વર્ષ – ૭ સપ્તરંગો (૧૯૯૭-૯૮)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       ક્રિકેટ – જો હું લેખક ન હોત તો ક્રિકેટર હોતો. બાળપણમાં ક્રિકેટ મારી જીવાદોરી હતી. રજાનાં દિવસોમાં બસ એક જ દિનચર્યા હોય. સવાર ઊઠીને ક્રિકેટ, બપોરે જમીને ક્રિકેટ અને રાત્રે પ્રકાશનો ગોળો લગાવીને પણ ક્રિકેટ. ઘરની અંદર ક્રિકેટ, ઘરની બહાર કંપાઉન્ડ કે અગાશી પર ક્રિકેટ, ઘરની સામેનાં ખુલ્લા પ્લોટમાં ક્રિકેટ. જો ક્યાય જગ્યા ન મળે તો થેલીમાં બોલ નાંખી દોરી બાંધી ઓરડાનાં દરવાજાની વચ્ચે બોલ ટિંગાડી બેટિંગ પ્રેક્ટિસ કરીએ.

       હું ડાબેરી બેટ્સમેન અને જમણેરી બોલર હતો. મારી સાથે ક્રિકેટ રમવામાં મારો ભાઈ અને પાડોશી મિત્ર ચીકલ હોય. ક્યારેક આજુબાજુની શેરી-ગલીવાળા મિત્રો પણ રમતમાં જોડાય તો ટિમ પાડવી પડે. ભીતિયો કેચ એક હાથે, ટપ્પી કેચ એક હાથે અને બોલ કશે અડ્યા કે પટકાયા વિના સીધો બહાર જાય અથવા તો કાચમાં લાગે તો આઉટ. જીતે દાવ પહેલો, પહેલી બોલિંગ કરે એને છેલ્લે બોલિંગ મળે અને છેલ્લી બોલિંગ કરનારને પહેલી બેટિંગ મળે વગેરે જેવાં નિયમ રહેતાં. એક તબ્બકો એવો પણ આવેલો કે, મારાં એરિયાનાં લોકો મને ક્રિકેટ ન રમાડતાં કેમ કે, હું આઉટ જ ન થતો. પપ્પાને અમારું ક્રિકેટ રમવું પસંદ ન હતું. નહીં તો હું પણ આજે ભારતીય ક્રિકેટ ટિમનો સદસ્ય હોતો. જ્યારે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટિમમાંથી રમ્યો ત્યારે પ્રેક્ટિસ દરમિયાન મારાં બાળપણનાં ક્રિકેટ-એક્સ્પિરિયન્સની વાત કરતો તો બધાં બહું હસતાં ને કહેતાં, ‘તું ચોકા-છક્કા શબ્દોથી નહીં મેચમાં બેટથી મારજે.’

       વીડિયોગેઈમ – જ્યારે બોલ કે બેટ કે ખિલાડી ખૂટે-તૂટે ત્યારે ક્રિકેટનો વિકલ્પ વીડિયોગેઈમ બને. મારીયો મારી ફેવરિટ વીડિયોગેઈમ હતી એ સિવાય કોંટ્રા, રેસક્યુંરેન્જર, સ્પાઈડર મેન, રેસિંગ, બાઇક, શૂટિંગ, જેવી અઢળક વીડિયોગેઈમનાં કાર્ડ પૂરાં કરવાની હોડ જામતી. જેમજેમ નવાંનવાં કેરેક્ટર પ્રખ્યાત થતાં જતાં તેમતેમ તેમનાં વીડિયોગેઈમની કેસેટ્સ માર્કેટમાં આવતી જતી. મેં લગભગ બધી જ વીડિયોગેઈમ રમી છે, તેનાં બોસને માર્યા છે. આગળ જતાં કેસેટ્સ વીડિયોગેઈમનાં સ્થાને સીડીવાળી વીડિયોગેઈમ આવી. જેમાં ડબલ્યુડબલ્યુએફ અને ક્રિકેટ રમવાની મજા પડતી. વાયસીટી આજની તારીખે પણ ક્યારેક હું રમી લઉં છું અને કેંડીક્રશ વિશે મારે કશું કહેવું નથી.

       કેરમ અને ઈષ્ટો – જેટલી પકડ ક્રિકેટ અને વીડિયોગેઈમ પર હતી એટલી જ પકડ કેરમ અને ઈષ્ટોની રમતમાં હતી. ખાસ કરીને ઈષ્ટો. મને ઈષ્ટોની રમતમાં કોઈ હરાવી ન શકતું. હું ઈચ્છું ત્યારે કોડીઓ પાસે ઈષ્ટો અને ચોમલ પડાવી શકતો. કેરમમાં ફાવટ મેડવતા મને થોડીવાર લાગેલી પણ તેમાં પણ પછી હાથ બેસી ગયેલો. સાપસીડી, ચેઈસ, પાનાં અને વ્યાપાર જેવી શુષ્ક રમતો કે ઘરગોખલા, થપ્પોદાવ કે આંધળો પાટો અને લંગડી જેવી ઠંડી રમતો મને આકર્ષી શકી ન હતી કે મેં રમી નથી.

       રમકડાં – રમકડાંમાં મારી પસંદ પહેલા કાર હતી. જે પસંદ પાછળથી બંધૂકમાં પરિવર્તિત થઈ ગયેલી. બંધૂક સિવાય મને એકપણ રમકડું પસંદ ન હતું. દર વર્ષે મેળામાંથી હું એક જ રમકડું ખરીદાવું – એરગન. મને નાનપણથી હથિયાર ગમતાં. આજેપણ કેટલાંક મિત્રોને ખ્યાલ છે કે, ઓરિજિનલ બંધૂકમાં પણ મારો નિશાન ચૂકતો નથી અને સાહિત્ય સમકક્ષ જ્ઞાન મારું હથિયારોની બનાવટમાં છે. ટૂંકસમયમાં મારે ખુદનાં નામે એક બંધૂક વસાવવાની ઈચ્છા છે. જેમાં અમૂક મિત્રો મદદરૂપ થઈ રહ્યાં છે.

       ખાણીપીણી – નાનપણમાં મને ‘રસના’ કોલ્ડડ્રિંક બહું ભાવતું. તે તૈયાર કરવાનાં પેકેટમાંથી એક નાનકડું રમકડું નીકળતું જેનું મારી પાસે જબરું કલેક્શન હતું. મને દરેક મીઠી આઇટમ ભાવતી. સૂતરફેણી અને પેઠા મારાં ફેવરિટ હતાં. ફરસાણમાં ચકરી ભાવે. મેથીનાં સક્કરપારા પણ દાઢે વળગતા. એ સમયે આજનાં સમય જેટલાં ખાવાપીવાનાં વિકલ્પ ન હતાં તેમછતાં હું જે હોય એ ખાઈ કે પી લેવામાં ન માનતો. મારી એક ચોક્કસ પસંદ અને સ્વાદનો આગ્રહ રહેતો. જે કાયમ જળવાઈ રહ્યો છે.

       હરવાફરવા – ફરવા માટે આજીડેમ હતો, પ્રાણી સંગ્રાહલય, રેસકોર્ષ વગેરે. પહેલું બહારગામ ગયાનું દ્રશ્ય મને પોરબંદર સાંભરે છે. પછી સોમનાથ, દ્વારકા એમ ધીમેધીમે આખું ગુજરાત ફરી લીધું. અને આજે તો આખું ભારત. બસ હવે એક વિદેશયાત્રા બાકી છે. આ જગતમાં કોઈ એવું સ્થાન નથી જ્યાં હરવું-ફરવું-રહેવું મને પસંદ ન હોય. ધરતી પર ઉછરી બ્રહ્માંડ ઘૂમવાનું સપ્ન સેવ્યું છે.

       આદત-ચાહત – મને હાથનાં નખ ખાવાની આદત છે. મને રાત્રે વહેલું સૂઈ જવા જોઈએ. હું બહું દિવસ મમ્મીથી દૂર ન રહી શકું. મારાંથી બહું કામ ન થાય, હું તરત થાકી કે કંટાળી જાવ. મને કોઈ બોલાવે કે ન બોલાવે હું લોકોને સામેથી બોલાવતો. કાર્ટૂન જેને અમે ડાગલાડુગલી કહેતાં તેની અંદર મને સૌથી વધુ પોપાય ધી સેલરમેન ગમતું. અલ્લાદિનની જેસ્મિન ગમતી. સપનાંનાં વાવેતર નામની સિરિયલ ગમતી જેમાં પુર્ષોત્તમ નાણાવટીનું પાત્ર મારાં માનસ પર આજે પણ અંકિત છે. પાછળથી તેનું હિન્દી વર્જન એક મહલ હો સપનો કા આવેલું. હું શક્તિમાન જોતો અને જુનિયર જી ગમતું નહીં. મને ઘણાં ગંગાધર કહી પણ બોલાવતાં. આધ્યાત્મિક કે ધાર્મિક પોગ્રામ મારી રુચિ કેળવી શક્યાં ન હતાં. ગમતાં પોગ્રામની એક સૂચિ આપી આજનું વર્ષ વિરમું – ટોમ એન્ડ ઝેરી, મોગલી, હમ પાંચ, તું-તું મેં-મેં, ચિત્રહાર, રાજ ટ્રાવેલ્સ દુનિયા કી શેર કરલો, ડબલ્યુડબલ્યુએફ, હોરર શો, અંતાક્ષરી. બસ.