સિગ્મા યુગ માટે અનિકેત છોડવા રાજી છે, શું યુગ સિગ્મા માટે કોમલને છોડશે?

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

મારું નામ યુગ છે. હું એક અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરું છું. થોડાં વર્ષો પહેલાં મારા માતા-પિતાએ મારાં લગ્ન કોમલ નામની છોકરી સાથે કરાવ્યા હતા. હાલમાં મારે પત્ની, દીકરી તેમજ માતા-પિતા સહિત પાંચ સભ્યોનો પરિવાર છે. આ સિવાયની સત્ય અને મુખ્ય વાત એ છે કે, કોમલ મારાં સંતાનોની મા હોવા છતાં હું કોમલને નહીં સિગ્માને ચાહું છું. સિગ્મા અને હું એક જ ઓફિસમાં સાથે કામ કરતાં-કરતાં ક્યારે એકબીજાને ગમવા લાગ્યા એ ખબર જ ન રહી.
સિગ્મા મિલનસાર સ્વભાવ ધરાવતી યુવતી. તેને સૌ સાથે ફાવી જતું, બધા સંગે હળીમળી રહેતી. તેની બદલી મારી બ્રાંચમાં થયાનાં થોડાં સમયમાં અમારી ઓફિસનાં સ્ટાફ સાથે તેનાં સુમેળભર્યા સંબંધો બંધાઈ ગયા. ખાસ કરીને મારી સાથે. બહું ઝડપથી અમારો નિકટનો પરિચય કેળવાતો ગયો. એ રોજ ટીફિનમાં મને ભાવતું ભોજન બનાવીને લઈ આવે. ક્યારેક સિગ્માને ભાવતી વાનગી હું કોમલને ટીફિનમાં બનાવી આપવા કહેતો. જોતજોતામાં હું અને સિગ્મા એકબીજાની રસ-રુચિથી લઈ દરેક અંગત બાબતોથી પરિચિત થઈ ગયા. હવે મારો અને સિગ્માનો સંબંધ મિત્રતા પૂરતો સીમિત રહ્યો ન હતો. જે અમે બંને મનોમન જાણતા હતા. લગભગ અમારા સાથી સહકર્મચારીઓ પણ આ વાત અનુભવવા લાગ્યા હતા.
સિગ્માને સવાલો કરવાની બહું ખોટી ટેવ. એની પાસે અવનવા, ભાતભાતનાં સવાલોનો ખજાનો. અને હું સિગ્માનાં એકપણ સવાલનો જવાબ આપવા અસમર્થ. એકદિવસની વાત છે, ઓફિસમાં કામકાજ વહેલું ખતમ થઈ ગયું. નવરા બેઠાં સિગ્માને તોફાન સૂજ્યું તેણે મને ઘણું ઉટપટાંગ પૂછી નાખ્યું. આજ સુધી મારી આ પ્રકારની અંગત પૂછપરછ કોઈએ કરી ન હતી. માથું દુઃખવા લાગ્યું ગયું એટલે એણે કહ્યું, ચાલ ચા-નાસ્તો કરવા જઈએ. અમે બંને ઓફિસથી વહેલાં નીકળી એક રેસ્ટોરાંમાં ગયા. જ્યાં મારાંથી અજાણતા સિગ્માને સ્પર્શી જવાયું. સિગ્માને પણ જાણે મારું સ્પર્શ ગમી ગયું તેમ તેણે મારા સ્પર્શ પર અણગમો વ્યક્ત ન કરતા માત્ર શરમ દાખવી. ધીમેધીમે રેસ્ટોરાંની મુલાકાતો હોટેલનાં કમરા સુધી આવી. ક્યારેક ઓફિસનાં કામથી બહારગામ જવાનું થતું તો દિવસો સુધી અમારા વચ્ચે સહવાસ કેળવાતો. અમે મિત્ર, પ્રેમી અને પરણિત પાત્રોનાં સંબંધોથી પણ એક હદ વટાવી આગળ નીકળી ચૂક્યા.
ઓફિસમાં રજાઓ આવતી અને અમે એકબીજાને મળી ન શકતા એ ખૂંચ્યા કરતું. હવે એકમેક વિના રહેવું અશક્ય લાગતું હતું, એનો કોઈ ઉપાય પણ ન હતો. તેમ છતાં સિગ્માથી રહેવાયું નહીં. તેણે રજાના દિવસે મને જરૂરી કામ છે કહી કોફીહાઉસમાં બોલાવ્યો. અમે બેઠાં, કોફી અને નાસ્તો ઓર્ડર કર્યો. રોજ બોલતાં ન થાકતાં આજે અમારાં હોઠ સીવાઈ ગયેલા. મીનીટો સુધી અમે એકબીજાને જોઈ રહ્યા. થોડીવારમાં કોફી અને નાસ્તો આવી ગયો. મગ હોઠે અડાડી કોફીનો એક ઘૂંટ ગટગટાવતા સિગ્માનું મૌન અચાનક તૂટ્યું, યુગ આમ ક્યાં સુધી? તને નથી લાગતું તારે કોમલથી અને મારે અનિકેતથી ડિવોર્સ લઈ લેવા જોઈએ.
સિગ્માની વાતે મને હચમચાવી નાખ્યો. મેં કહ્યું વ્હોટ? સિગ્મા તું તો જાણે છે મારે એક દીકરી છે.
હા તો સારું જ છે ને.. હું બધું સમજું પણ છું.. મારે પણ એક પતિ છે જ ને.. તારે પણ એક પત્ની છે.. કેમ? સિગ્માએ તૂટક તૂટક ઘણું કહી-પૂછી લીધું.
તું કશું સમજતી નથી. જો સમજતી તો આવી વાત જ ન કરતી. મારો અવાજ ઊંચો થતા મને ગુસ્સો આવ્યો હોય તેવું લાગ્યું. સિગ્મા મારો હાથ પકડી લીધો. તેની હથેળીઓનો સ્પર્શ મારાં પંજાને થતા હું શાંત પડ્યો. આમ ક્યાં સુધી યુગ? સિગ્માનાં દરેક સવાલની જેમ મારી પાસે આ સવાલનો પણ જવાબ ન હતો. હું કશું ન બોલી શક્યો.
એક વાત કહું?
હા..
મારે આપણા સંબંધોનું એક નામ જોઈએ છે. તું અને હું બંને જાણીએ છીએ કે તને કોમલ અને મને અનિકેતમાં હવે રસ નથી. ભૂતકાળ જે કઈપણ હોય, વર્તમાનમાં આપણે એકબીજાને ગમીએ છીએ. અને હવે હું ભવિષ્યમાં તારી સાથે આ પ્રકારનાં સંબંધો રાખવા ઈચ્છતી નથી.
કોફી નાસ્તો બાજુ પર રહી ગયા. હું સિગ્માને એકધારી જોઈ રહ્યો.
આખરે ક્યાં સુધી કોઈ સ્ત્રી પરપુરુષ સાથે નામ વિનાના સંબંધો નિભાવતી રહે. મારો પણ એક ઘણી છે.
તું એવું ઈચ્છે છે કે હું કોમલને અને તું અનિકેતને છુટાછેડા આપી આપણે એકબીજા સાથે પરણી જઈએ.
અફકોર્સ. તો એમાં તને કઈ ખોટું લાગ્યું?
સિગ્મા આપણે આપણા સ્વાર્થ માટે એમની જિંદગી શું કામ બગાડવી જોઈએ?
તું આપણા સંબંધોને સ્વાર્થનું નામ ન આપીશ. પ્લીઝ. બીજી વાત એ.. સિગ્મા કોફી પૂરી કરતા વાત આગળ ધપાવી, આજ સુધી આપણે એ બંનેને છેતર્યા છે. હજુ કેટલા? શું તે આ રિલેશન સેક્સ માટે જ બાંધ્યા હતા?
સિગ્માનાં ફરી એક પ્રશ્નનો જવાબ મારી પાસે ન હતો.
તું એક દીકરીનો બાપ છે તેમ હું પણ એક સંતાનની મા બનવા ઈચ્છું છું. દિવસે તારી સાથેની મજાઓ રાતે અનિકેતની સાથે સૂતા સજા જેવી લાગે છે.
હું નીચું જોઈ ગયો.
યુગ તું આમ નહીં કર. કઈક બોલ. કઈક કરવાની તૈયારી બતાવ અને મારી વાત માન.
હું કોમલને નહીં છોડી શકું. સોરી સિગ્મા..
તો તારે મને મૂકવી પડશે. વિચારીને તારો નિર્ણય જણાવી આપ. આજે અને અત્યારે જ..
સિગ્માએ મારી હથેળી જકડીને પકડી લીધી.
સિગ્મા યુગ માટે અનિકેત છોડવા રાજી છે. શું યુગ સિગ્મા માટે કોમલને છોડશે?
ના ક્યારેય નહીં. મારાથી પ્રથમવાર સિગ્માનાં સવાલનો હિંમતપૂર્વક જવાબ અપાઈ ગયો. મેં સિગ્માને સ્પષ્ટ જણાવ્યું, હું તને છોડવા તૈયાર છું. સિગ્માની આંખોમાં મેં પ્રત્યુત્તરરૂપે ભીનાશ જોઈ. મારાથી પણ આંસુ રોકી ન શકાયા. એક સાથે ઘણા આત્માઓ દુભાવ્યાનો અહેસાસ થયો. હું સિગ્માનો હાથ છોડાવી ત્યાંથી ફટાફટ નીકળી ગયો.
ત્યાર પછી સિગ્મા દિવસો સુધી ઓફીસે ન આવી. તેનો મોબાઈલ નંબર, વોટ્સઅપ, ફેસબૂક એકાઉન્ટ બધું બંધ. એકદિવસ એ તેના પતિ અનિકેત સાથે ટ્રાન્સફર ઓર્ડર લેવા ઓફિસ આવી પણ ત્યારે હું ત્યાં ન હતો. તેણે પોતાની બદલી શહેરની એક અન્ય બ્રાંચ માગી લીધી હતી. એક જ શહેરમાં હોવા છતા અમે મહિનાઓ સુધી ન મળ્યા, ન કોઈ સંપર્ક કરવાની કોશિશ કરી.
સિગ્માને ના કહી દિવસ-રાત મને ખોટું કર્યાનો અહેસાસ થતો રહેતો. એ મારા માટે બધું છોડવા તૈયાર હતી. અને હું? કશું નહીં.
આજે વહેલી સવારે છાપામાં વાંચ્યું અને ઓફીસ જઈ ખબર પડી કે, પતિ અનિકેતનાં ત્રાસ અને અન્ય સ્ત્રી સાથેનાં ગેરસંબંધોથી કંટાળીને સિગ્મા નામની યુવતીએ આત્મહત્યા કરી લીધી. સિગ્માની આત્મહત્યા મારાં માટે પણ અસહ્ય હોય હું પણ સિગ્મા પાસે તેનાં બધા જ સવાલોનાં જવાબો આપવા જઉં છું..

મિરર મંથન : કામ કરવાના સ્થળ પર સાથી કર્મચારીઓ સાથેનાં માયાળુ સંબંધોનાં કિસ્સા-કહાણીઓમાં નાવીન્ય નથી. માણસ લાગણીશીલ પ્રાણી હોય સંબંધોનાં સમીકરણ બદલાતા વાર લાગતી નથી. આથી ક્યારેય પણ કોઈપણ સંબંધ બાંધતા પહેલાં અને બાંધ્યા બાદ તેની મર્યાદાભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યુગ અને સિગ્મા ભૂતકાળમાં થયેલાં અનુભવો, વર્તમાનમાં જોડાયેલા સંબંધોની જવાબદારી અને ભવિષ્યનાં પરિણામોની પરવા કર્યા વિના નામ વિનાના અનામી સંબંધોમાં આગળ વધતા ગયા. જ્યારે તેમને પોતાની ભૂલનું ભાન થયું ત્યારે બહું મોડું થઈ ગયું હતું. અહી બહુ વિચારવા લાયક બાબત એ છે કે, યુગે પોતાની પત્ની, સંતાનો અને સિગ્માનાં પતિ અનિકેતની એમ ત્રણ-ત્રણ જિંદગીઓ ન બગડે તે માટે છુટાછેડાના રસ્તે જઈ મિલનનો માર્ગ અપનાવવાનો ઈન્કાર કર્યો. જો યુગ સિગ્માની લાગણી અને માગણીથી રાજી થઈ તેને અપનાવી લેતો તો?