વર્ષ – ૮ આનંદાઠ (૧૯૯૮-૯૯)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

       ૯૮-૯૯ની સાલમાં મેં પહેલું બાળનાટક જોયેલું – ડાયનોસોર. પપ્પા મને સાઇકલ પર બેસાડી રાજકોટનાં હેમુગઢવી ઓડિટોરિયમમાં નાટક જોવા લઈ ગયેલાં અને ત્યાંથી એક ઓડિયો કેસેટ પણ લઈ આપેલી જેમાં વાર્તા હતી – મિયાંફૂંસકી અને તભા ભટ્ટ. હું રોજ એ વાર્તા અમારાં ફીલીપ્સનાં ટેપમાં સાંભળતો. જે ઓડિયો વાર્તાનું એક વાક્ય આવતાં હું ઊછળી કૂદતો, તાલીઓ વગાળતો. એ વાક્ય હતું – અમે કોણ? મિયાંફૂંસકી સિપાઈબચ્ચાં.

       આ વર્ષે જ મેં જીવનમાં પ્રથમવાર સર્કસ જોયેલું. સર્કસની સાથોસાથ પહેલી વખત ભૂરીયાવ જોયા. ઠીંગણો જોકર જોયો. હાથીને ક્રિકેટ રમતાં અને પાંજરાની અંદર ગોળગોળ બાઇક ચલાવનાર કરતબબાજને નિહાળ્યો. મોંમાંથી અગનજ્વાળા ફૂંકતા એક કાળિયાને જોઈ હું ડરી ગયેલો. મારા માટે આ બધુ વિસ્મયનું જગત અને આશ્ચર્યનું પ્રાંત હતું. જે ક્યારેય ન ભૂલનારી યાદગીરી બની રહી. મેં પપ્પાને પૂછ્યું હતું, ‘પપ્પા આપણી જેમ જ આ  બધાં પ્રાણીઓનાં નામ હોય?’ પપ્પાનો જવાબ યાદ નથી.

       હવે દિન-પ્રતિદિન અમારી આર્થિક પરિસ્થિતિ તંદુરસ્ત બની રહી હતી. અમારાં ઘરે બી.પી.એલ કંપનીનું એકવીસ ઈંચનું કલર ટી.વી. હતું. જેમાં દેખાતી જાહેરખબરો, પાડોશમાં ચર્ચાતી સામગ્રી-સુવિધાઓ અને બજારમાં મળતી વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકવાં જેટલાં અમે સક્ષમ બન્યાં હતાં. મારો પરિવાર કુટુંમ્બમાં જવાં-આવવાં લાગ્યો. પ્રસંગોપાત એમની સાથોસાથ મને પણ કુટુંમ્બીજનો, પિતરાઈ ભાઈઓ જોડે મળવાનો અવસર સાપડ્યો. અમે મામાને ત્યાં વધુ જતાં. એમને પણ એક મારાં જેવડો દીકરો વિશાલ અને બીજો મારાંથી ત્રણ વર્ષ નાનો દીકરો અમિત. વિશાલ અને અમિત તેનાં રમકડાં મને રમવાં આપતાં. તેનાં ઘર હિંચકો હતો જેનાં પર મને જૂલવા દેતાં. મામાનાં ઘરની પાસે એક બાપાની દુકાન હતી. જ્યાં બાળકોને લગતી-ગમતી ઘણીબધી વસ્તુઓ મળતી. એક સ્ટ્રો પર ત્રણ પાંખિયા હોય, એને હથેળીમાં ઘસી હવામાં છુટ્ટુ મૂકે એટલે ઉડવા લાગે. એક રૂપિયાનું ઈનામ આવતું. ઈનામની અંદર જેટલા નંબર નીકળે એટલા નંબરની વસ્તુ મળે. એ વસ્તુઓની કિંમત મોટે ભાગે એક રૂપિયાની અંદરની રહેતી. ‘ગુરુચેલા’ નામથી એક પડીકી આવતી. જેની અંદર મીઠો મુખવાસ હોય. એ પડીકીનું રેપર આકર્ષક હતું. સીધું જુઓ તો ગુરુનો ચહેરો દેખાય, ઊંધું કરી જુઓ તો ચેલાનો ચહેરો. ટક-ટક અવાજ કરતો દેડકો અને વ્હીસલ મને એક રૂપિયાનાં ઈનામમાં એક વાર લાગેલી, જે હું દફ્તરમાં નાખી સહપાઠીઓમાં મોટાઈ બતાવવા સ્કૂલે લઈ ગયો હતો. કોઈ છોકરાંએ ટીચરને આ વિશે ચાળી ખાધી હશે ને ટીચરે એ ઈનામ મારી પાસેથી લઈ ઑફિસમાં જમા કરાવી આપેલું.

       નીરજનાં ગયાં પછી સ્કૂલમાં કોઈ ખાસ મિત્રો બની શક્યાં ન હતાં. જે હતાં એ બધાં વિચિત્ર હતાં. ભાઈચારો કે મિત્રભાવ અમારાં વર્ગમાં જોવા ન મળતો. વિશાલ અને અમિત જ મારાં ખરાં મિત્રો હતાં. મારાં હિસાબે વધુ પડતાં વિદ્યાર્થીની સંખ્યા પણ આ પાછળ જવાબદાર હશે. હું મોટો થતો જતો હતો એમ થોડો શરમાળ બન્યો હોય તેવું મને જણાય આવે છે. પ્રિયંકા પણ હવે ન હતી. આથી ક્યારેક સ્કૂલે જવું ન ગમતું. દિવસનો વધુ પડતો સમય ટી.વી અને ક્રિકેટમાં ચાલ્યો જતો. હું ઈચ્છતો એ વસ્તુ મળી રહેતી. ઉતરાયણ આવતી, હોળી થતી, સાતમ-આઠમનાં તહેવાર ઊજવાતાં, રક્ષાબંધને મારી મોટી બહેનને ગલ્લો તોડી હું પરંચૂરણની ભેટ આપતો. નવરાત્રીનાં રાસ-ગરબા અમારાં ઘરની નીચે જ ચોકમાં થતાં. દિવાળીએ અમે ફટાકડાં ન ફોડતાં. ઠંડીની ઋતુમાં હું કાયમ માંદો પડતો. મારી સેવા-ચાકરી થતી ને ફરમાઈશો આંખનાં પલકારે પૂરી થતી.

       મારી મોટી બહેન દસમાં ધોરણમાં નાપાસ થયાં બાદ બ્યુટીપાર્લરનાં ક્લાસમાં જતી. જ્યાં એને એક દિવસ ઢોસા બનાવતા શીખવ્યાં હતાં. પછી અમે કેઈનસ્ટાર કંપનીનું મિક્સર લઈ આવેલાં. જેમાં ખીરું પીસી ઢોસા કરેલાં. ક્યારેક અમે ફૂલછાબ ચોકમાં રવિ હોટેલમાં જમવા જતાં. ક્યારેક ગુજરાતી જમવું હોય તો એ સમયે ભાગ્યોદય લોજ વખણાતી, જેમાં અવારનવાર ફિક્સ થાળી જમી આવતાં. પપ્પાને ફોટોગ્રાફીનો શોખ હતો એટલે કોડેક કંપનીનો કેમેરો વસાવી લીધો હતો. જે અમારી સ્મૃતિઓને સંગ્રહી લેતો. આધુનિક સાધનો હવે અમારાં જીવનનો એક હિસ્સો હતાં. અમે ટિકિટો ખરીદી ફનવર્લ્ડમાં જતાં, રાઈડ્સમાં બેસતાં. પોપકોર્ન ખાતાં. કેટલીક વાર ભાઈ-બહેન અંદરોઅંદર બહું જગાડતાં. એકબીજાને મારતાં, રિસાઈ જતાં, મનાવતાં અને પછી હતાં એ ને એ. આખરે અમે એક હતાં.

       મારું બાળપણ પસાર થઈ રહ્યું હતું. મને પ્રશ્નો થતાં હું જવાબ મેળવતો, હું અદેખાઈ કરતો ને સમજતો ઈર્ષા કરવી પાપ છે, ક્યારેક તોફાન કરી લેતો ને ડાહ્યો બનવાનો ઢોંગ કરતો ક્યારેક જુઠ્ઠું પણ બોલી પાછળથી સાચું કહી આપતો. ખોટાં સમ ખાતો અને મનોમન ભગવાનને સૉરી બોલી આપતો. લુચ્ચાઈ અને ચાલાકી કોણ જાણે હું ક્યાંથી શીખ્યો? જે મને મોટા બનાવતાની સાથે જ મારાં ભોળપણ અને બાળપણને ખતમ કરી રહ્યું હતું. આજે જ્યારે હું મારી સિલેક્ટિવ મેમેરીને રિફ્રેશ કરી લખી રહ્યો છું ત્યારે પણ એક સવાલ ઉપજે છે કે, બાળપણ એટલે? જેનો જવાબ આવતાં વર્ષમાં રજૂ કરીશ કે, બાળપણ એટલે?