સ્નેહ વિશેનાં મારાં અંગત સ્પંદનો સંક્ષિપ્ત

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 4.00 out of 5)
Loading...

સ્નેહ વિશેનાં મારાં અંગત સ્પંદનો સંક્ષિપ્ત

શબ્દોમાં સ્નેહી સાથીઓ માટે

 • માનવતાનું અનૌરસ ફરજંદ છે મહોબ્બત.. મહોબત્ત-મર્સી-કિલિંગ જેવી છે. મૌત પછીની મજા અને વ્યક્તિ યોગ્ય હોય તો સ્નેહની જીવીત હરીત સમાધિમાં સ્વર્ગનો અહેસાસ થાય છે. અજાણ્યાં બાદ જાણીતા વ્યક્તિ-વસ્તુ-વિચાર માટે પ્રેમ અને પસીનો વહેવડાવાની, વ્હાલથી હથેળી વડે સ્પર્શવાની અને પ્રતિધોષો પૈદા કરતાં રહેવાની આ રમતમાં બે વિરુધ્ધ પ્રતિસ્પર્ધીનું લક્ષ હંમેશાં એક જ રહે તો સંબંધો ટકી રહે છે. જ્યારે પોતાનાં અણગમા ભૂલાવી ગમતી વ્યક્તિનાં ગમા અપનાવીએ છીએ ત્યારે એ અપનાવેલાં અણગમા સામેની વિજાતીય વ્યક્તિનાં પણ અણગમા બની ગયા હોય છે એ પ્રેમ છે. એ સ્નેહની સહાદત છે.
 • એક પાનું કે પુસ્તક ભરી પ્રેમ પર લખી શકાય છે પણ પ્રેમી કે પ્રેમીકાને એક ફકરો લખી શકવાની કળા કે સમજ હવેના પ્રેમીપાત્રોમાં રહી નથી.
 • અનેકને એકસમાન પ્રેમ ન થઈ શકે. અનેકથી પ્રેમ થઈ શકે તેમાં કોઈ એક સાથે માત્ર લગ્ન થઈ શકે. ગમે તે ગમતી વ્યક્તિમાં સૌથી વધુ કોણ ગમે છે તે નક્કી કરવું ક્યાંરેક મુશ્કેલ થઈ પડે છે.
 • મતિ, રુચિ, દ્વષ્ટિ મનુષ્યે-મનુષ્યે ભિન્ન છે. એ રીતે તેમનો પ્રેમ, સ્નેહકથા ભિન્ન છે. હા પાત્રો એક હોય શકે લૈકીન પ્રેમનું પરિણામ અને સ્તર હર વ્યક્તિનું અલગ-અલગ હોય છે. આ બાબતે મને કુદરત શ્રેષ્ઠ પ્રેમકર્તા મહેસૂસ થઈ છે. (કુદરત સ્ત્રીલિંગ છે) સમુંદરના મોજા, વરસાદની છાંટ, આકાશનાં તારા, મૌસમનું ટેમ્પ્રેચરની જેમ આ બધામાં વધ-ધટ થતી રહે છે તે રીતે લાગણીનો કોકટેલ જેવો ઊતાર-ચડાવ-છલકાવ જ પ્રિતનો પરપોટો ક્યાં સુધી ટકી રહે છે તે નક્કીકર્તા છે.
 • પ્રેમ એ સંબંધોનો વ્યાયામ છે. હદયરોગ એ પ્રેમરોગની ઉત્પત્તિ જ નથી ને?
 • પ્રેમ એટલે ધર્મ અને ધનનું જ્યાં જોર નથી.
 • પહેલાં પ્યાર કે પ્રેમ એકવાર જ થાય તેવું કશું હોતુ નથી. પ્યાર એ અકસ્માત અને ઘટનાનો ટકરાવ છે.
 • અમુક જ વ્યક્તિ સાથ, અમુક જ સમયે એકથી વધુ વ્યક્તિ માટે લાગણીઓ ઉદ્દભવવી એ બાળકના રડવા જેટલી સામાન્ય અને સ્ત્રીનાં શરીર જેટલી દિલચસ્પ વાત છે. કોઈ બુઢાને પૂછો એકસાથ કેટલી વાર પ્રેમમાં પડ્યા છો તો કહેશે હજુ એકાદ વાર પડી લેવા માંગુ છું. ટ્રુ લવ કરવા માંગુ છું.
 • મારાં હિસાબે પ્રેમ એ પ્રેમ હોય. ટ્રુ લવ જેવા શબ્દો મને સમજાતા નથી. ફક્ત બારાખડીના અક્ષરો સજાવીને આઈ લવ યુશબ્દનાં વાક્યો જોડી થતો એકરાર એ પ્રેમ નથી.
 • જ્યાં નિ:શબ્દ ભાષાનું ક્ષેત્રફળ અમર્યાદીત રીતે વિસ્તરી જાય છે ત્યાં પ્રેમ મૌનની છડી બની અંતરનો નાદ પુકારે છે. શરાબનાં ખાલી ગ્લાસ બાદ અને શરબતનાં છલકાતા ભરેલાં ગ્લાસ પછીનાં ભાવો ઉછળે છે.
 • પ્રેમને પામવા માટે ઝનૂનનાં ગુણો વિકસાવા પડે છે, જ્યારે પ્રેમને જીતવા માટે હારતા રહેવાની આદત પાડી લેવી પડે છે.
 • ગરીબનો પ્રેમ અને અમીરનો લવ એ બંન્નેમાં ફર્ક છે.
 • મધ્યમવર્ગીય યુવતીની પ્રેમમા બેવફાઈ એ દગો નહીં પવિત્રતા છે, સ્નેહને જાળવી રાખવાના સંસ્કાર છે.
 • પ્રેમ ભાવનાપ્રધાન હોવો-રહેવો જોઈએ તેનાં બદલે ભોગપ્રધાન બની રહ્યો છે.
 • મારી આસપાસ હું અપરિણીત યુવાનોનાં પ્રેમસંબંધ કરતાં પરણીત સ્ત્રી-પુરુષોના અફેર્સ વધુ જોઈ રહ્યો છું. જે પ્રેમમાં હાંફી જવાય ત્યાં ચાહના નહીં કામના રહેલી હોય છે. આ પ્રકારનાં કપલો કરતાં હું મૂર્ખ લલનાઓ અને ચક્રમ આશિકોની કદર કરુ છું.
 • જે વ્યક્તિ દિલ ફોડી ચાહી શકે છે એ જ વ્યક્તિ દિલ તોડી નફરત પણ કરી શકે છે.
 • થોડી ઈર્ષા પ્રેમની સ્પર્ધામાં ટોનિકરૂપ સાબિત થાય છે.
 • એપિક્યુરસથી ઓમર ખય્યામથી ઓશો અને કવિથી જે.વી સુધીની સૌની પ્રેમ વિશેની વ્યાખ્યા સમાન રહી નથી. કેમ કે પ્રેમમાં સ્થિરતા નથી.
 • આપણે સૌ હર દિન સેક્સરત રહી શકીએ છે એટલાં પ્રમાણમાં પ્રેમરત રહી શકતા નથી.
 • કેટલીક વ્યક્તિની મુસ્કુરાહટ પાછળ મહોબ્બતનાં છલકાયેલાં આંસુઓનાં જામ છે. આ રોમ-રોમ કતરા-કતરા તે ગમતી વ્યક્તિના સાનિધ્ય વિના હવે મુમકિન નથી. આત્મહત્યા કરી લૈલા-મજનુંની શ્રેણીમાં નામ નથી નોંધાવું કે કોઈની યાદો પાછળ પાગલ બની ફટીચર કવિતા, નવલકથા કરી તેને તાજમહાલ જેવી અજાયબી સમજવી.

       ઉત્ક્રાંતિ અને વિજ્ઞાન અને ફિલસૂફી અને ધર્મ હજી સુધી આ પ્રેમને સમજવામાં અપૂર્ણ રહ્યાં છે કેમ કે ઈશ્ર્વરની જેમ પ્રેમ કલ્પના, ચર્ચા અને રહસ્યથી ઉપર માત્રને માત્ર અનૂભુતિનો વિષય છે.