સ્ત્રી : સત્યમ્.. શિવમ્.. સુંદરમ્.. ભારતની સ્વરૂપવાન રાણીઓની રૂપકથા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

સ્વરૂપવાન સ્ત્રીનાં વિશ્વ ઈતિહાસમાં જોન ઓફ આર્કને દુનિયાની સૌથી સુંદર અને સાહસી સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે ફ્રાંસની નાયિકાનાં રૂપમાં પણ જાણીતી છે. અસ્પસિયા પણ બહું જ સુંદર મહિલા હતી અને તે પોતાના શારીરિક સૌંદર્ય અને પ્રદર્શનને કારણે જાણીતી હતી. ૧૪મી અને ૧૫મી સદી દરમિયાન આખું ઈટલી જેની પાછળ પાગલ હતું એ હતા, લુકરેજિયા બોર્ગિયા. તેણી પોતાના વાળ, રંગ અને આંખો દ્વારા કોઈને પણ પોતાની તરફ આકર્ષી શકતા હતા. શલોમીની ખૂબસૂરતીનો અંદાજ એ બાબત પરથી આવે છે કે, તેમનો ચેહરો પ્રાચિન સિક્કા પર છપાતો હતો. શલોમી પોતાના નયનગમ્ય અંગ-ઉપાંગ સિવાય નૃત્ય માટે પણ જગ મશહુર છે. જેનાં શારીરિક સૌદર્યની તુલના ન થઈ શકે એવા મેરેકિયાની રાણી લેડી ગૌડીવાએ પોતાના પતિ સાથે મળી કોન્વેટ્રીયામાં બેનિદિત્તિ મઠની સ્થાપના કરી હતી. તો રાજા લોડિગ્રેસની દીકરી અને બ્રિટેનનાં મહાન શાસક રાજા આર્થરની પત્ની ગુઈનવેરે એક શ્રેષ્ઠ શાસનકર્તા રાણી સાથે સુંદરતમ સ્ત્રી હતા. પ્રાચીન ગ્રીમમાં ફ્રયને પણ એક સુંદર મહિલા માનવામાં આવે છે. મિસ્રની સૌથી સુદર રાણીઓમાં રાણી નેફર્ટીટીને યાદ કરવામાં આવે છે. અલબત્ત તેમનાં નામનો અર્થ જ ‘સૌંદર્ય આવી ગયું છે’ તેવો થાય છે. ઉપરાંત મિસ્ત્રનાં ટોલેમિકની જ રાણી ક્લિયોપેટ્રા પ્રાચિન દુનિયાની સૌથી સ્વરૂપવાન મનાતી હતી. વિશ્વ ઈતિહાસની સુંદર સ્ત્રી સિવાય ભારતની સ્વરૂપવાન રાણીઓનાં રૂપની જાણકારી મેળવીએ..
સંયુક્તા : લાંબા વાળ, અણીદાર આંખો અને એની ઉપરનાં ઘટ્ટ નેણ, સીધું મોટું નાક, કમળની પંખુડી જેવા હોઠ અને પાતળા હાથમાં પણ કમળ ફૂલ જીલેલા કોમળ પંજા અને કુણી આંગળીઓ તેમજ હિરા-માણેક ધારણ કરી જાણે પૃથ્વીરાજનાં વિચારોમાં મગ્ન છે સંયુક્તા, ભારતીય ઈતિહાસની સૌથી સુંદર સ્ત્રીમાની એક સ્ત્રી છે. કન્નોજના રાજા જયચંદની દીકરી સંયુક્તા તેની સુંદરતા માટે સુખ્યાત હતી. રાજા જયચંદને પૃથ્વીરાજ ચૌહાણ સાથે દુશ્મની હતી છતાં પણ પિતા જયચંદ દ્વારા આયોજીત દીકરી સ્વયંવરમાં પુત્રી સંયુક્તાએ પૃથ્વીરાજ ચૌહાણનાં ગળામાં વરમાળા પહેરાવી પોતાની સુંદરતા સિવાય સાહસનો પરિચય આપ્યો હતો.
રાણી પદ્મિની : ગુલાબી-કેસરી વસ્ત્રોમાં અને પીળાં ચમકીલા આભૂષણોમાં સજ્જ ચિત્તોડનાં રાજા રત્નસિંહની પત્ની એટલે રાણી પદ્મિની. જેનાં સૌદર્યનાં વખાણ સાંભળી દિલ્લીનાં શાસક અલ્લાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર આક્રમણ કર્યું. જે યુદ્ધમાં તે વિજેતા થયો હોવા છતાં રાણી પદ્મિનીને પામી ન શક્યો કેમ કે, અલાઉદ્દીન પદ્મિની સુધી પહોંચી શકે એ પહેલાં જ તેણે આગમાં કૂદીને સતીત્વને પામ્યું. રાણી પદ્મિની પોતાનાં સતીત્વ સિવાય સુંદરતા માટે પણ અમર રહેશે.
મીરાંબાઈ : હાથમાં કરતાલ અને માથા પર ચુંદડી ઓઢી પ્રભુજીનાં ભજનમાં લીન રહેનારા અને ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત તેવા પવિત્ર હિંદુ રાજકુમારી મીરાંબાઈ એનાં ઈશ્વરીય ભક્તિનાં ગુણો સિવાય દેખાવ માટે પણ યાદ કરવામાં આવે છે. સામાન્ય પહેરવેશમાં રહેતાં મીરાંબાઈની સાદગીમાંથી સુંદરતા છલકાતી રહેતી હતી.
રાણી લક્ષ્મીબાઈ : શરીરને ચપોચપ પહેરેલી મરાઠી સાડી, એક હાથમાં ધારદાર તલવાર અને બીજા હાથમાં અણીદાર ભાલું. ઘોડા પર સવાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને જોતા આક્રમક અને આકર્ષક લાગે. ૧૮૫૭ની લડાઈમાં ગદરમાં અંગ્રેજો વિરુદ્ધનાં યુદ્ધમાં શહીદી પામનાર રાણી લક્ષ્મીબાઈનું નામ વીરતા અને સાહસ માટે જાણીતું છે પણ એ બહાદુર હોવાની સાથે સૌદર્યવાન પણ હતા. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી આ રૂપરૂપની અંબાર વિરંગનાનું નામ મણિકર્ણિકા રાખવામાં આવ્યું હતું.
અક્કાદેવી : છુટ્ટા વાળ, તેજસ્વી રૂપાળો ચહેરો અને સાત્વિક આભા જેમનાંમાંથી પ્રગટ થતા તેવા કર્ણાટક રાજ્યનાં ચાલુક્ય વંશની રાણી અક્કાદેવી પોતાના શાસકીય ગુણો સિવાય શારીરિક દેખાવ માટે સૌનાં આકર્ષણનું કેન્દ્ર હતા. અક્કાદેવીનાં દેહમાંથી દૈવીય ઉર્જા છલકાતી રહેતી હતી.
રાજકુમારી નીલોફર : ટૂંકા વાળ અને ગોળમટોળ ચહેરો અને એ ચહેરા પર સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દેતું હાસ્ય. રાજકુમારી નીલોફર કાલ્પનિક કથાની પરી જેવા દેખાતા. હૈદરાબાદનાં અંતિમ નિજામની દીકરી રાજકુમારી નીલોફરનો જન્મ ઈસ્તાંબુલમાં થયો હતો. એ પોતાનાં સામાજિક કાર્યો સિવાય સૌદર્યવાન કાયા માટે પ્રચલિત હતા.
સીતાદેવી : સીતાદેવી કાયમ સાડી પહેરેલાં અને શાંત જોવા મળતા. કાશીપુરનાં રાજાની પુત્રી સીતાદેવી રાજકુમારી કરમનાં નામથી પણ જાણીતા છે. તેમનાં લગ્ન કપૂરથલાનાં સિખ રાજા કરમજીત સિંહ સાથે થયા હતા. તે આભૂષણોથી દૂર રહેતા હોવા છતાં પણ અતિ સુંદર લાગતા. વોગ સામાયિકે તેમને દુનિયાની પાંચ શ્રેષ્ઠ વેલ-ડ્રેસ્ડ મહિલામાં સ્થાન આપ્યું હતું. તેમને ૧૯૩૬ની સાલનાં સૌથી સુંદર સ્ત્રી ‘ઈન્ડિયન વાલિસ સીમ્સન તરીકે ઓળખવામાં આવે છે.
મહારાણી ગાયત્રીદેવી : મહારાણી ગાયત્રીદેવી સાડી ઓઢતા, ટૂંકા વાળમાં પોની વાળતા, ગળામાં મોતીની માળા અને હાથમાં મોતીની બંગળી પહેરતાં. જે બધું જ મહારાણી ગાયત્રીદેવીનાં કુદરતી સૌદર્ય આગળ ફિક્કું લાગતું તો એમ પણ કહી શકાય કે, વસ્ત્રો અને આભૂષણો મહારાણી ગાયત્રીદેવીનાં અંગે ધારણ થતા રાણીનાં રૂપથી દીપી ઉઠતા. જુલાઈ, ૨૦૦૯માં ૯૦ વર્ષની વયે મૃત્યુ પામનાર જયપુરનાં મહારાણી ગયાત્રીદેવી પોતાની બાહ્ય રૂપસજ્જાને કારણે વિશ્વ પ્રસિદ્ધ હતા. તેઓ ૧૯૬૨ સાલમાં જયપુર લોકસભા સીટથી જીતીને સાંસદ બનેલા. એક સમયે વોગ સામાયિકે તેમને દુનિયાની દસ શ્રેષ્ઠ સુંદર મહિલાઓમાં સ્થાન આપ્યું હતું.
મહારાણી સીતાદેવી : એકદમ પાતળો દેહ. સરળ સ્વભાવ અને સ્વરૂપ એ સીતાદેવીની ઓળખ હતા. ૧૯૧૭ની સાલમાં મદ્રાસમાં જન્મેલા મહારાણી સીતાદેવી પોતાની સામાન્યતામાંથી ટપકતી સુંદરતા અને શાહી અંદાજ માટે જગપ્રખ્યાત હતા. તેમનાં લગ્ન વડોદરાનાં ઘરાનાનાં પ્રિન્સ પ્રતાપસિંહ ગાયકવાડ સાથે કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી, ૧૯૮૯ની સાલમાં પેરીસમાં મૃત્યુ પામનાર મહારાણી સીતાદેવીનાં સ્વરૂપ પર હરકોઈ ફિદા હતું. વોગ સામાયિકે ૧૯ વર્ષની આ રાણીને ધર્મનિરપેક્ષ દેવી દર્શાવી હતી. તેઓ ઘણીબધી દેશી-સ્વદેશી ભાષાનાં જાણકાર હતા.
રાણી વિજયાદેવી : સાવ ટૂંકાવાળ, કપાળ પર નાનો ચાંદલો, નમણું નાક અને હોઠ, કાન-ગળામાં મોતીનાં આભૂષણો અને સાદી સાડી. પ્રિન્સ કાંતિરાવ નરસિમ્હા રાજા વડીયારની દીકરી બા અને કોટડાસાંગાણીનાં ઠાકુરની પત્ની રાણી વિજયાદેવીને જે જોતાં તે જોતાં જ રહી જતા. લંડન અને ન્યૂયોર્ક જઈને સંગીતની શિક્ષા મેળવનાર રાણી વિજયાદેવીનાં સંગીતનાં સૂરો સિવાય શારીરિક અંગોની સુંદરતા મોહક હતી.
ભારતીય ઈતિહાસની સૌથી સુંદર અને સર્વગુણ સંપન્ન સ્ત્રી આમ્રપાલીને માનવામાં આવે છે. જેની સુંદરતાએ તેને વૈશાલીની વેશ્યા બનાવી દીધી.. ઈતિહાસની નોંધપોથી પરથી કહી શકાય કે, સ્ત્રીની સુંદરતા ક્યારેક અશાંતિ અને અરાજકતા કારણ બને છે.

મિરર મંથન : ટર્કીની મહિલાઓ વિશ્વમાં સૌથી સુંદર મહિલાઓમાં નામના ધરાવે છે. તેવી જ રીતે બ્રાઝિલની સ્ત્રીને પણ સૌથી બ્યુટિફૂલ એન્ડ બોલ્ડ બેબીની નામના મળેલી છે. ઈજાબેલથી લઈને જેસેલ સુધીની કઈ કેટલીયે મોડલ બ્રાઝિલની છે. ટર્કી અને બ્રાઝિલ સિવાય રુસ માત્ર આર્મી માટે નહીં મહિલા સૌંદર્ય માટે પણ ચર્ચામાં છે. રુસની સ્ત્રીઓ પોતાની ઊંચાઈ અને સુડોળ શરીરને કારણે સુંદર સ્ત્રીવાળા દેશોમાં સ્થાન ધરાવે છે. ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા, એલિનાથી લઈ ઈરીના શેક રુસી મહિલાઓ છે. રુસની જેમ જ યુક્રેન પણ સુંદર સ્ત્રીઓમાનો એક દેશ છે. અભિનેત્રી મિલા યુક્રેનને કોણે નથી જોઈ કે ઓળખતું? ઈટલી અને એ સિવાય ખતરનાક શહેરમાં ગણના થતા વેનેઝુએલા શહેરની વનિતાઓ પાછળ પૂરું વિશ્વ દિવાનું છે. અમેરિકાની ઔરતોની સુંદરતા તેમનાં વાણી, વર્તન અને વ્યવહારમાંથી છલકાય છે. અમરિકી મહિલાઓ અત્યંત બાળસહજ સ્વભાવ અને દેખાવની હોય છે જે તેની સુંદરતાનું રહસ્ય છે. સ્ત્રીની સુંદરતા વિશે વાંચતા, વિચારતા અને જોતા પ્રશ્ન થઈ ઉઠે કે, જો ઈશ્વરે મનુષ્યે આંખો ન આપી હોતી તો?