વર્ષ – ૯ બાળાવલી (૧૯૯૯-૦૦)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

       બાળપણ એટલે ઈશ્વરે રચેલી અછાંદસ કવિતા અને વિધાતાએ આલેખી આપેલી બાળકથા. જેને કુંભારનાં ચાંકડે મઠારવામાં આવી. બાળપણ એ બગીચાનાં ફૂલોની દેખરેખ કરવાનો માળી એટલે માતા-પિતાને મળેલો સેવાકીય પ્રસંગ છે. એ જેટલું નાનકા માટે મહત્વપૂર્ણ છે એટલું જ મોટેરાં માટે મૂલ્યવાન છે. મારું બાળપણ સરળ-સ્પષ્ટ અને સીધી લીટીમાં પસાર થયું છે. એકાદ-બે ઘટનાને બાદ કરતાં તેમાં કોઈ ઊતાર-ચઢાવ નથી. હું મારાં બાળપણથી સંતોષિતતા અનુભવું છું.

       બાળપણ એટલે વાળ અને દાંત ખરવા-ઊગવા અને પડી-આખડી કૂણા મટી કઠણ બની ઊછરવાની ઘટના. બાળપણ બાળક માટે કિશોર બનવા તરફનું પ્રયાણ અને પડાવ છે. એવું કહેવાય કે, બારે બુદ્ધિ. મારાંમાં મોટાં ભાગની સમજણ દસ વર્ષે આવી ગઈ હતી. સમજણ અને પરિપક્વતા પરિસ્થિતિ પરથી આવે છે. જેવું આસપાસનું વાતાવરણ એવું અસ્તિત્વનું આવરણ. બાળપણ એટલે બચ્ચાંમાંથી બડા થવાનો દૌર. બાળપણ એટલે પરિવારનાં આંબાડાળ પર આવતા મોર.

       બાળપણ એટલે તીણાં સ્વરે નખાતી કિકિયારી અને કલરવનો ગુંજારવ. બાળપણ એટલે રડતાં-રડતાં અચાનક હસી લેવાનો ભીંજારવ. ચિલ્લમચીલ્લી, દેકારા, બાપામારી અને હુડીયા તથા હડિયાપટ્ટી સમું કેકારવનું સરનામું. જે બાળક તોડફોડ નથી કરતો એ બાળક સ્વસ્થ કે સલામત નથી રહી શકતો. બાળપણ એટલે તો ચડ્ડીનાં ખિસ્સામાં લખોટીઓ ભરી, પથ્થરનાં ટૂંકાડા એટલે કે પાણકા પર પતંગનો દોરો વીંટી, ચણિયામાંથી નાળી નિકાળી ભમરડો ધૂમાવવા કે કાગળની હોડી ને બલૂન બનાવી ઊડાવવાનો આનંદ. હું નાનો હતો ત્યારે મને શેરીઓમાં બધાંને ભેગા કરી ટુકડી બનાવવું ગમતું. દરેક રમત અને વસ્તુની એક સિઝન આવતી. હું બધાંનો મુખિયા રહેતો. મનમાની કરતો અને અમે એકબીજાને મારતાં જેમાં ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદ મુજબ સબળો નબળા પર હાવી અને ભારે પડતો. બાળપણ એટલે દરરોજ રડવા-પડવાની ઋતુચર્યા.

       બાળપણમાં ચાંદો મામો હતો, સૂરજ દાદા હતાં, બિલાડી માસી હતી, ચકી બેન હતી, કોઈ કાકો હતો તો કોઈ ફોઈ, પરી રક્ષાકર્તા, બાધડો, બાવો અને પોલીસ દુશ્મન.. ને એ બધુ સાચું પણ પ્રેમી કે પ્રેમિકા? ભગવાને બાળપણમાં બધાંનો પ્રેમ આપ્યો ફક્ત પ્રેમીપાત્રને દૂર રાખ્યું. શું આવું કરી ઈશ્વરે બાળકને પોતાનું સ્વરૂપ ગણાવ્યો? શું એવું થયું એટલે બાળપણ બેદાગ અને સ્વચ્છ છે? નાનપણમાં મારે બહેનપણી કે ભાઈબંધ નથી. હું નાનો હતો અને બધાં મારાંથી મોટાં એટલે કદાચ હું આજે પણ નાનો જ છું. બાળપણ એટલે સૂંકાયેલી યુવાની અને વૃદ્ધાવસ્તાનું વિરોધાર્થી. બાળપણ એટલે ઈશ્વરીય આશીર્વાદનું સમાનાર્થી.

       મારું બાળપણ એટલે ચોકથી પેન્સિલ ને પેન્સિલથી પેનની યાત્રા. જે યાત્રા કલમથી કિ-બોર્ડ પર આવી અટકી છે. બાળપણ એટલે પાટીથી કાગળ પરની અક્ષરો વડે ઘૂંટાતી શારદાધામની જાત્રા. હું બીજાં ધોરણથી દરેક વર્ગમાં એકથી ત્રીજા નંબરની અંદર પાસ થતો આવ્યો છું. આજ સુધી જેટલી પણ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે તે બધાંમાં મારો ક્રમ પહેલો, બીજો કે ત્રીજો જ આવ્યો છે. જીવનમાં ત્રણ પછીનાં નંબર પસંદ નથી ને મને ક્યારેય કોઈપણ સ્થળે આગળની હરોળમાં બેસવું ફાવતું નથી. સિનેમા હૉલ હોય, નાટ્યગૃહ હોય, વર્ગખંડ કે કોઈ સભા-બેઠક હું કાયમ પાછલી હરોળ બેસવું પસંદ કરું છું. બાળપણ એટલે સરસ્વતીની સાધના કરી લક્ષીનો પાયો પાક્કો કરવાનું ગણિત. બાળપણ એટલે સમાજવિદ્યાથી અલીપ્ત જીવનભૂગોળ.

       બાળપણ એટલે ભૂંગળા આંગળીઓમાં ભરાવી ફ્રાઈમ ખાતાં ખાતાં રાઈમ્સ માણવાની મજા. અડકો દડકો, આંબર ગાજેને પીલું પાકે… ને નાં નાં સૌલી-સૌલી ભૂલી ગ્યોની તોતડાતી બોલી એ ટપકતી નિર્દોષતાનું ખાબોચિયું. બાળપણ એટલે ગોઠડી અને ગપ્પાંનું વિધવિધ વિશ્વ. બાળપણ એટલે તો ગાળો શીખવાનો ગાળો. મને ઘણાં વર્ષો સુધી ગાળો બોલતાં આવડતી નહીં. જે ગાળો આવડતી તેનો અર્થ સમજાતો નહીં. બાળપણ એટલે પાપ વિનાની ગુનેગારી.

       બાળપણ એટલે મોટાં થતાં થતાં હોય એટલા ને એવાં જ બની રહેવાની કળા. જેમજેમ ઊંચાઈ વધતી જાય અને પડછાયો લંબાતો જાય છે તેમતેમ બાળપણ દેશી હિસાબ અને બાળપોથીથી ફૂલવાડી અને ચંપક, દોડપકડ અને સંતાકૂકડીથી રેસિંગ અને ડ્રાઈવિંગ તરફ દોરાઈ છે. હવે બાળપણનાં બીજમાંથી કિશોરાવસ્થાનાં ફૂલો ખીલવાનો તબક્કો શરૂ થવાનો છે. હવે જીવનને નવી દિશા અને દશા મળશે. મમ્મીનાં ખોળા અને પપ્પાની આંગળી છોડવાનો સમય પાકવાનો છે. બાળપણ એટલે તો હવે માત્ર યાદો બની રહેવાની છે. હવે ઘણું પાછળ છૂટી જવાનું છે, ઘણું ભૂલાય અને વિસરાય છૂટવાનું છે. હવે કપડાં પહોળાઈ અને લંબાઈમાં ટૂંકા થશે, જોડામાં પગ નહીં સમાય અને હવે નાદાની એ નાદાની નહીં ભૂલો ગણાશે જેની ગંભીર સજા મળશે. જવાબદારીઓ નાછૂટકે સ્વીકારવાની છે. સ્પર્ધા વધશે. અપરિચિતો સાથે સંપર્ક વધશે. બાળપણનાં અંતે આપણાં અસ્તિત્વ અને વ્યક્તિત્વનો વ્યાપ વધવાનો છે. હવે આગળ શું-શું થશે એ તો આગળનાં વર્ષોમાં જોશું. આજનાં સમયમાં તો બાળપણ એટલે કોઈ મેલાઘેલાં ધૂળમાં રમતાં શેડાળાં બાળકની મર્યાદિત ખુશીમાં પોતાનાં શૈશવને અનુભવવાની આવડત.