વ્હાલા સંબંધોની સાશ્વત સાત સત્યકથાઓ..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
એકબીજાનાં પ્રેમમાં પડીએ.. એકબીજાને પ્રેમ કરતાં રહીએ..

સત્ય, સમર્પિત અને શ્રેષ્ઠતમ પ્રેમ સ્વયં માટેનો નહીં, સમગ્ર શ્રુષ્ટિ પ્રત્યેનો છે..

એક પતિ-પત્ની છે. પતિ નોકરી કરે છે. પત્ની ઘર સંભાળે છે. હજુ થોડાં મહિનાઓ પહેલાં જ બંનેનાં ગોઠવાયેલાં લગ્ન થયા છે. સાસુ સસરાવાળું ચાર સભ્યોનું મધ્યમ વર્ગનું નાનું કુટુંબ છે. મિત્રવર્તુળ અને પડોશ છે. આ નવ પરણિત દંપતી લગ્નનાં ઘણાં દિવસો પછી પણ એકબીજાની પસંદ નાપસંદ, શોખ, આદત કે ભૂતકાળથી તદ્દન અજાણ હતા. હવે જેમ-જેમ સમય પસાર થતો જાય છે તેમ-તેમ આ બંને પતિ-પત્ની પોતાનાં જૂના પ્રેમસંબંધો અને લગ્નસંબંધોનું બધું લેણદેણ ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
જૂના સંબંધોની લેણદેણ ભૂલી.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..

એક છોકરો-છોકરી છે. બંને સાથે કોલેજમાં ભણે છે. છોકરો છોકરી કરતાં પ્રમાણમાં હોશિયાર, દેખાવડો અને પૈસાદાર છે. છોકરીનું ઘર-પરિવાર ગામડે છે, તે ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. બંનેની દિનચર્યામાં રોજ કઈક એવું થાય છે કે છોકરો અને છોકરી કા તો કેન્ટીનમાં કા તો કેમ્પસમાં સામસામા ભેગા થઈ જાય, કા તો લાઈબ્રેરીમાં કે ક્લાસરૂમમાં આજુબાજુમાં બેસવાનું થાય કા તો યુથ ફેસ્ટિવલની કોઈ સ્પર્ધામાં સંગે રહેવાનું થાય. એ છોકરો તે છોકરી વિશે બધું જાણે છે. તે છોકરી એ છોકરાં વિશે બધું જાણે છે. તે છોકરાં અને છોકરીનાં મિત્રો, શિક્ષકો સહિત ઘણાબધાને લાગે છે એ છોકરો અને છોકરી બધું ભૂત-ભાવી ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
જૂના ભૂત, નવા ભાવી ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..

એક ભાઈ-બહેન છે. નાનપણમાં જ્યારે એ બહેન થોડી મોટી અને સમજણી બની રહી હતી ત્યારે મમ્મીપપ્પા કીધું એ તેનાં જોડે રમવા માટે ભાઈ લઈ આવશે. થોડાં મહિનાઓમાં તેનો ભાઈ જન્મીને આવ્યો. ભાઈનાં જન્મથી બહેન પરથી બધાનું ધ્યાન, વ્હાલ ઓછો થતો ગયો. મમ્મીપપ્પા નવાનવા કપડાં, રમકડાંથી લઈ બધું જ પહેલુંવહેલું ભાઈને આપતા પછી બહેનને આપતાં. બહેનને ભાઈથી ઈર્ષા થતી, એ ભાઈને નફરત કરવા લાગી. જ્યારથી ભાઈ સમજણો થયો ત્યારથી તેને પણ લાગ્યું કે, તે ઘરમાં સૌનો લાડકો છે. આવું વર્ષો સુધી ચાલ્યું. જીવનનાં એક તબક્કે મમ્મીપપ્પાનાં દેહાંત બાદ ભાઈએ બહેનને ઘરની સંપત્તિમાંથી અડધો ભાગ આપ્યો, તેને મમ્મીપપ્પાનો અધૂરો સ્નેહ હતો તે પૂરેપૂરો આપ્યો. ભણાવી-ગણાવી લગ્ન કરાવી આપ્યા. જે બહેન પોતાનાં સગા ભાઈને નફરત કરી હતી એ બહેન ભાઈ બધું જૂનું ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
જૂનું-પુરાણું જળમૂળથી ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..

એક પિતા-પુત્રી છે. નાનપણથી જ પિતાએ પોતાની પુત્રીને બધું જ વણમાગ્યુ આપ્યું. એવી એકપણ ભૌતિક સુખસુવિધા ન હતી જે પિતા પોતાની એકની એક પુત્રીને આપવામાં ઉણા ઉતર્યા હોય. પિતાની એવી ઈચ્છા હતી, પોતે જે જિંદગી ન જીવી શક્યા એ જિંદગી પોતાની દીકરીમાં જીવતા જુએ. દીકરી જ્યારે કોલેજમાં આવી ત્યારે તેને પિતાએ વર્લ્ડ ટુરમાં મોકલી. આ દરમિયાન પુત્રી એક અંગ્રેજનાં પ્રેમમાં પડી. પોતાની દરેક નાની-મોટી જરૂરિયાત પિતાને જણાવતી પુત્રીએ પોતાના લગ્ન એ અંગ્રેજ જોડે કરાવવાની જીદ પકડી. જીવનમાં પહેલીવાર પિતા પોતાની પુત્રીની જીદ આગળ જુક્યા નહીં. પુત્રી પિતાની ઉપરવટ જઈ અંગ્રેજ જોડે પરણી ગઈ. પિતા અને પુત્રીનાં સંબંધમાં પૂર્ણવિરામ આવી ગયું. વર્ષો બાદ એક દિવસ સોશિયલ સાઈટ પર સર્ફિંગ કરતાં-કરતા પિતાને પુત્રીની પ્રોફાઈલ નજરે ચડે છે. પોતાની પુત્રી બે બચ્ચાંઓની મા બની ગઈ છે. પિતા પુત્રીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. બે-ત્રણ દિવસ પછી ઈનબોક્સમાં વાત થાય છે. પિતાને પોતાની અને દીકરીને પોતાની ભૂલ સમજાય છે. ફરી પિતા-પુત્રી બધું ભૂતકાળનું ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
ભૂલો ભૂતકાળની ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..

એક મા-દીકરો છે. નાનપણથી વિધવા માએ પેટે પાટા બાંધીને એકનાં એક દીકરાને ભણાવી-ગણાવી મોટો કર્યો. દીકરો મોટો થઈ સારું કમાવા લાગ્યો. મા-દીકરાની આર્થિક સ્થિતિ સુધરી. હવે દીકરાને પરણાવવાનો સમય પાક્યો. માએ દીકરા માટે છોકરી શોધવાની શરૂ કરી ત્યાં જ દીકરો એક દિવસ કોર્ટમાં જઈ પરનાત સ્ત્રીને પરણી ઘર આવ્યો. માને પૂછ્યા વિના પાણી ન પીનારે જાતે પરણી લીધું એટલે થોડું દુઃખ તો થયું પણ માએ હવે વધુને વધુ કડવા ઘુંટડા પીવાનો વખત આવ્યો. દીકરાને પોતાની મા બોજારૂપ લાગતી હતી. આથી દીકરો માને ઘરડાઘરમાં મૂકી આવ્યો. પછી મહિનાઓ સુધી ખબર પૂછવા ન ગયો. એક દિવસ એ દીકરાની ઘરવાળી કોઈ જોડે ભાગી ગઈ. દીકરાનાં પશ્ચાતાપનો પાર ન રહ્યો. તે પોતાની મા પાસે દોડી ગયો. મા રડતાં દીકરાને જોઈને જ બધું સમજી ગઈ. હવે ફરી એ જ ઘરમાં રહીને મા-દીકરો બધું પાછલું-આગલું ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
પાછલું-આગલું સંધુય ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..

એક ઈશ્વર-ભક્ત છે. ભક્તનાં ઘરમાં ઈશ્વરનું એક નાનકડું ઘર તો છે જ, તેમ છતાં ભક્ત રોજ ઈશ્વરનાં ઘરે જાય છે. ભક્ત અવારનવાર ઈશ્વર પાસે કઈકને કઈક માંગતો ફરે. જરૂરિયાતનાં સમય દિલથી યાદ કરે. ભક્ત તેના ઈશ્વરને ઉપહારો આપે, તેની જન્મજયંતિ ઉજવે. પોતે જે કઈપણ આચરણ કરે એ બધું જ ભક્ત પોતાના ઈશ્વરને ધ્યાન-ધરમમાં રાખી કરે. એકવાર ભક્તને માથે મોટી આફત આવી પડી. તેણે ઈશ્વરને પ્રાર્થનાઓ કરી. ઈશ્વરે ભક્તનું એક ન સાંભળ્યું. ભક્તે ઈશ્વર સાથે અબોલા લીધા. થોડા દિવસોમાં ચમત્કારિત રીતે બધું આપોઆપ પહેલાંથી પણ સારું થઈ ગયું. ભક્તને થયું ઈશ્વરે મોડું પણ વધુ માઠું ન કર્યું. ઈશ્વરે પણ ભક્તની કસોટી લીધી હતી. ભક્તનાં વર્તનથી ઈશ્વર પણ નાખુશ હતાં. ધીમેધીમે પાછાં ભક્ત અને ઈશ્વર બધું જમાઉધાર ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
હિસાબો જમાઉધારીનાં ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..

એક ભાઈબંધ,દોસ્તાર-સખી,બહેનપણી છે. ભાઈબંધ,દોસ્તાર અને સખી,બહેનપણી વચ્ચે પતિ-પત્નીથી, છોકરાં-છોકરીથી, ભાઈ-બહેનથી, પિતા-પુત્રીથી, મા-દીકરા, ઈશ્વર-ભક્તથી સવિશેષ સંબંધ છે. આ ભાઈબંધ,દોસ્તાર અને સખી,બહેનપણીને એકમેક વિના ચાલતું નથી. તેઓ અંદરોઅંદર ઝગડે છે, રિસાઈ છે, ઈર્ષા કરે છે, સ્પર્ધા કરે છે.. ધમાલ, મસ્તી અને આનંદ કરે છે. ના નાતજાત, ના ઉંમરબાધ, ના ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા અને મુંજવણ. આ ભાઈબંધ,દોસ્તાર અને સખી,બહેનપણી બધું ગણતર ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યા છે.

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..
પરસ્પરની ગણતરીઓ ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..

મિરર મંથન : આ દુનિયામાં એકપણ એવો સજીવ નથી જેને પ્રેમ ન કર્યો હોય. એક સજીવ બીજા અસંખ્ય સજીવ-નિર્જીવને પ્રેમ કરે છે. બની શકે તમે જેને પ્રેમ કરતાં હોય એ પ્રેમ ક્યારેક કોઈ કારણસર ઓછો, વધતો થઈ જાય અથવા તો એ પ્રેમ ખતમ થઈ જાય. સંબંધોમાં થતી નાની-મોટી ભૂલ, નિષ્ફળતા, ગેરસમજણ કે જે કઈપણ હોય તેને ભૂલીને આપણે આજીવન એકબીજાને પ્રેમ કરતાં રહીએ તો? આપણે આજીવન એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ તો?