સંવત:૨૦૭૬નું વાર્ષિક રાશિફળ.. જાણો તમામ ૧૨ રાશિઓનું ભવિષ્ય કથન ભવ્ય રાવલની કલમે..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

 

  • સ્વાસ્થ્ય, પ્રવાસ, વ્યવસાય, આર્થિક, પારિવારિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે એ વાંચો..વહેચો..

વૈદિક જ્યોતિષમાં નક્ષત્રોને કુલ ૧૨ રાશિઓમાં વહેંચવામાં આવે છે. મીન, કુંભ, મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, કન્યા, વૃશ્ચિક, ધનુ, મિથુન અને મકર. આમ, કુલ મળી ૧૨ રાશિઓ છે અને આ રાશિઓના આધારે જ્યોતિષીઓ કોઈપણ વ્યક્તિ વિશે જણાવી શકે છે. ગોચરના ગ્રહો જન્મ રાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. આ લેખમાં જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ભવ્ય રાવલ દ્વારા વિક્રમ સવંત ૨૦૭૬ – અંગ્રેજી વર્ષ ૨૦૨૦ વિશે તમામ ૧૨ રાશિઓનું ભવિષ્ય કથન કરવામાં આવ્યું છે. દરેક રાશિની સાપેક્ષે ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળ કથનનું શુભાશુભ મદાર રાખે છે. પરંતુ જાતકોનાં ગ્રહો જેટલા જ મહત્વપૂર્ણ કર્મો પણ છે. એટલે અહીં કર્મોને ગ્રહ સ્થાને રાખી ભવિષ્ય કથન કરવામાં આવ્યું છે. આ રાશિ ભવિષ્યની સહાયથી તમે જીવનમાં ઈચ્છીત સફળતા મેળવી અપાર સુખ-સમૃદ્ધિ હાંસલ કરી શકશો. એકંદરે આ વર્ષે મેષથી લઈ મીન રાશિનાં જાતકોનું ભવિષ્ય આ મુજબ રહેશે. જય શ્રી ગણેશ

મેષથી લઈ મીન રાશિ જાતકોનાં શુભ રંગ, અંક, વાર, દિશા, મિત્ર અને શત્રુ રાશિ –
શુભ રંગ : મેઘધનુષ
શુભ અંક : ૦થી ૯
શુભ વાર : રવિથી શનિ
શુભ દિશા : ચૌ દિશા
મિત્ર રાશિ : મેષથી લઈ મીન
શત્રુ રાશિ: મેષથી લઈ મીન

મેષથી લઈ મીન રાશિઓનાં જાતકોનાં ગ્રહોનું વર્ષફળ : હર વર્ષની આ વર્ષે પણ કેટલાંક ગ્રહો આપની રાશિમાં ભ્રમણ કરે છે. આ ગ્રહોની દૃષ્ટિએ આપનું વર્ષ તો જ લાભદાયી-સુખદાયી નીવડશે જો આપ પૂર્વગ્રહ મુક્ત બનો. પૂર્વગ્રહ મુક્ત બનવાથી વર્ષનાં ઉત્તરાર્ધ દરમિયાન ગ્રહોની રાશિ બદલાતા દરેક ક્ષેત્રોમાં સારામાં સારી તક પ્રાપ્ત કરી શકશો. આ વર્ષ દરમિયાન આપની રાશિમાં રહેતા-ફરતા ગ્રહોને કારણે જીવનમાં ઘણાબધા ચઢાવ-ઊતાર આવશે. સફળતામાં છકી કે નિષ્ફળતામાં ડુકી નહીં જાવ અને સમતા કેળવશો તો વર્ષનાં મધ્ય ભાગ પછી જીવનમાં થોડી-ઘણી સ્થિરતા આવતી જણાશે. મેષથી લઈ મીન રાશિનાં જાતકો માટે ગ્રહનું વર્ષફળ કર્મ આધારિત બની રહેશે. મતલબ કે, જેવું આપશો તેવું પામશો. જેવું કરશો તેવું ભરશો.

મેષથી લઈ મીન રાશિઓનાં જાતકોનું વાર્ષિક રાશિફળ

નાણાકીય અને આર્થિક : મંદી-મોંઘવારી કારણોસર નવા વર્ષનાં પ્રારંભિક મહિનામાં નાણાભીડ અનુભવાઈ. આવક કરતા જાવકનું પ્રમાણ ન વધે તેની કાળજી રાખવી. બે નંબરનાં રૂપિયા કમાવવા જતા એક નંબરનાં રૂપિયા ન ગુમાવી બેસો તેનું ધ્યાન રાખશો. નીતિની કમાણી કરશો તો ચોક્કસ નવા વર્ષની શરૂઆતથી જ આર્થિક સ્થિતિમાં ઉન્નતિ આવશે. સરકારને સમયસર ટેક્સ ભરવો, ખરીદી સમયે બિલ અચૂક લેવું, ક્યારેય કરચોરી કરવી નહીં. તમારી રાશિનાં જાતકોનાં વ્યક્તિગત ગ્રહો સૂચવે છે કે, વ્યાજે રૂપિયા લેવા કે આપવા ભયજનક છે. જરૂરી ન હોય તો લોન ન લો. આર્થિક બાબતોમાં અનીતિ કરશો તો પરેશાની આવી શકે છે.

નોકરી અને વ્યવસાય : ઈમાનદારી અને જવાબદારીપૂર્વક કામ કરશો, કામચોરી નહીં કરો તો આ વર્ષે નોકરી અને વ્યવસાયમાં વિશેષ લાભ મળી શકે છે. જેમ વધુ મહેનત કરશો તેમ વધુ મહેનતનું વધુ ફળ ચોક્કસ મળશે. આ સમયમાં તમારે તમારા કામકાજમાં થોડી મહેનત વધારવી પડશે. દેખાદેખી-અદેખાઈ અને બિનજરૂરી હરીફાઈમાંથી ખુદને મુક્ત કરી દ્યો. માત્ર કર્મ કરો, ફળની ચિંતા નહીં. યાદ રાખો પરિશ્રમનું પરિણામ પ્રમોશન જ હોઈ શકે છે. નોકરી હોય કે વ્યવસાય.. શ્રેષ્ઠ આપવાના પ્રયત્ન કરશો તો નામ, દામ અને કામ બેશક કમાઈ શકશો. નોકરી અને વ્યવસાય બાબતે નવા વર્ષથી દરેક રાશિનાં જાતકો જાળવશે નહીં તો ઝટકો ખાશે.

સ્વાસ્થ્ય અને આરોગ્ય : નવા વર્ષથી જ ખાવાપીવામાં નિયંત્રણ રાખશો તો આવનારા વર્ષમાં સારું સ્વાસ્થ્ય અને અવ્વલ આરોગ્ય જળવાઈ રહેશે. નિયમિતપણે ચાલવું. દરરોજ કસરત-વ્યાયામ કરવા. યોગને જીવનનો ભાગ બનાવો. તમારી તમામ ખાવા-પીવાની ઈચ્છાઓને સાનુકૂળ પરિસ્થિતિમાં રાખશો તો આપનું સ્વાસ્થ્ય-આરોગ્ય જ‌ળવાઈ રહેશે. આખા વર્ષમાં ક્યારેય પણ સ્વયં કે અન્યને શારીરિક-માનસિક તકલીફો આપવી નહીં અન્યથા તેનું પરિણામ ખરાબ આવી શકે છે. તબિયત બરાબર ન જણાય તો તુરંત જ ડોક્ટરી તપાસ કરાવવી, રિપોર્ટ કઢાવવા અને નિયમિતરૂપે દવા લેવી. આ વર્ષે તમારે તન-મન સ્વસ્થ્ય રાખી આરોગ્ય સાચવી રાખવું અગત્યનું બની રહેશે.

લગ્ન અને લવ : બધી જ રાશિનાં જાતકોએ લગ્ન અને લવ સંબંધોમાં સમર્પણ અને સમજદારી વધારવાની વિશેષ જરૂર છે. જેનાથી આપને અને આપના પરિવારજનોને ફાયદો થશે. વર્ષ દરમિયાન સાથી સાથે જરૂરિયાતથી વધુ શંકા-સવાલો ન કરવા. જીવનસાથીને પૂર્ણ સહયોગ આપવો. એકથી વધુ વ્યક્તિઓ સાથે સંબંધ બાંધશો તો ડિવોર્સ અને બ્રેકઅપનાં યોગ બનતા જણાય રહ્યાં છે. દામ્પત્ય જીવનમાં કે પ્રેમ સંબંધોમાં ઉદભવેલા ખટરાગને દૂર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. જતું કરવાની ભાવના વિકસાવો. સંબંધમાં ઈમાનદારી રાખશો તો આ વર્ષે એ સંબંધમાં વસંત ખીલતી જણાશે. સંબંધોના ગૂંચવાડાનો નિવેડો લાવવાનો એક જ ઉપાય છે માફી આપો અને મોટું મન રાખો.

પ્રવાસ અને મુસાફરી : નવા વર્ષમાં પ્રવાસ અને મુસાફરીનાં યોગ ઉજળા છે. વિશેષ કરીને તમારે મહિનામાં એક વખત ઘરની નજીકનાં મંદિરે દર્શન કરવા જવું જરૂરી છે, દૂર-દૂર ધાર્મિક સ્થળોની મુલાકાત નહીં લો તો ચાલશે. પરિવાર સાથેની આપની યાત્રા આપને લાભ કરાવશે. પરિવાર સાથે જ પ્રવાસ – મુસાફરી કરવી. વડીલોને પણ જાત્રા કરાવવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. શક્ય હોય ત્યાં સુધી હોલ અને મોલનો પ્રવાસ ટાળવો. તમારા માટે વિદેશ કરતા દેશમાં ફરવું વધુ હિતકારક જણાય છે. આ વર્ષે આપ અવનવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

નવા વર્ષ નિમિત્તે નડતર નિવારણ
નવા વર્ષમાં આપની તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ, પીડાઓ દૂર કરવા માટે..
* પારિવારિક – સામાજિક – ધાર્મિક સમરસતા કેળવો. માનવસેવા સાથે દેશસેવા કરો.
* આપની આસપાસ સ્વચ્છતા અપનાવો. સમાજમાં સમાનતાનું વાતાવરણ બનાવો.
* સુખ-સંતોષનો અનુભવ કરવા સગા-સ્નેહી, મિત્રો માટે સુમેળતાભર્યો વ્યવહાર-વિચાર રાખો.
* કોઈની વાતોમાં આવી સાચું-ખોટું માની ન જાઓ. આક્રોશ ના કરશો, આનંદ વહેચશો.
* ઈન્ટરનેટમાં ઓછું અને એજ્યુકેશન-ઇન્ફોર્મેશનનાં વિષયોમાં વધુ ધ્યાન આપો.
* દવા કરતા દારૂ અને કરિયાણાની દુકાન કરતા રેસ્ટોરાંનું બીલ વધી ન જાય તે ખાસ જૂઓ.
* સારા-નરસા અને સાચા-ખોટાનો ભેદ જાતે પારખતા શીખશો.
* જીવનમાં દરેક વ્યક્તિ, વસ્તુ કે વિચારને સમય આપશો. ધીરજ રાખજો.
* અંધશ્રદ્ધા કરતા આપણા અને આપણાઓ પર વધુ વિશ્વાસ કરજો.
* ધાર્મિકની સાથે આધ્યાત્મિક બનજો.

તમામ રાશિનાં જાતકો ઉપરોક્ત કેટલીક બાબતો અંગે કાળજી રાખશે તો નવા વર્ષ દરમિયાન અવશ્ય શુભ-લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ છવાઈ જશે. વિક્રમ સંવંત ૨૦૭૬ – અંગ્રેજી વર્ષ ૨૦૨૦નું વર્ષ અનેક દૃષ્ટિકોણથી આપના માટે લાભદાયી-ફળદાયી બની શકે તેમ છે. જીવનમાં જરૂરી છે સારા કર્મોની. સારા કર્મો કરશો તો માત્ર આ જ નહીં આવનારા તમામ વર્ષો દિવ્ય-ભવ્ય-જીવ્ય બની રહેશે. નવા વર્ષનાં રામ..રામ..

– ભવ્ય રાવલ