શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની પાંચમી પેઢી લાઈવ આઈસ્ક્રીમનો કન્સેપ્ટ લઈ આવશે

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

૧૦૪ વર્ષ જૂની રાજકોટની ખ્યાતનામ આઈસ્ક્રીમ બ્રાંડને હરિફાઈમાપન અકબંધ રાખવા હાલ આ પરિવારની ચોથી અને પાંચમી પેઢી કાર્યરત છે

૧૦૦ વર્ષોથી દરેક ઋતુમાં આઈસ્ક્રીમનું નિર્માણ અને વહેચાણ કરી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ બ્રાંડ બન્યું

આઈસ્ક્રીમની શોધ ૩૦૦૦ વર્ષ પૂર્વે ચીનમાં થઈ હતી. ૧૬૫૪ની સાલમાં ઈંગ્લેડનાં શાહી નિવાસસ્થાન વન્ડીસર પેલેસમાં સૌ પ્રથમવાર આઈસ્ક્રીમ પીરસાયો હતો. ૧૭મી સદી દરમિયાન આઈસ્ક્રીમ માત્ર શ્રીમંત જ ખાઈ શકતા. એ સમય દરમિયાન અમેરિકા અને ઈંગ્લેંડમાં આઈસ્ક્રીમ પર સંશોધન થઈ આઈસ્ક્રીમને પેકિંગમાં વહેંચવાની અને ફ્લેવર્સ આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત થઈ. બાસ્કીન-રોબીન્સથી લઈ અમૂલ, મધર ડેરી, ક્વાલિટી વોલ્સ, વાડીલાલ અને હેવમોર જેવી કંપનીઓએ ભારતમાં આઈસ્ક્રીમનું આગમન અને શુભારંભ કર્યું. આમ, ધીમેધીમે આ ચીની શોધ આઈસ્ક્રીમ ભારતમાં પ્રવેશી. સિકંદરથી લઈ પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજ કપૂર પણ આઈસ્ક્રીમનાં ભારે શોખીન હતા. આઝાદી પછીથી તો એક સમય એવો આવ્યો છે કે, કોઈપણ શુભ પ્રસંગે આઈસ્ક્રીમ ખવડાવવાનો રીવાજ બની ગયો છે. એમાં પણ રાજકોટનાં સત્યવિજયનો આઈસ્ક્રીમ હોય તો વાત જ શું કરવી?
આજે આપણે જે આઈસ્ક્રીમ નિર્માતાની વાત કરવા જઈ રહ્યા છીએ એ લગભગ ભારતનાં સૌથી જૂના આઈસ્ક્રીમ નિર્માતા કહી શકાય. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમનાં ઈતિહાસ જેટલો જ રસપ્રદ અને જૂનો શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનો ઈતિહાસ પાઠ છે. તમે કે તમારી પાછલી બે-ત્રણ પેઢી રાજકોટમાં રહેતી હોય કે ન હોય પણ રાજકોટનાં શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનો આનંદ અને ઉપભોગ જરૂર કરેલો હશે. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ કોઈ આઈસ્ક્રીમ શોપ નહીં પણ આજે એક આઈસ્ક્રીમ બનાવતી બ્રાંડનું નામ છે. જેણે ઠંડી પ્રોડક્ટ્સની દુનિયામાં પોતાની બાદશાહત છેલ્લા ૧૦૦ વર્ષોમાં સુપેરે પ્રસ્થાપિત કરી છે.
૧૦૪ વર્ષ અગાઉ ઈ.સ. ૧૯૧૩ની સાલમાં રાજકોટમાં માવજીભાઈ જેરામભાઈ પટેલે શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપની શરૂઆત કરી. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપમાં શરૂઆતમાં ઘણા વર્ષો સુધી માત્ર ત્રણ ફ્લેવર્સમાં જ આઈસ્ક્રીમ મળતા હતા. વળી એ સમયે આઈસ્ક્રીમ વિશે લોકોમાં બહુ જાગૃતતા ન હતી. ભાગ્યે જ અંગ્રેજ સાહેબ મેમસાબો આઈસ્ક્રીમ ખાવા શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપમાં આવતા અથવા સૌરાષ્ટ્રનાં રજવાડાઓનાં રાજાશાહી ઘરાનાઓ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનો સ્વાદ માણતા. પસાર થતા સમયની સાથે ભારત દેશ આઝાદ થયો. ત્યારબાદનાં સમયમાં અલગ ગુજરાત રાજ્યનું નિર્માણ થયું. સમય પરિવર્તન સાથે શ્રી સત્યવિજય આઈસ્ક્રીમમાં પેઢી પરિવર્તનનો તબક્કો શરૂ થયો. ત્યારથી લઈ જો સીધા આજની વાત કરવામાં આવે તો આજે શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની ત્રીજી પેઢી મનસુખભાઈ પટેલ અને તેમનાં બંને સંતાનો એટલે કે, શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની ચોથી પેઢી કેતનભાઈ પટેલ અને જીતેશભાઈ પટેલ હાલમાં શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનાં વારસાગત વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની પાંચમી પેઢી એટલે કે, જીતેશભાઈ પટેલનાં સંતાન નમન પટેલ પણ બાપ-દાદાનાં ધંધામાં જોડાઈ ચૂક્યા છે. આમ, વર્તમાનમાં શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનો કાર્યભાર તેની પાંચમી પેઢીએ સંભાળી લીધો છે.
શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનો મુખ્ય વહિવટ મનસુખભાઈ પટેલ છેલ્લાં પચાસ વર્ષોથી સંભાળી રહ્યાં છે જે સમય દરમિયાન શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ ખરા અર્થમાં સુપ્રસિદ્ધ બન્યું પરંતુ ખરી નામના શ્રી સત્યવિજય આઈસ્ક્રીમને તેમની ચોથી પેઢી એટલે કે, કેતનભાઈ અને જીતેશભાઈ પટેલે અપાવી. કેતનભાઈ અને જીતેશભાઈએ પટેલ પરિવારનાં વર્ષો જૂના પરંપરાગત વ્યવસાય શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનો વહિવટ સંભાળતાની સાથે જ ટાઈમ અને ટેકનોલોજી અનુસાર આઈસ્ક્રીમની બનાવટમાં ઇનોવેશન કર્યું. જેમ કે, શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની ફોર્થ જનરેશનએ ફેમિલી બિઝનેસની બાગડોળ સંભાળતાની સાથે જ સુગર ફ્રી આઈસ્ક્રીમનું નિર્માણ કર્યું. સુગર ફ્રી આઈસ્ક્રીમ સાથે જ અલગ-અલગ પ્રકારનાં ફ્લેવર્સ સાથે સિઝનલ આઈસ્ક્રીમની શરૂઆત શ્રી સત્યવિજય આઈસ્ક્રીમમાં કરવામાં આવી. પરિણામ સ્વરૂપે ૧૯૧૩ની સાલમાં ત્રણ પ્રકારનાં આઈસ્ક્રીમ સાથે શરૂ થયેલી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપ આજે ત્રણ બ્રાંચ અને એક ફ્રેન્ચાઇઝી સાથે ૬૦થી વધુ પ્રકારનાં ફ્લેવર્સ, સિઝનલ આઈસ્ક્રીમનું નિર્માણ કરે છે. આટલું જ નહીં શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની ન્યુ જનરેશનએ આઈસ્ક્રીમની સાથોસાથ શ્રીખંડ, થીક શેઈક, કુલ્ફી-કેન્ડી પણ બનાવી. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ પોતાનાં આઈસ્ક્રીમ જેટલું જ સુપ્રસિદ્ધ શ્રીખંડ માટે પણ છે.
શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનાં મુખ્ય માર્ગદર્શક અને સંચાલક મનસુખભાઈ પટેલનાં પુત્ર કેતનભાઈનાં જણાવ્યા અનુસાર શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ દરરોજ આઈસ્ક્રીમમાં અવનવું અપનાવવા અને અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપમાં કોઈપણ ઉંમરની વ્યક્તિની પસંદને અનુરૂપ આઈસ્ક્રીમ મળી રહે છે. ગ્રાહકોનાં સ્વાદ અને સ્વાસ્થને ધ્યાનમાં રાખી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ ગુણવત્તાસભર આઈસ્ક્રીમની બનાવટ કરે છે. સિઝનલ ફ્રૂટ અનુસાર શ્રી સત્યવિજય આઈસ્ક્રીમમાં ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. જેમાં મેંગો, સીતાફળ સિવાય આદુંનો આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. અવનવા ફ્રૂટ આઈસ્ક્રીમની સાથે જ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપમાં અવનવા ફ્લેવર્સ આઈસ્ક્રીમ પણ અવારનવાર મૂકવામાં આવે છે. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની નામના અને ચાહના પાછળ કેતનભાઈ અને જીતેશભાઈ પિતા મનસુખભાઈની મહેનત અને માર્ગદર્શનને જવાબદાર ગણાવે છે.
શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનાં મનસુખભાઈ પટેલને જયહિંદનાં સ્થાપક બાબુભાઈ શાહ સાથે અંગત સંબંધો હતા. આ સિવાય રાજકોટથી લઈ સમગ્ર ગુજરાત અને છેક મુંબઈ, પુના સુધી પહોંચતા શ્રી સત્યવિજયનાં આઈસ્ક્રીમનાં સ્વાદનાં ઘણા રાજનેતાઓ સાથે ફિલ્મસ્ટાર્સ પણ શોખ ધરાવતા હોવાથી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની દરેક પેઢીને નામી લોકો સાથે અંગત સંબંધો સ્થપાયા છે. આ પેઢીઓ પુરાના સંબંધો સ્થાપાવવાનું કારણ એટલું જ કે, શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની જેમજેમ પેઢીઓ પસાર થતી જાય છે તેમતેમ આઈસ્ક્રીમની બનાવટને વધુને વધુ શ્રેષ્ઠ, સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર બનાવવામાં આવે છે.
રાજકોટનાં સદર વિસ્તારમાં આવેલી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપ હોય કે ૧૫૦ ફૂટ રીંગરોડ ઈન્દીરા સર્કલ કે રેસકોર્ષ રીંગરોડ પરની બ્રાંચ હોય વર્ષોવરસથી જેમ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનાં સ્વાદમાં તફાવત નથી આવ્યો તેમ તેની શોપનાં ઇન્ફાસ્ટ્રકચરમાં પણ બદલાવ આવ્યો નથી. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની કોઈપણ શોપ હોય ત્યાં બહેતરીન ફર્નિચર સાથે મોટા-મોટા અરીસા તેની આગવી ઓળખ છે. તમે જો રાજકોટનાં હોય કે રાજકોટ બહાર રહેતા હોય કોઈપણ ઋતુમાં એકવાર શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપની મુલાકાત લઈ તેનાં આઈસ્ક્રીમને માણશો તો સ્વાદની ઠંડક પ્રસરી જશે.

ફેક્ટ ફાઈલ : શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ
સ્થાપના : ૧૯૧૩
સ્થાપક : સ્વ. માવજીભાઈ જેરામભાઈ પટેલ
સંચાલક : મનસુખભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, જીતેશભાઈ પટેલ અને નમન પટેલ
હેડ શોપ : સદર બજાર રાજકોટ
બ્રાંચ : રેસકોર્ષ રીંગ રોડ અને ઈન્દીરા સર્કલ રાજકોટ
પ્રોડક્ટ્સ : ૬૦થી વધુ ફ્લેવર્સ આઈસ્ક્રીમ, શ્રીખંડ, થીક શેઈક, કુલ્ફી-કેન્ડી
સ્ટાફ : ૫૦ કર્મચારી
એક્સપોર્ટ : રાજકોટથી સમગ્ર ગુજરાત, મુંબઈ અને પુના સુધી
વિઝન : શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની વધુને વધુ બ્રાંચ ખોલવી અને ગ્રાહકને સંતોષકારક રીતે માંગ મુજબ અવનવા સ્વાદવાળો સુગર ફ્રી ગુણવત્તાસભર આઈસ્ક્રીમ બનાવી ખવડાવો.

ગુરુમંત્ર : કોઇપણ વેપાર-ધંધાનું આયુષ્ય વધીને ૪૦થી ૫૦ વર્ષ હોય છે. ત્યારબાદ નવી પેઢી કે સમય અને સંજોગમાં પરિવર્તન આવતા જૂનો વેપાર-ધંધો બંધ થાય છે અથવા તે વેંચાઈ જાય છે જ્યારે ૧૦૪ વર્ષ જૂની શ્રી સત્યવિજય આઈસ્ક્રીમનો વેપાર-ધંધો એક સદીથી વધુ સમય સુધી ટકીને વિકાસ પામી શક્યો છે એ પાછળ સ્થાપકથી નવી પેઢીઓ સુધીનાંઓની પારિવારિક વ્યવસાયને વિકાસવવાની ધગશ અને મહેનત રહેલી છે. છેલ્લાં પચાસ વર્ષથી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની ત્રીજી પેઢી મનસુખભાઈ પટેલનું માર્ગદર્શ અને પરિશ્રમ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની યુએસપી હોવાનું કેતનભાઈ અને જીતેશભાઈ પટેલ જણાવે છે. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની સફળતાનું એક કારણ એ પણ છે કે, તેમણે માત્ર આઈસ્ક્રીમ જ બનાવ્યો અને વેંચ્યો. ૧૦૦ વર્ષ સુધી દરેક ઋતુમાં માત્ર આઈસ્ક્રીમ વહેંચી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમએ સશક્ત બ્રાડીંગનાં પાયાનો નિયમ સમજાવ્યો છે કે, એક જ પ્રોડક્ટવાળી બ્રાંડ સૌથી વધુ સફળ હોય છે. શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ શોપમાં બીજા આઈસ્ક્રીમ શોપ જેવા જ ફ્રૂટ એન્ડ ફ્લેવર્સ આઈસ્ક્રીમ મળે છે પણ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની સદી જૂની વિશ્વસનિયતા જ તેનો સક્સેસ ફંડા છે. જૂનું એટલું સોનું.

બોક્સ : શ્રી સત્યવિજય આઈસ્ક્રીમની પાંચમી પેઢી એટલે કે, જીતેશભાઈ પટેલનાં સંતાન નમન પટેલ લાઈવ આઈસ્ક્રીમનાં કન્સેપ્ટ પર કામ કરી રહ્યા છે. આવનારા સમયમાં નમન પટેલ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમમાં લાઈવ આઈસ્ક્રીમનો કન્સેપ્ટ અમલમાં મૂકી સત્યવિજય આઈસ્ક્રીમને બીજા આઈસ્ક્રીમ નિર્માતાઓ કરતા એક ડગલું આગળ લઈ જશે. જે રીતે જીતેશભાઈનાં સંતાન નમનભાઈ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમમાં કાર્યરત બની ચૂક્યા છે તે રીતે કેતનભાઈની ઈચ્છા પણ પોતાનો પુત્ર દેવ ભવિષ્યમાં શ્રી સત્યવિજય આઈસ્ક્રીમમાં જોડાઈ તેવી છે. મનસુખભાઈ પટેલને આશા છે કે, તેમના બંને પુત્ર કેતનભાઈ અને જીતેશભાઈની જેમ જ તેમનાં બંને પૌત્ર નમન અને દેવ શ્રી સત્યવિજય આઈસ્ક્રીમને બીજા ૧૦૦ વર્ષની સફર સુધી લઈ જઈ પટેલ પરિવારની આન, બાન અને શાન શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ નામક પારિવારિક વ્યવસાયનો વિકાસ કરશે અને આઈસ્ક્રીમની દુનિયામાં રાજકોટનું ગૌરવ વધારશે.