સ્ત્રી શું ન કરી શકે? બધું જ તો..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

સ્ત્રી એટલે કીર્તિ, શ્રી, વાફ, સ્મૃતિ, મેઘા, ધ્રુતિ, ક્ષમા, સ્નેહ, સમર્પણ અને સ્વનો ત્યાગ…

कार्येषु दासी करणेषु मन्त्री
रुपेषु लक्ष्मी क्षमया धरित्री
भोज्येषु माता शयनेषु रम्भा
षट्कर्मयुक्ता कुलधर्मपत्नी

સ્ત્રી શું નહીં કરી શકે તેનું લાબું લીસ્ટ છે પણ સ્ત્રી શું-શું કરી શકે તે આપણને ધ્યાનમાં નથી આવતું. દુનિયામાં ભગવાન પછી કોઈ ઉચ્ચ સ્થાને બિરાજમાન છે તો તે એકમાત્ર સ્ત્રી જ છે. કારણ જેમ ભગવાન જીવ આપી શકે તેમ સ્ત્રી જન્મ આપી શકે. એક જીવમાંથી બીજા જીવનો ઉદ્દભવ થવામાં માદા જ નિમિત્ત બને છે. આમ છતાં સ્ત્રીની અવગણના કરવામાં આવે છે.
દીકરીનાં જન્મની સાથે જ કુટુંબ અને સમાજને તેને લઈ થોડીઘણી નારાજગી પણ જન્મે છે. બધા એક જ વિચાર કરે દીકરી જન્મીને શું કરશે? કશું જ નહીં, જીવનની મોટી મોટી જવાબદારી સંભાળશે. એક ઘરમાંથી બીજા ઘરમાં જઈ પરિવારને સાચવશે અને નવો પરિવાર બનાવશે. દીકરી પિતાનો પ્રેમ બનશે. મા બની બાળકને પ્રેમ આપશે. પત્ની બની ઘરના તમામ સદસ્યને પ્રેમ આપશે. ખરા અર્થમાં પ્રેમ આપવાનું અને પ્રેમ પામવાનું સૌભાગ્ય એટલે સ્ત્રી. આમ તો આપણને બધા જ માટે પ્રેમ થતો નથી પણ સ્ત્રી પાસે આ એક અદ્દભુત શક્તિ રહેલી છે જે હમેશા બીજાને પ્રેમ આપી શકે છે.
સ્ત્રી કુટુંબનાં કેન્દ્રબિંદુ સમાન છે. એક નાની કલબલ કરતી દીકરી મોટી થતા ઘણી સમજણ શક્તિ ધરાવતી અને ઘર પરિવારની ચિંતા કરતી થઈ જાય છે અને દરેકના મનમાં એક સ્થાન અને હક જમાવી બેસે છે કારણ માત્ર એટલું જ તેનામાં રહેલું ચડિયાતાપણું અને લાગણીની વર્ષા.. આ જ દીકરી લગ્ન કરી બીજા ઘરમાં જતી રહે છે અને જૂના ઘરમાં તેની સુવાસ છોડી નવા ઘરમાં ચોમેર સોડમ ફેલાવતી થઈ જાય છે.
પિતાનું ઘર હોય કે પતિનું.. સૌ કોઈની સારસંભાળ લેતી. ભાઈ-બહેનની જેમ જેઠ-જેઠાણી, દીયર-દેરાણી, નણંદ-નણદોયાને પ્રેમ આપતી.. એક વ્યક્તિ માટે એક ઘરમાંથી બીજા ઘરમાં પ્રેવશી અજાણ્યાને પોતાના કરવાનું કામ એકમાત્ર સ્ત્રી જ કરી શકે. આ એ જ સ્ત્રીને તેના પતિની બની રહી શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક સુખ આપવાની જવાબદારી અદા કરવી પડે તો ક્યારેક સંજોગો વસાત બીજી કેટલીક મદદ કરવી પડે છે અને વળી પતિ, માતા-પિતા અને સાસુ-સસરાની સામાજિક પ્રતિષ્ઠાનું પણ ધ્યાન રાખવું પડે.
માતા-પિતાના ઘરે મોસાળનું અને સાસરે પતિ બાળક અને સાસુ સસરાની કાળજી, પ્રેમ અને આનંદ માટે પોતાની ખુશી ઈચ્છાનું બલીદાન એ સ્ત્રી જ આપી શકે છે જે પારકાને પણ પોતાના બનાવી લે છે અને ખરાબને પણ સ્વીકારી હમેશાં ખુશી શોધતી-અનુભવતી હોય.
~ દર્શના રાવલ