સોશિયલ મીડિયાનાં રીડોટર્સ : ભલા તારી ફોર્વડિયા.. ભલા તારી ચેટકિયા..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

છેલ્લાં અડધા દસકમાં સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાએ સૌને હરતા-ફરતા સમાચારપત્રી અને ખબરીઓ બનાવી દીધા છે. કોઇપણ ઘટના, બનાવ, અકસ્માત કે પ્રસંગની વિશેષ અને વહેલી જાણકારી પત્રકાર પહેલા તો સોશિયલ મીડિયા યૂઝર્સ પાસે હોય છે! સમાચારો હવે અખબારો, રેડિયો કે ન્યૂઝ ચેનલ્સ પહેલા વોટ્સઅપ, ફેસબૂક અને ટ્વીટર પર વંચાય અને જોવાય છે. જૂના જમાનાથી ઓડિયો વિઝ્યુઅલની ઈજારાશાહી ધરાવતા ન્યૂઝ અને રેડિયો ચેનલ્સ કરતા હવે વીડિયો-ઓડિયો સૌથી પહેલા સોશિયલ મીડિયામાં પ્લે-રન એન્ડ વાઈરલ થઈ જાય છે. સોશિયલ મીડિયાની ગરમાગરમ બજારથી સમાચાર સંસ્થાઓનાં ‘બ્રેકીંગ’, ‘એક્સલ્યુસીવ’ અને ‘ન્યૂઝ અપડેટ’નાં પાટિયા ઉતરી ગયા છે.
સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું ત્યારથી દરેક સોશિયલ મીડિયા યુસર્સ જાણે મોબાઈલીયો રાઈટર, થિંકર અને જર્નાલિસ્ટ બની ગયો છે. પરોઢિયે ઉઠતા સાથે મેસેજ, ટેગ અને પોસ્ટ મૂકી સતત માહિતી અને ગુણ-જ્ઞાનનો પથારો પાથરી ઘર બેઠા જ બીજાની પથારી ફેરવવામાં શરૂ થઈ જતા સોશિયલ મીડિયાનાં રીડર-રીપોટર કમ રીડોટર્સ દરેક વાતને સામાન્યત: સૌ સાથે વહેંચે છે. એ વહેંચાયેલી સામગ્રી બીજો ત્રીજા સુધી અને ત્રીજો સીધા હજારો સુધી અને હજારો લાખો સુધી વહેંચી નાખે છે. ભાઈ..ભાઈ.. મૌજ આવી જાય છે. લેકીન, કિન્તુ પરંતુ બંધુઓ આ બધું એક હદ સુધી બરાબર છે.
ઇન્ફોર્મેશન-નોલેજની ટેગમટેગી અને પોસ્ટ-કોમેન્ટ્સમાં આક્રોશ, આગાહી, અભિપ્રાયોનો મારો થવા લાગે છે ત્યારે શેર કરનારાઓને સબસે પહેલે આપ તક જેવી ફીલિંગ થાય છે પણ પાછળથી શેર કરેલા સમાચારો ફેક કે અર્ધ સત્ય નીકળે ત્યારે મારું બેટું લાગી આવે છે. સમજવા જેવું છે કે, ઓનલાઈન શેરિંગ એ બંદૂકમાંથી નીકળતી ગોળીથી કમ નથી. તેમાં ડિલીટ છે પણ રિવાઈન્ડ નથી. આપણી બાજુથી મોકલેલુ રાઈટઅપ-ઓડિયો-વીડિયો આપણે રીમુવ કરી નાખીએ પણ સામેની બાજુ? ગઈ ભેંસ પાની મેંમેમે..
ભૂલેચૂકે કે ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારા, ખોટા, અવાસ્તવિક, અફવા અને વાંધાજનક સમાચાર જ્યારે જાણે-અજાણ્યે સોશિયલ મીડિયા પર શેર થઈ જાય છે ત્યારે સરકારને નાછુટકે નેટબેન કરવું પડે છે. યાને ફરજીયાત ડિજીટલ ઉપવાસ. ભારત જેવા સૌથી મોટા સ્વતંત્ર અને લોકશાહી દેશમાં સ્વતંત્રતાની સીધીસટ્ટ તરાપ સમી નેટબંધી જ્યારે-જ્યારે લગાવવામાં આવે છે ત્યારે-ત્યારે સોશિયલ મીડિયાની સત્તા, શક્તિ, અને મહત્વતા દર્શાઈ આવે છે. માટે કં…ટ્રોલ.. રીડોટર્સ.. જેમ રસ્તા પર વધુ પડતી ઝડપ અકસ્માતને નોતરે છે તેમ સોશિયલ મીડિયાના નેટવર્કમાં ખરાઈ વિનાની વહેંચાતી વાતો સોસાયટી માટે ખતરો છે. ચેટિંગ, ફોરવર્ડ અને પોસ્ટ દરમિયાન સોની હીરાની પરખ કરે તેમ બે વાર જોઈ-વિચારી કશું લખો-મોકલો નહીં તો આવડું આ સોશિયલ મીડિયા તમારી સોશિયલ લાઈફ સ્પોઈલ કરી નાખશે.
સોશિયલ મીડિયાનાં રીડોટર્સ, ફોર્વડિયાઓ અને ચેટકિયાઓ જાતિ, જ્ઞાતિ, ધર્મ, સંસ્થા, સોસાયટી, શાળા-કોલેજ-યુનિ., ઓફીસ-કારખાનાથી લઈ બેચલર્સ, બાર્બીડોલ્સ, કપલ્સ, પોર્ન આદિ અનેક ડેટાફાડ ગ્રુપમાં દરરોજ એકાદ જીવતા સેલિબ્રિટીને મૃત્યુની શોકમય શ્રદ્ધાંજલિ હૃદયપૂર્વક પાઠવે છે, પાકિસ્તાન-ચીન મુદ્દે ઈન્ટલીજન્સ એજન્સીને પણ ખબર ન હોય તેવા સનસનીખેજ ખુલાસાઓ કરે છે, રાજકીય નેતાથી લઈ રસ્તે રખડતા કોઈપણ વ્યક્તિના ચારીત્ર અને અંગત સંબંધો પર પોતાનો અભિપ્રાય પેશ કરે છે, ભારતીય રમતગમતથી લઈ સંરક્ષણ અને વિદેશ નીતિ મુદ્દે શું અને ક્યાં ફેરફાર કરી શકાય તેની ચર્ચા કરે છે. ખુલાસાઓ, અફવાઓ, વર્તારાઓ, ફોટાઓ, વીડિયો, જોક્સ, નોનવેજ કન્ટેન્ટનાં શેરિંગ-ફોર્વડિંગ થતા રહે છે. અને આટલું તો દિવસ ઊગતાની સાથે કલાકોમાં થઈ જાય છે. બપોર પડતા-પડતા સોશિયલ મીડિયામાં કોઈપણ અહેરોગહેરો કોઈપણ ફલાણા-ઢીકણાની પટકી પાડી નાંખે છે અને પછી ત્યાં જ માફી પણ માંગી લે છે. ક્યારેક શાબ્દીક શીતયુદ્ધ તો ક્યારેક હોટ રોમાન્સ તો ક્યારેક લંગોટીયો યાર મળે તો ક્યારેક કોલેજીયો પ્યાર સામે ચાલી આવે. લગ્નસંબંધનાં ભંગાણ અને અનૈતિક સંબંધનાં જોડાણથી લઈ ચેટિંગથી મીટિંગ અને ડેટિંગથી ડિવોર્સનાં પ્લાનિંગ, બિઝનેસ મીટ, બજારભાવ, ઓડર્સ કન્ફર્મ અને કેન્સલ એક્સેટ્રા બધું જ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર રિઅલમાં થાય છે. યસ. સોશિયલ મીડિયાએ વ્યાપારિક અને વ્યાવહારિક સંબંધોને સ્પીડી અને ઈઝી બનાવ્યા છે એટલે જ તો હવે લાગણીઓ સ્માઈલીમાં અને લવ-લસ્ટ વીડિયો કોલમાં થાય છે. હવે સમજાયું શું કામ સોશિયલ મીડિયા પર સંયમ જરૂરી છે? જો.. બકાઓ સોશિયલ મીડિયાએ તમારી ડિજીટલ પ્રોફાઈલ છે. ગમે તેટલી પ્રાઈવસી રાખશો તમારી પોસ્ટ-મેસેજ-કોમેન્ટ અને શેરિંગ પરથી તમારા વ્યક્તિત્વની ઓળખ આસાનીથી મળી રહેશે.
મોબઈલ, લેપટોપની સ્ક્રીન પર બીજાની પ્રગતિ જોઈ બળી અને દુર્ગતિ જાણી રાજી થતા નેટસેવીઓને સેન્સર કે પ્રતિબંધોનો ભય નથી આથી અહં બ્રહ્માસ્મિ મુજબ પોતે જ બ્રહ્મ કક્ષાએ સર્વ વિદ્યાનાં જાણકાર હોય તેમ કોઈપણ વિષયમાં કઈ પણ લખી, બોલી, વહેંચી નાખવામાં તેઓ જરા પણ સંકોચ કે કચાસ રાખતા નથી. ગૂગલમાં ‘સોશિયલ મીડિયા’ શબ્દ ગુજરાતીમાં સર્ચ કરો તો ખબર પડે કે, ફેસબુકિયાવ અને વોટ્સઅપીયાવએ કેટલા-કેટલાં રમખાણો અને ક્યાં-ક્યાં અપરાધો આચર્યા છે. જો કે, આ બધા જ સોશિયલ મીડિયાનાં ગેરફાયદા નથી પણ આ સોશિયલ મીડિયા યુસર્સ દ્વારા એક સારા માધ્યમનો દુરપયોગ છે. જેમાં સંયમ અને સમજદારી રાખી સદુપયોગ શીખવો પડશે. બાકી ક્યારેક તો આ ચાર ઈંચનાં ટચપેડ પર અંગૂઠો ફેરવી દુનિયા હલાવી નાખનારા રીડોટર્સને જોઇને તમને પણ દ્રોણાચાર્યની જેમ અંગૂઠો માંગી લેવાનું મન થાય છે ને? ભલા તારી…

ડેઝર્ટ : સોશિયલ મીડિયાનાં આગમન પહેલા આપણે સૌ પંખા નીચે બેસતા હતા, હવે સ્વીચબોર્ડનાં ચાર્જીગ પોઈન્ટ પાસે બેસીએ છીએ.

બોક્સ :
૩૦ જૂન સોશિયલ મીડિયા-ડે છે. સોશિયલ મીડિયાની સૌ પ્રથમ વેબસાઈટ ‘સિક્સ ડિગ્રીસ’ ૧૯૯૭માં લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં ૫૦ કરોડથી વધુ ઈન્ટરનેટ અને ૨૫ કરોડથી વધુ સોશિયલ મીડિયા યૂઝર્સ છે. વૈજ્ઞાનિકોનાં મતે કોઈપણ ઘટના બનતાની સાથે નેટસેવીઓને તેમાં ભાગ લેવાની ખંજવાળ ઉપડે છે. સોશિયલ મીડિયા પર કાબુ અશક્ય પણ ભવિષ્યમાં સેન્સરશીપ ઝીકાશે. ગુજરાતીઓમાં સોશિયલ મીડિયા લાઈફલાઈન છે. સોશિયલ મીડિયાનો દરેક વ્યક્તિ ‘સિટીઝન જર્નાલિસ્ટ’ છે. બીપીઓ, આઈટી, ફાયનાન્સ, હોસ્પિટાલિટીથી એફએમસીજી સેક્ટરમાં સોશિયલ મીડિયા રિક્રુટમેન્ટનો ટ્રેડ વિકસ્યો છે.