી છે, સૌથી વધુ ગમતી પહેલી છોકરી એ નથી……..’

       જીવનનો એ પહેલો પ્રેમ હતો કે આકર્ષણ માત્ર હતું કે પછી કશું બીજું જેનું નામ નથી, એ વિશે જાણ નથી. પણ કંઈક તો તેનાંમાં ખાસ હતું. જે બધી છોકરીઓ વચ્ચે મને આકર્ષી શકી હતી. જો કે જીવનમાં એ વ્યક્તિ સિવાય પણ ઘણી ચીજો સાથે મને પ્રેમ, આકર્ષણ, શોખ અને આદત હતાં. અમૂક સાથે હજુ પણ છે જે વિશેની વાત આગળનાં વર્ષે..